નરેન્દ્ર મોદી સાથે સ્કૂટર પર ફરી પક્ષ માટે કામ કરનારા જે. પી. નડ્ડા ભાજપના અધ્યક્ષ

 

નવી દિલ્હીઃ ભાજપના કાર્યવાહક પ્રમુખ બન્યાના સાત મહિના બાદ જગત પ્રકાશ નડ્ડાએ સોમવારે સાડાપાંચ વર્ષ સુધી પક્ષનું સુકાન સંભાળનારા અમિત શાહ પાસેથી પક્ષનું ૧૧મું પ્રમુખપદ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું. 

સોમવારે સવારે આ હોદ્દા માટે ઉમેદવારીપત્રક ભરનારા જે. પી. નડ્ડાને પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ ૨૦૨૨ સુધીનો રહેશે. કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિત પક્ષના ટોચના નેતાઓ ભાજપ મુખ્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં નડ્ડાનું નામ સત્તાવાર રીતે આ હોદ્દા માટે સૂચવવામાં આવ્યું હતું. તેમના નામની ભલામણ ભાજપ સંસદીય બોર્ડના સભ્યો અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી હતી. 

કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતની હાજરી વચ્ચે નડ્ડાની સત્તાવાર રીતે પ્રમુખપદે વરણી કરવામાં આવી હતી. આ હોદ્દા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની પ્રથમ પસંદગી નડ્ડા રહ્યા હતા. પક્ષની સંસ્થાકીય ચૂંટણીપ્રક્રિયાના ઇન્ચાર્જ વરિષ્ઠ ભાજપી નેતા રાધા મોહન સિંહે આ જાહેરાત પક્ષના મુખ્યાલયસ્થિત કરી હતી. હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ત્રણવાર ૧૯૯૩, ૧૯૯૮ અને ૨૦૦૭માં વિધાનસભ્ય રહી ચૂકેલા જે. પી. નડ્ડાને ગયા જુલાઈ મહિનામાં અમિત શાહ ગૃહપ્રધાન બનતાં કાર્યવાહક પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પક્ષ કે સરકારમાં એક વ્યક્તિ બે હોદ્દા ભોગવી શકે નહિ એવી ભાજપની પરંપરા હોવાથી અમિત શાહના અનુગામીની ચૂંટણીપ્રક્રિયા શરૂ કરાઈ હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જે. પી. નડ્ડા ઉત્તર પ્રદેશના ભાજપના ચૂંટણીપ્રચારના ઇન્ચાર્જ હતા. આ ચૂંટણીમાં ભાજપે ૮૦માંથી ૬૨ બેઠકો પર જીત મેળવી હતી, જેનું શ્રેય તેમને મળ્યું હતું. નડ્ડા માટે દિલ્હીની ચૂંટણી પહેલો પડકાર છે, ત્યાર બાદ બિહાર, બંગાળ સહિતનાં ડઝનથી વધુ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને જિતાડવો એ મોટો પડકાર છે.