નવા વેરિયન્ટને લીધે આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

 

નવી દિલ્હીઃ કોવિડના નવા પ્રકાર ઓમિક્રોનનો ડર દેખાવા લાગ્યો છે. ઓમિક્રોનના કારણે ૧૫ ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ઉડાનો અંગેનો નિર્ણય મોકૂફ રાખવો પડયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અધિકારીઓને આ નિર્ણયની સમીક્ષા કરવા માટે કહ્યું હતું. હવે નવી તારીખોની ઘોષણા બાદમાં કરવામાં આવશે.નોંધનીય છે કે, ભારત આવનારા બધા આંતરરાષ્ટ્રીય વિમાનો કોવિડ-૧૯ મહામારીનાં કારણે ૨૩મી માર્ચ, ૨૦૨૦થી બંધ છે. જોકે, ગત વર્ષે જુલાઇથી લગભગ ૨૮ દેશોની સાથે થયેલી એવર બબલ સમજૂતી અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાન ચાલતી હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બદલાયેલા વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસી સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય બાદમાં લેવામાં આવશે અને યોગ્ય સમયે તેની જાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અધિકારીઓને કોરોના વાઇરસના નવા વેરિયન્ટ બી ૧.૧.૫૨૯ (ઓમિક્રોન)ને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટેની યોજનાની સમીક્ષા કરવાની સલાહ આપી હતી. કોવિડ-૧૯ અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતી વખતે વડા પ્રધાને આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લગભગ ૬૧૯ દિવસથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ગયા વર્ષે, કોરોના લોકડાઉનથી ૩ દિવસ પહેલા ૨૨ માર્ચે વિદેશી ઉડાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો