નાઇઝરમાં આકાશ અચાનક લાલ થઈ ગયું, લોકોએ કહ્યું ૨૦૨૦નું વર્ષ વિશ્વનો અંત છે

નિમેયઃ કોરોનાની મહામારીના કારણે સમગ્ર વિશ્વ ડરેલું છે. આ કોરોના વચ્ચે આફ્રિકન દેશ નાઇઝરમાં એક એવી ઘટના ઘટી કે બધા જ લોકોનાં હોશ ઉડી ગયા. સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી કે હવે વિશ્વનો અંત થઇ જશે. આફ્રિકન દેશ નાઇઝરની રાજધાનીમાં મોટું રેતીનું તોફાન આવ્યું. આ દરમિયાન અચાનક સમગ્ર આકાશ લાલ થઇ ગયું. આકાશનો રંગ બદલાઇ ગયો. લોકો તેને જોઇને પરેશાન થઇ ગયા અને ડરી ગયા.
લોકોએ ટ્વીટર પર ફોટો શેર કરવાના પણ ચાલુ કર્યા. લોકોએ લખ્યું કે, નાઇઝરમાં રેતીનાં તોફાનો બાદ વાદળોનો રંગ બદલાઇ ગયો અને લાલ થઇ ગયો. લોકડાઉન વચ્ચે સોશિયલ મીડિયા પર શેર કરાયેલી આ તસ્વીરોને જોઇને લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અનેક લોકો જણાવી રહ્યા છે કે, આ વિશ્વનો અંત છે.
એક યુઝરે લખ્યું કે, નાઇઝરથી આજ અવિશ્વસનીય તસ્વીરો સામે આવી છે. અહીં મારે ભાઇ અને તેનો પરિવાર રહે છે. નાઇઝરમાં સેંડસ્ટોર્મનાં કારણે વાદળો પણ લાલ થઇ ગયા. મળતી માહિતી અનુસાર શુષ્ક હવામાન દરમિયાન પશ્ચિમી આફ્રિકામાં ધુળનાં તોફાનો આવે છે. આ દરમિયાન ગર્જના અને ગાંડાતુર પવનની સાથે ધુળની ડમરીઓ ઊડે છે. અનેક વખત તેના કારણે આકાશ પણ લાલ થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકો આ તસ્વીરો એટલા માટે પણ ખુબ શેર કરી રહ્યા છે કારણ કે તે અગાઉ તેમણે આવી ઘટના ક્યારે પણ જોઇ નહોતી. આકાશ અચાનક લાલ થઇ ગયું. આ લોકો માટે કુતુહલ અને અદ્ભુત ઘટના છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર આ તસ્વીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે. નાઇઝરની રાજધાનીમાં દિવસે બે વાગ્યે હવામાન અચાનક પલટાઇ ગયું. સ્થાનિક મીડિયા અનુસાર રેતીનાં લાંબા તોફાનોના કારણે અસ્થાયી રીતે હવાઇ વ્યવહાર અટકાવી દેવાયો હતો. કેટલાક રિપોર્ટ અનુસાર કેટલાક લોકો એટલા ગભરાઇ ગયા કે તેઓ ઘરનાં બદલે રસ્તાઓ પર ભાગવા લાગ્યા હતા.