નાગરિકો પર ટેક્સનો બોજ સરકાર દ્વારા થતો સામાજિક અન્યાયઃ મુખ્ય ન્યાયાધીશ

 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે નાગરિકો પર ટેક્સનો બોજ ન નાખવો જોઈએ. ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલના ૭૯મા સ્થાપનાદિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ બોબડેએ આ વાત કરી હતી.

તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે ટેક્સચોરી કરવી એક આર્થિક અપરાધ તો છે જ, સાથે દેશના અન્ય નાગરિકો સાથે સામાજિક અન્યાય પણ છે, પણ જો સરકાર મનમાનીથી વધુ પ્રમાણમાં ટેક્સ નાગરિકો પર નાખે તો આ સરકાર દ્વારા એક પ્રકારનો સામાજિક અન્યાય ગણાશે. 

તેમણે કહ્યું હતું કે ટેક્સને મધની જેમ કાઢવો જોઈએ, ફૂલને નુકસાન પહોંચાડ્યા વગર જ અમૃત ખેંચવું જોઈએ. કરદાતાઓને યોગ્ય અને તરત વિવાદોનું સમાધાન કે નિરાકરણ મળવું જોઈએ, જેથી તે ટેક્સ ચૂકવવા પ્રત્યે વધુ પ્રોત્સાહિત થઈ શકે. આ સાથે જ એક કુશળ ટેક્સ-ન્યાયપાલિકાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ટેક્સપેયર કોઈ કેસમાં ફસાયેલા ન રહે. તેમનું આ નિવેદન એવા સમયે પણ સામે આવ્યું છે, જ્યારે સરકાર બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે. ગણતરીના દિવસો બાદ નાણાપ્રધાન દેશનું બજેટ રજૂ કરશે.  

નિષ્ણાતોના દાવા છે કે સરકાર સરકારી ખર્ચાને વધારવા માટે મોટા નિર્ણયો લઈ શકે છે. ટેક્સ કલેક્શનને વધારવા માટેના ઉપાયો પર પણ ભાર મૂકવામાં આવી શકે છે. મુખ્ય ન્યાયાધીશ બોબડેએ ન્યાયપાલિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ન્યાયપાલિકામાં ટેક્નોલોજીનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિર્ણયો લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અનેક એવાં ક્ષેત્રો છે, જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કવર કરી શકાય તેમ છે. 

વિવિધ કોર્ટમાં ટેક્સસંબંધી કેસો ચાલી રહ્યા છે અને એમાં છેલ્લાં બે વર્ષમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. ૩૦ જૂન, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને ટેક્સ ટ્રિબ્યુનલમાં કુલ ૨,૭૩,૫૯૧ કેસો પેન્ડિંગ હતા, જ્યારે આ આંકડો ૩૧મી માર્ચ, ૨૦૧૯માં ઘટીને ૧,૦૫,૭૫૬ સુધી આવી ગયો હતો. 

તેમણે ટેક્સસંબંધી કેસો લાંબા સમય સુધી પેન્ડિંગ ન રહે એ દિશામાં પ્રયાસો કરવા પણ અપીલ કરી હતી, સાથે તેમણે કહ્યું હતું કે લાંબા સમય સુધી ટેક્સ કેસો પેન્ડિંગ રહે તો એની સીધી અસર ટેક્સપેયર પર થાય છે એમ તેમણે કહ્યું હતું.