નાગરિકતા સુધારા બિલ રાજ્યસભામાં પસાર કરાયું બુધવારે 11 ડિસેમ્બરની મોડી સાંજે મોદી સરકારના ગૃહપ્રધાન અમિત શાહને સફળતા મળી…

0
1534

 

બુધવારે 11 ડિસેમ્બરની સાંજે મોદી સરકારને મોટી સફલતા હાંસલ થઈ હતી. નાગિરક સુધારા બિલ , જે અગાઉ લોકસભામાં ખાસ્સી બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં ભાજપના સંસદસભ્યો મોટી સંખ્યામાં છે, પરંતુ રાજયસભામાં માત્ર 83 સાંસદો જ છે. આથી લોકસભામાં બહુમતી સભ્યોના સમર્થનથી પસાર કરવામાં આવેલા મહત્વના બિલ ભાજપ પાસે રાજ્યસભામાં જરૂરી સંખ્યાબળ ના હોવાને કારણે રાજ્યસભામાં પસાર થઈ શકતાં નથી. બુધવારે 11 ડિસેમ્બરે બપોરે 12-30 વાગે રાજ્યસભાના મંચ પર મૂકવામાં આવેલા બિલને વિરોધ પક્ષોનો જબરદસ્ત વિરોધ સહન કરવો પડ્યો હતો. વિરોધ પક્ષના સભ્યોએ બિલમાં જાતજાતના સુધારા કરવાના સૂચનો કર્યા હતા. શરૂઆતમાં તો આ બિલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત વિધેયકમાં સુધારાઓ સૂચવીને તેને સંસદની સુધારા  સમિતિ સમક્ષ મૂકવાના સૂચનો કરાયાં હતા. રાજયસભાના વિપક્ષના સભ્યોએ કરેલા આક્ષેપો, વિધાનોનો આક્રમકતાથી તેમજ સજ્જતા સાથે જવાબ આપ્યો હતો. તેમણે વિપક્ષના સભ્યોના સવાલોના મુદા્સર અને સચોટ જવાબો આપ્યા હતા. ત્યારબાદ બિલ માટે કરવામાં આવેલા મતદાનમાં બિલની તરફેણમાં 125 અને બિલના વિરોધમાં 105 મત પડયા હતા, આથી બિલને રાજ્યસભામાં સફળતાથી પસાર કરવામાં આવ્યું હતું. હવે આ નાગરિકતા સુધારા બિલ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવશે, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ એ કાનૂનના સ્વરૂપે અમલી બનશે. 

     જો કે કાનૂન બની ચૂકેલી આ જોગવાઈને પડકારવાનો વિકલ્પ હજી વિપક્ષો માટે ઉપલબ્ધ છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ, તૃણમૂલ કોંગ્રસ સહિતના વિરોધપક્ષોએ ઉપરોક્ત નાગરિકતા સુધારણા બિલનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેઓ એમાં જાતજાતના સુધારા સૂચવી રહ્યા છે. આથી તેઓ સુપ્રીમ કોર્ટમાં આ કાનૂનને પડકારતી અદાલતી કાર્યવાહી કરી શકે છે. આવી કાર્યવાહી વિપક્ષ અવશ્ય કરશે, એ નિશંક છે. 

 રાજયસભામાં આ બિલ અંગોનો પ્રસ્તાવ પેશ કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, હું આજે ગૃહમાં એક ઐતિહાસિક બિલ લઈને આવ્યો છું., આ બિલની અંતર્ગત, જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનાથી લાખો- કરોડો લોકોને ફાયદો થશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે લધુમતી કોમના સભ્યો રહેતા હતા, તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવતું નહોતું. તમને એ કથિત પાડોશી દેશોમાં સમાનતાનો કોઈ પણ અધિકાર મળ્યો નહોતો. 

     ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતુંકે, સદગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગલાદેશના લોકોને નાગરિકતા આપી ત્યારે પણ અમે શંકા કરી નહોતી .યુગાન્ડાથી આશ્રિત તરીકે આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવી ત્યારે અમારા પક્ષ ભાજપે કશો વિરોધ કર્યો નહોતો. કોઈ સવાલ કર્યો નહોતો. જો કોઈ ખાસ કારણના લીધે કોઈ મુસ્લિમ  વ્યક્તિને નાગરિકતા જોઈતી હશે તો તેની પણ જોગવાઈ અમારી પાસે છે જ. અમિત શાહે વિશેષમાં જણાવ્યું હગતું કે, 1950ની સાલથી અમારો પક્ષ સતત એક જ વાત કહી રહ્યો છે કે, કલમ 370 ના હોવી જોઈએ. જમ્મુ- કાશ્મીરને્ વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવો જોઈએ. કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ તેમજ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને તેમના સવાલનો ઉત્તર આપતાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, માનનીય કપિલ સિબ્બલ સાહેબ કહે છે કે, મુસલમાનો અમારાથી ડરતા નથી. હું તો ભારપૂર્વક કહું છું કે, મસલમાનો સહિત કોઈએ પણ અમારાથી કે કોઈનાથી ડરવાની જરૂરત જ નથી. હું તો વિપક્ષને પણ વિનંતી કરું છું કે, કોઈના મનમાં અકારણ ભય પેદા ના કરો. આ વિધેયક નાગરિકતા આપવા માટે છે. કોઈની નાગરિકતા છિનવી લેવા માટે નથી. દેશના જે મુસ્લિમો નાગરિ્ક છે, એ તો નાગરિક જ રહેવાના છે. એમાં કશો ફેરફાર થવાનો નથી. 

      અમિત શાહે જણાવ્યું હતું કે, જેની સાથે ભારતની સીમાઓ જોડાયેલી છે એવા ત્રણ  દેશો – પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા, ધાર્મિક કારણોસર હેરાનગતિ પામેલા લધુમતી ધર્મના લોકોને નાગરિકતા પ્રદાન કરવાનો આ અમારો પ્રયાસ છે. આથી આ વિધેયકની જોગવાઈમાં મુસ્લિમ શામેલ કરવામાં આવ્યા નથી. અન્યથા રજૂ કરવામાં આવેલું આ નાગરિકતા સંશોધન બિલ સંપૂર્ણતયા બિનસાંપ્રદાયિક જ છે. તેમાં કશું જ અસંવૈધાનિક નથી.