નવાબો અને બુલબુલોની દુનિયા…

0
825

એક હતો રાજા…થી શરૂ થતી પ્રત્યેક બાળવાર્તા કુતૂહલની શરૂઆત હોય છે. માણસ માત્રને રાજાઓ અને નવાબોની દુનિયામાં ડોકિયું કરવાનું ગમે છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં જ્યાં અનેક રજવાડાં અને નવાબી સ્ટેટ અસ્તિત્વમાં રહ્યાં હોય ત્યાં તેમની અંતરંગ વાતો કે શોખ વગેરેની જાણકારી વાચકોને ગમી જાય છે. શાસકો તરીકે આપણે જેમને જોયા હોય એ લોકો પણ આપણા જેવા જ માણસો હોઈ શકે, જેમાંથી કોઈક સાહિત્યના શોખીન હોય, સંગીતકાર હોય, પશુ કે પ્રાણીપ્રેમી હોય, રમતવીર પણ હોઈ શકે એ આપણા માટે અજાણી વાતો હોય છે. એમના વિશે કોઈ ફિલ્મ કે પુસ્તકના માધ્યમથી જ્યારે આપણી સમક્ષ કોઈક જાણકારી રજૂ થાય છે ત્યારે ઘડીભર આપણે એ રોમાંચક જગતના સભ્ય બની જઈએ છીએ.
આવું જ એક પુસ્તક મૂસા રઝાએ લખ્યું છે, જેનું શીર્ષક છેઃ ‘ઓફ નવાબ્સ એન્ડ નાઇન્ટિંગલ્સ’. આ પુસ્તક જોકે એક સનદી અધિકારીના વહીવટી અને જાહેર જીવનના અનુભવોનું વર્ણન છે, પરંતુ જે સમયે તેઓ સનદી સેવામાં કાર્યરત હતા એ સમય અને તબક્કો રાજાઓ અને નવાબો માટે સંધિકાળનો સમય હતો. ઈ. સ. 1960માં સીધી ભરતીના આઇ.એ.એસ. તરીકે એમણે પ્રથમ પોસ્ટિંગ મેળવ્યું હતું, રાધનપુરના એસ.ડી.એમ. તરીકે. આઝાદીનાં હજી પગરણ હતાં – નવાબશાહી બાદ રાધનપુર આળસ મરડીને નવા વાતાવરણમાં પ્રવેશી રહ્યું હતું. મૂસા રઝા એક ઉચ્ચ શાલીન પરિવારમાંથી આવતા હતા. આઝાદ ભારતના નવયુવાન હતા. નવી શાસનવ્યવસ્થામાં સરકારના મહત્ત્વના અધિકારી હતા. નવાબ અને તેમની અસ્ત થતી દુનિયામાં ડોકિયું કરવાનું જાણેઅજાણે તેમના માટે શક્ય બનતું હતું. સામાન્ય રીતે નવાબ એટલે જુદા-જુદા શોખ ધરાવનાર વ્યક્તિ, સામાન્ય માણસોથી અલગ રીતે જિંદગી જીવનાર માણસ એવી આપણી માન્યતા હોય છે. રઝા પણ એવું જ માનતા હતા. ફરક એટલો કે એ પોતે સાહિત્ય અને કલાના શોખીન હતા. એમની પાસે સારી લેખનશૈલી હતી અને એટલે જ એમનાં આ સંસ્મરણો વાચકો માટે યાદગાર બન્યાં છે.
નવાસવા એસ.ડી.એમ.ને થોડાક જ દિવસોમાં નવાબના કારભારી મળવા આવે છે, જે નવાબ વતી શુભેચ્છા પાઠવે છે અને નવાબ જ્યાં રહે છે એ કિલ્લામાં, પેલેસમાં આવવા ભાવભીનું આમંત્રણ પાઠવે છે. કારભારી એક જૈન આધેડ ગૃહસ્થ છે. જૈનો જે રાધનપુરની મુખ્ય વેપારી કોમ છે, તેમાં પરંપરાગત રીતે કારભારી પદ એમના દ્વારા જ નિભાવવામાં આવતું. કારભારી અત્યંત સૌમ્ય અને નમ્ર સજ્જન લાગ્યા. નવા પ્રાંત અધિકારી એમ નવાબને મળે? કારભારીએ પ્રયત્નો ચાલુ રાખ્યા. વળી એક દિવસ એ આ માટેનું આમંત્રણ લઈને આવ્યા. એમણે આમંત્રણ સ્વીકારી લીધું.
