નાગરિક્તા સુધારા કાયદો રદ કરો, એનઆરસી તથા એનપીઆર અટકાવોઃ વિપક્ષોની માગ

નવી દિલ્હીઃ કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા સોમવારે બોલાવવામાં આવેલી વિપક્ષોની બેઠકમાં નાગરિકતા સુધારા કાયદો અને કેમ્પસની હિંસા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ૨૦ જેટલા પક્ષોએ હાજરી આપી હતી અને ઠરાવ પસાર કરીને એવી માગણી કરવામાં આવી હતી કે સરકાર નાગરિકતા સુધારા કાયદાને રદ કરે અને એનઆરસી તથા એનપીઆરને એ ભૂમિકા પર અટકાવી દેવામાં આવે કે તેમનું પેકેજ ગેરબંધારણીય છે અને ગરીબ તથા કચડાયેલા વર્ગની વિરુદ્ધમાં છે.
આ બેઠકમાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર, ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી અને ડી. રાજા, જેએમએમ નેતા અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, લોક જનતા દળના નેતા શરદ યાદવ, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા, આરજેડી નેતા મનોજ ઝા, નેશનલ કોન્ફરન્સના નેતા હસ્નાન મસૂદી તેમજ કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યાં હતાં. બીજી બાજુ, વિરોધપક્ષોમાંની તિરાડ ખુલ્લી કરતા ડીએમકે, શિવસેના, બીએસપી, એસપી અને ટીએમસી ગેરહાજર રહ્યા હતા.
કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષોએ સોમવારે માગ કરી હતી કે સરકારે નાગરિકતા સુધારા કાયદો પાછો ખેંચવો જોઈએ અને એનપીઆરની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી જોઈએ. સોનિયા ગાંધીએ બોલાવેલી વિપક્ષની બેઠક પછી નિવેદન આપવામાં આવ્યું હતું કે ૨૦ પક્ષોના નેતાઓએ યુનિવર્સિટીઓના કેમ્પસની હિંસા અંગે વિચારણા કરી હતી અને કહ્યું હતું કે સીએએ, એનપીઆર અને એનઆરસી એ એવું ગેરબંધારણીય પેકેજ છે, જે ખાસ કરીને ગરીબ, એસ.સી.,એસ.ટી., ભાષાકીય અને ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવે છે.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સીએએ અને એનઆરસી વિરુદ્ધમાં થયેલાં પ્રદર્શનો જ દર્શાવે છે કે લોકો હતાશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અર્થતંત્ર જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ વડા પ્રધાનને પડકાર આપીને કહ્યું હતું કે તેમણે કોઈપણ મુશ્કેલીગ્રસ્ત કેમ્પસની મુલાકાત લઈને બોલવું જોઈએ કે દેશ માટે તેઓ શું કરવા જઈ રહ્યા છે? આ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે જે રાજ્યોએ જાહેરાત કરી છે કે તેઓ એનઆરસી લાગુ નહિ કરે તેમણે એનપીઆરની પ્રક્રિયાને સ્થગિત કરવાનું પણ વિચારવું જોઈએ.
આ ઠરાવમાં સુભાષચંદ્ર બોઝની જન્મ તારીખ ૨૩ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરી અને મહાત્મા ગાંધી નિર્વાણ દિન ૩૦ જાન્યુઆરીએ શાંતિપૂર્ણ રીતે અને યોગ્ય રીતે બંધારણનો બચાવ કરવો. ભાજપે આ ઠરાવની ટીકા કરતાં કહ્યું હતું કે આનાથી પાકિસ્તાન ખુશ થશે. સીએએને કારણે લઘુમતીઓ પર પાકિસ્તાનમાં થતા અત્યાચારો ખુલ્લા પાડવાની તક છે.