નર્મદા જિલ્લામાં છ સદી પુરાણા આદિવાસી સંસ્કૃતિના અવશેષો મળ્યા

 

નર્મદાઃ ગુજરાતની ધરતીના ખૂણે-ખૂણે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો ઈતિહાસ ધરબાયેલો પડ્યો છે, જેની સાબિતી પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષો આપી રહ્યાં છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કનુબડીમાં છ સદીઓથી પણ વધુ પુરણા સ્થાપત્ય કલાના ખૂબ જ સુંદર આદિવાસી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા અવશેષો મળી આવ્યા છે.

કનુબાડીમાં પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવાના ખેતરની બાજુમાં જ કલાત્મક પ્રતિકૃતિઓ મળતા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી. અહીં સંવત ઁ૧૪૫૧માં લખેલા ત્રણ શિલાસ્તંભ જોવા મળી રહ્યાં છે. જેમાંથી એક સ્તંભમાં ઁવસાવા કાનુપાલ કલા વિવાહ નામનું લખાણ પણ દેખાઈ રહ્યું છે. એ સમયમાં આદિવાસી સંસ્કૃતિ કેવા પ્રકારના આભૂષણ પહેરતી તેમજ તેમના હિંમત અને શૌર્યની ગાથાના ચિત્રો આ સ્તંભ પર જોવા મળે છે. પ્રથમ સ્તંભ પર જાણે કોઈ વીર પુરૂષ હાથમાં તલવાર સાથે યુદ્ધ લડવા જતો હોય તેમજ તેની રક્ષા માટે તેના ત્રણ સાથીદારો ઢાલ અને તલવાર લઈને ઉભેલા હોય તેવા ચીતરવામાં આવ્યા છે. બીજા સ્તંભ ઉપર જંગલી જાનવરથી ઘોડેસવાર લોકોને બચાવી રહ્યો હોય તેવી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સ્તંભના ઉપરના ભાગમાં સૂર્ય અને તિથિ પ્રમાણે ચંદ્રની કોતરણી કરવામાં આવી છે. અને સૌથી નીચે સુંદર આદિવાસી પોશાકમાં સજ્જ પણ થોડી ગભરૂ યુવતીઓની પ્રતિકૃતિ બનાવી છે. કદાચ એ જંગલી જાનવરને લીધે તે ડરી ગઈ હોય તેવું પ્રતિત થાય છે. જ્યારે ત્રીજો સ્તંભ થોડો ખંડિત છે તેમ છતાં તેમાં ઘોડેસવાર અને નીચેના ભાગમાં ગાય અને વાછરડાની મમતાને દર્શાવતી છબી પ્રતિત થઈ રહી છે. લગભગ છ સદી જૂના હોવા છતાં  પણ આ સ્તંભ અકબંધ છે