નાગરિકતા સંશોધન એક્ટને કારણે દેશભરમાં હિંસક પ્રદર્શનોઃ વિપક્ષો સંગઠિત

નવી દિલ્હીઃ જામિયા મિલીઆ ઇસ્લામિયાસ્થિત કહેવાતી પોલીસની બળજબરી અને દેશભરમાં નવા સિટિઝનશિપ કાયદાના વિરોધમાં વિપક્ષો એકજૂટ થયા હતા. વિપક્ષોએ જામિયા યુનિવર્સિટી ખાતે પોલીસ કાર્યવાહીની અદાલતી તપાસની માગણી કરતાં એવો નિર્દેશ કર્યો હતો કે દિલ્હી પોલીસ ભાજપના હુકમોને અનુસરે છે. સુધારેલા નાગરિકતા ધારા મુદ્દે હિંસા વચ્ચે હવે રાજનીતિમાં પણ ગરમી આવી ગઈ છે. સોમવારે વિપક્ષી નેતાઓએ આ મુદ્દે પત્રકાર પરિષદ બોલાવીને પ્રદર્શનકારીઓ સામે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં ગૃહપ્રધાન અમિત શાહને ઘેર્યા હતા. ત્યાર બાદ વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિમંડળ સાંજે રાષ્ટ્રપતિને મળ્યું હતું અને આવેદન પાઠવ્યું હતું.
પશ્ચિમ બંગાળનાં મમતા બેનર્જી, કેરળના પિનારાઈ વિજયન, પંજાબના અમરીન્દર સિંઘ અને સિક્કિમના પ્રેમસિંગ તામંગે સહિત ચાર મુખ્ય પ્રધાનોએ એવી જાહેરાત કરી દીધી છે કે તેઓ તેમનાં રાજ્યોમાં સિટિઝનશિપ કાયદા અને એનઆરસીનો અમલ થવા દેશે નહિ. નાગરિકતા કાનૂન મુદ્દે સોમવારે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, સીપીઆઇના સીતારામ યેચુરી, ડી. રાજા સહિતના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં આઝાદે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશમાં એવું કોઈ રાજ્ય નથી, જ્યાં આ કાયદાનો વિરોધ થતો ન હોય. પોલીસે જામિયા યુનિવર્સિટીના પ્રાંગણમાં ઘૂસીને લાઇબ્રેરીમાં જઈને અને બાથરૂમમાં પણ છાત્રોની પીટાઈ કરી હતી. છોકરીઓ પણ બચાવો-બચાવોની ચીસો પાડતી હતી. વિરોધપ્રદર્શન છાત્ર જીવનનો એક ભાગ છે. જો યુનિવર્સિટીમાં દેખાવ ન થઈ શકે તો છાત્ર મૂંગા થઈ જશે. તો યેચુરી અને ડી. રાજાએ સવાલ કર્યો હતો કે પોલીસની કાર્યવાહી વખતે અમિત શાહ ક્યાં હતા? તેમણે જામિયા યુનિવર્સિટીમાં તોડફોડ અને હિંસા મચાવનારાઓને બધાની સામે લાવીને પગલાંની માગણી કરી હતી. જોકે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટની વિરુદ્ધમાં જામિયા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલાં પ્રદર્શનો દરમિયાન જાહેર મિલકતને થયેલા નુકસાન તેમ જ હિંસાની સર્વોચ્ચ અદાલતે ગંભીર નોંધ લીધી હતી અને મંગળવારે આ સંબંધમાં કરાયેલી અરજીની સુનાવણી કરવા સંમત થઈ હતી.
હાલ બંગાળ અને કેરળમાં ભારે વિરોધપ્રદર્શનો તો થઈ રહ્યાં છે, જેની આગેવાની ત્યાંના મુખ્ય પ્રધાનો લઈ રહ્યા છે. કોલકાતામાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ એક જંગી જાહેર સભાને સંબોધી હતી અને એવું વચન આપ્યું હતું કે જ્યાં સુધી સિટિઝનશિપ કાયદો અને એનઆરસી પાછા નહિ ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
પત્રકારોને સંબોધતાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ દિલ્હી સરકારના અંકુશ હેઠળ નથી, પરંતુ કેન્દ્રીય ગૃહ ખાતાના અંકુશ હેઠળ છે.
ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે વાઇસ- ચાન્સેલરની પરવાનગી વિના પોલીસ યુનિવર્સિટીમાં જઈ શકે નહિ. જો પોલીસને પરવાનગી અપાઈ નહોતી તો એ ત્યાં કેવી રીતે પ્રવેશી? અમે એની નિંદા કરીએ છીએ. જામિયામાં વિદ્યાર્થીઓ પર પોલીસની બળજબરી વિશે અમિત શાહનું શું કહેવું છે? એવો સવાલ ડી. રાજાએ કર્યો હતો. દરમિયાન જામિયા મિલીઆ ઇસ્લામિયાના વાઇસ-ચાન્સેલર નજમા અખતરે વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાથી ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માગણી કરી હતી. ડો. રાજાએ જણાવ્યું હતું કે ડાબેરી પક્ષો ૧૯ ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધપ્રદર્શનો કરશે.