નાગરો એકમંચ પર આવ્યાઃ ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીની સ્થાપના

0
1085

(ડાબે) ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (ગુના)ના સંમેલનમાં દીપપ્રાગટ્ય કરતા પ્રખ્યાત ન્યરોસર્જન ડો. હેમાંગ વસાવડા, ‘ગુના’ના મહામંત્રી અભિલાષ ઘોડા, હાઈ કોર્ટના એડવોકેટ નિરૂપમ નાણાવટી, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરા, જૂનાગઢનાં મેયર આદ્યશક્તિબહેન મજુમદાર, ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં અભિનેત્રી નેહા એસ. કે. મહેતા (અંજલિ મહેતા), સંગીતકાર શોભિત દેસાઈ, મુખ્યમંત્રી કાર્યાલયના સ્પેશિયલ ઓફિસર ભાગ્યેશ જ્હા, ‘ગુના’ના ટ્રેઝરર રાજુલ મહેતા અને પ્રમુખ ઓજસ માંકડ, (જમણે) ‘ગુના’ના સંમેલનમાં ઉપસ્થિત નાગર બંધુ-ભગિનીઓ (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

અમદાવાદઃ કથાકાર મોરારીબાપુ કહે છે કે નાગર એક જ્ઞાતિ નહિ, એક વિચારધારા છે. આ વિચારધારા રવિવારે, 25મી માર્ચે ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (ગુના)ના નેજા હેઠળ અમદાવાદમાં યોજાયેલા વિશાળ સંમેલનમાં વ્યક્ત થઈ હતી. નાગર કુળની પેટાજ્ઞાતિઓને સમાવિષ્ટ કરી સામાજિક એકતા અને સદ્ભાવ વધુ સુદઢ બને તેવા ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હતું.

વડનગરા, પ્રશ્નોરા, વિસનગરા, કૃશ્નોરા, ચિત્રોડા અને સાઠોદરા એમ છ વિભાગમાં વહેંચાયેલી નાગર જ્ઞાતિને એકછત્ર નીચે લાવતું એક વૈશ્વિક મહાસંમેલન અમદાવાદમાં યોજાયું હતું. ફક્ત નાગર કહેવાવાથી નહિ, પરંતુ નાગરના સંસ્કારોને યોગ્ય રીતે અપનાવીને એક થઈને રહીએ અને સમયની સાથે આપણે પણ થોડાક બદલાઈએ તેવા આશય સાથે ગુજરાત અને ગુજરાત બહાર વસતા નાગરબંધુઓના સહકારથી ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (ગુુના)ની સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાત અને ગુજરાત બહાર તેમ જ વિદેશમાં વસતા લગભગ 1700 જેટલા નાગરબંધુઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ સાથે જ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા વિશ્વનાં અનેક શહેરોમાં આ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીના મુખ્ય ધ્યેયમાં ખાસ તો સમાજનાં બાળકોને શિક્ષણમાં સહાય, હોસ્ટેલની મુખ્ય શહેરોમાં વ્યવસ્થા, ઉચ્ચ શિક્ષણ તેમ જ બહારગામથી આવનારા નાગરબંધુઓ માટે નજીવા દરે રહેઠાણની વ્યવસ્થા કરવી તે રહેશે. આ કાર્યક્રમમાં જૂનાગઢનાં મેયર આદ્યશક્તિબહેન મજુમદાર, ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં અભિનેત્રી નેહા એસ. કે. મહેતા (અંજલિ મહેતા), ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન આસિત વોરા, મુખ્યમંત્રી કાર્યાલયના સ્પેશિયલ ઓફિસર ભાગ્યેશ જ્હા, મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂર્વ મિડિયા ડિરેક્ટર ધીરેન અવાસિયા, સંગીતકાર શોભિત દેસાઈ, ગઝલકાર તેમ જ વકીલ નિરૂપમ નાણાવટી, ગાયક સંગીતકાર આલાપ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સ્વામી આધ્યાત્મનંદજી, મોરારીબાપુ અને વક્તા જય વસાવડાના વિડિયો સંદેશ રજૂ કરાયા હતા. ખાસ કરી કાર્યક્રમની વિશિષ્ટતામાં હતું નાગરત્વના મહિમાને રજૂ કરતું સ્તોત્ર (એન્થમ). ‘કલમ વિવેકી, કડછી સ્વાદસભર, બરછી અણીદાર, નાગરવીર દરેક આહ્વાન માટે છે તૈયાર. સ્ત્રીજાતિને ગૌરવ ધરતાં હોઠો પર સંદેશ… જય હાટકેશ, જય હાટકેશ… એ એન્થમ કવિ શોભિત દેસાઈએ રચી છે. આ એન્થમ આસિત-હેમા દેસાઈના પુત્ર અને મુંબઈના યુવા ગાયક આલાપ દેસાઈના સ્વરમાં રજૂ કરવામાં આવ્યું હતું, જે રજૂ થતાંની સાથે જ તમામ નાગરબંધુઓ પોતાની બેઠક ઉપર શિસ્તબદ્ધ ઊભા થઈ ગયા હતા અને તેના રાષ્ટ્રગીતની જેમ માન આપ્યું હતું તથા જય હાટકેશના નાદથી વાતાવરણમાં એક સકારાત્મક ઊર્જાનો સંચય થયો હતો.

કાર્યક્રમ અંતર્ગત પોતાની આગવી શૈલીમાં નાગરવરીય ભાગ્યેશ જ્હાએ સંસ્કૃતમાં પોતાનું પ્રવચન રજૂ કરી રમૂજ સાથે આપણે સૌ નાગર છીએની શ્રેષ્ઠતાનાં દર્શન કરાવ્યાં હતાં અને કહ્યું હતું કે માગણી માટેનાં મેં ઘણાં સમેંલન જોયાં છે, પણ લાગણી માટેનું આ પ્રથમ સંમેલન હું જોઈ રહ્યો છું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નાગરમાં ત્રણ આવડત છેઃ ઇનોવેશન, ઇન્સપિરેશન અને ઇનર જર્ની.

અંતમાં ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલી (ગુના)ના અધ્યક્ષપદે ઓજસ માંકડ, ઉપપ્રમુખ જિગર રાણા, મહામંત્રી અભિલાષ ઘોડા, સહમંત્રી હિતેક્ષા બુચ, ખજાનચી રાજલ મહેતાની પસંદગી કરવામાં આવી હતી. જયારે ‘ગુના’નાં જ અન્ય ટ્રસ્ટી એવા ભૂષણ વસાવડાને નાગર ફાઇનાન્સ પ્રોજેક્ટના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.