નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

 

અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફરી એકવાર ગિનીસ વર્લ્ડ બુક રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે. કોઈપણ ટી-૨૦ મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોની સૌથી વધુ હાજરીને કારણે બીસીસીઆઇએ આ સિદ્ધિ મેળવી છે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આઇપીએલ ૨૦૨૨ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. તે ફાઈનલ મેચમાં ૧,૦૧,૫૬૬ લોકોએ મેદાનમાં આવીને મેચ નિહાળી હતી. બીસીસીઆઇએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા પર ટ્વિટ કર્યું હતું કે દરેક ભારતીય માટે આ એક મોટી ક્ષણ છે, કારણ કે ભારતે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમારા બધા ચાહકો અને દર્શકોએ તેમના અજોડ જુસ્સા અને અતૂટ સમર્થનને લીધે આ શક્ય બન્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે શુભેચ્છાઓ. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ટ્વિટમાં લખ્યું હતું કે ‘ટી-૨૦ મેચમાં સૌથી વધુ દર્શકોની હાજરી માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેળવવો ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. તે મેચમાં ૧,૦૧,૫૬૬ લોકોએ હાજરી આપી હતી. આઇપીએલની ફાઈનલ મેચ ૨૯ મે ૨૦૨૨ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ શક્ય બનાવવા માટે અમારા ચાહકોનો ખૂબ ખૂબ આભાર.’ ઉલ્લેખનીય છે કે આ અગાઉ બીસીસીઆઇએ ક્રિકેટની સૌથી મોટી જર્સી માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ જર્સી પર આઈપીએલની તમામ ૧૦ ટીમોના લોગો હતા. બીસીસીઆઈના તત્કાલીન પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને આઈપીએલના તત્કાલીન પ્રમુખ બ્રિજેશ પટેલને ગિનિસ રેકોર્ડ મળ્યો હતો. આ વિશાળ જર્સીની સાઈઝ ૬૬હ્૪૨ મીટર હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા છે અને તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અગાઉ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હતું. અમદાવાદનું આ સ્ટેડિયમ ૬૩ એકરમાં ફેલાયેલું છે અને તેને બનાવવામાં લગભગ ૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.