નવાઝુદ્દીન સિદ્દીકીની એક્શન થ્રિલર ‘મોનસૂન શૂટઆઉટ’

ટેલેન્ટેડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની રજૂ થયેલી ફિલ્મ ‘મોનસૂન શૂટઆઉટ’ એક્શન થ્રિલર છે. ફિલ્મની સ્ટોરી કોન્ટ્રાક્ટ કિલર શિવા (નવાઝુદ્દીન સિદ્દીકી) અને પોલીસ ઓફિસર આદિ (વિજય વર્મા) વચ્ચેની લડાઈની છે. કોન્ટ્રાક્ટ કિલર શિવા હંમેશાં લોકોને મારવા જતો હોય છે. આ વખતે તેના નિશાના પર પોલીસ ઓફિસર આદિ હોય છે. એક વાર બન્ને સામસામે આવે છે. આ દરમિયાન આદિના મનમાં ત્રણ વાત ચાલતી હોય છે, જે તેના પિતાએ શીખવી હોય છે. આ વાત પર આ ફિલ્મની સ્ટોરી છે.

15મી ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ અપરાધી અને ઈમાનદાર પોલીસ ઓફિસરની આસપાસ ફરે છે. પોલીસ ઓફિસર આદિ પોતાની ડ્યુટીના પહેલા જ દિવસથી તેના સિનિયર ખાન (નીરજ કાબી) દ્વારા ખ્યાલ આવે છે કે હકીકતમાં કેવી રીતે કેસનો ઉકેલ લાવવો જોઈએ.

શહેરના એક બિલ્ડરને શિવા ધમકાવે છે તેની ખબર પોલીસ ઓફિસર આદિને પડે છે. શિવા વરસાદમાં આદિની સામે આવી જાય છે. આદિને નિર્ણય કરવો હોય છે કે તે શિવાને ગોળી મારે કે છોડી દે. તેના પિતાએ ત્રણ વાતો શીખવી હોય છે કે સાચું, ખોટું અને વચલું.

અભિનયની બાબતમાં નવાઝુદ્દીન સિદ્દીકીની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. ફિલ્મમાં ફક્ત બે ગીતો છે, જે લોકપ્રિય થયાં નથી. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી તેની ઘણા બધા લોકોએ પ્રશંસા કરી હતી. આ ભારતનું પ્રથમ ઇન્ટરએક્ટિવ ટ્રેલર હતું.  એનો અર્થ એ છે કે તે દર્શકોને સાચો અને ખોટો વિકલ્પ પસંદ કરવાની તક આપી હતી. બન્ને શોર્ટ ટ્રેલરમાં પોલીસનો આ સંવાદ ‘મુઝે લગતા હૈ કોઈ ફેંસલા લેને કે લિયે હમારે પાસ બહુત વક્ત હોતા હૈ, લેકિન હોતા હૈ એક પલ’ ફિલ્મમાં નવો વળાંક લાવે છે.

ફિલ્મનું ડિરેક્શન અમિત કુમારે કર્યું છે. ફિલ્મના સંવાદો અવારનવાર વિચારવા મજબૂર કરે છે. નવાઝુદ્દીનની પત્નીના રોલમાં તનિષ્ઠા ચેટરજીએ સારી ભૂમિકા ભજવી છે.

ફિલ્મમાં નવાઝુદ્દીન, તનિષ્ઠા ચેટરજી, નીરજ કાબી, શ્રીજિતા ડે, વિજય વર્મા, ગીતાંજલિ થાપા છે.

નવાઝુદ્દીનના ચાહકોએ આ ફિલ્મ જોવી જોઈએ, કારણ કે આ ફિલ્મ 18મી મે, 2013માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી, જે હવે ચાર વર્ષ રિલીઝ થઈ છે.