નવાબ એમના પૂર્વજો તરફથી વારસામાં મળેલા કિલ્લામાં રહેતા. સાઠ આસપાસના બુઝુર્ગ હતા. સમયના એકદમ પાબંદ. એમણે સાંજના પાંચ વાગ્યાનો સમય આપ્યો હતો, કારણ કે વેઇટિંગ લાઉન્જમાં એમણે તડકો સહન ના કરવો પડે! કિલ્લો જૂની બાંધણીનો હતો. જેમાં તોશાખાનું પણ હતું. 303 રાઇફલ્સ સાથેના સુરક્ષાકર્મીઓ હાજર હતા. વિશાળ પરિસર નિભાવણીના અભાવે થોડુંક અસ્તવ્યસ્ત લાગતું હતું. રઝાને આવકારવા સ્વયં હિઝ હાઇનેસ અલી જનાબ જોરાવરખાન બહાદુર બાબર ઊભા હતા. એમના પૂર્વજોએ મુગલો પાસેથી ઉત્તર ગુજરાતનો હિસ્સો મેળવ્યો હતો અને ગાયકવાડ અને કોળી આગેવાનો સાથે યુદ્ધો કરી મજબૂત બનાવ્યો હતો. એ પાલનપુરના નવાબના સગા હતા. માથે સુંદર પાઘડી, સફેદ શેરવાની, નેકલેસ જેમાં હીરામોતી જડેલાં હતાં. એ ખરેખર જાજરમાન લાગી રહ્યા હતા. ડાબી તરફ કારભારી, જમણે સૂબાસાહેબ જે તેમના વારસદાર ગણાય, એવા જ વસ્ત્રોથી સુશોભિત એ.ડી.સી. વગેરે વૃંદ પણ હતું.
વિશાળ ખંડમાં સુંદર સોફાસેટ, ઝુમ્મરો, હતાં, જ્યાં અંગ્રેજ વાઇસરોયો અને રાજામહારાજાઓ આવતા. ઔપચારિક દોર શરૂ થયો. યોર લોર્ડથી શરૂ થતું ઉદ્બોધન, નવાબ ખૂબ જ પ્રેમાળ હતા. પછી તો વારંવાર જવાનું થતું રહ્યું.
એ રમી જે પત્તાની રમત છે એના ભારે શોખીન હતા. રમીમાં અંગત માણસો, ફેમિલી ડોક્ટર વગેરે જોડાતા – અને નવાબસાહેબને બાજી આપવાનો વારો આવે ત્યારે એમના વતી કારભારી આપતા પણ કહેતા, ‘અબ સરકાર કી બારી’. એ સિગારેટ પીવાના અત્યંત શોખીન હતા. એક દિવસ બધા રાધનપુરના નાના રણમાં શિકાર કરવા નીકળી પડે છે, જેનું રસપ્રદ વર્ણન રઝા કરે છે. જે દરમિયાન કાફલામાં બ્યુક્સ, ડોજીસ, ઓસ્ટીન, ફોર્ડ્સ, શેવરેલોટ અને રોલ્સ રોયસ ગાડીઓ પણ જોડાય છે. લેન્ડૂવર અને જીપો તેમ જ ઘોડા અને ગધેડાં પણ મદદમાં રખાય છે. અને પછી રણ અને શિકારનું રસપ્રદ વર્ણન આવે છે, જે સામાન્ય રીતે નવાબો માટે સમય પસાર કરવાનો એક શોખ હતો.
અને બુલબુલોની લડાઈ એ પણ રોમાચંક હિસ્સો રહેતો, જેમાં ક્રિકેટ મેચની માફક ઉત્તેજના રહેતી. બે અલગ-અલગ ટીમોમાં અલગ બુલબુલોને તાલીમ આપી તૈયાર કરવામાં આવતાં. ઈ. સ. 1963ની છઠ્ઠી ઓગસ્ટની સાંજે છ વાગ્યે આવી જ એક ફાઇટમાં જઈ રહેલા રઝાસાહેબને નવાબનું પ્રિન્ટેડ કાર્ડ મળ્યું. સુંદર કપડામાં સજ્જ આ નિર્દોષ પક્ષીઓની લડાઈ ઉત્તેજનાસભર હતી – આમાં જીતનારને શું મળે? એમનાથી પુછાઈ ગયું. એને દરબારમાં માનપાન સાથે ઊંચા સ્થાને બેઠક મળે, હારી જનાર બુલબુલને મુક્ત કરાય. લેખક સુંદર અભિવ્યક્તિ આલેખે છે!
‘બિચારા પક્ષીને શી ખબર – અહીં તો હારી જવામાં જ મુક્તિ હતી!’
આવા તો અનેક પ્રસંગો અને વર્ણનો અહીં આલેખવામાં આવ્યાં છે, જેમાં વીતેલા સમયની ભવ્યતા, નવા જમાનાનું આગમન, શાસન અને લોકો, સમાજજીવન વગેરે જોવા મળે છ. એક સુંદર પુસ્તક વાંચવાનો આનંદ કોઈક પ્રવાસથી કમ નથી હોતો!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.