નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી ઇચ્છા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત અને ગુજરાતીઓ નર્મદા ડેમના વિરોધીઓને ક્યારેય સાંખી નહિ લે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિરોધ કરનારાની સાથે ખભે ખભા મિલાવીને ચાલનારા નેતાઓને ક્યારેય સત્તા પર આવવા નહિ દે.

સૌરાષ્ટ્રમાં મોદીએ ચાર સ્થળ પર ચૂંટણીસભાઓને સંબોધી હતી. બોટાદમાં ગુજરાતની જનતાને ફરી ભાજપને વિજયી બનાવવાની અપીલ કરતા મોદીએ જણાવ્યું હતું કે આવનારી ચૂંટણી પાંચ વર્ષ માટે નથી, પરંતુ આવનારા ૨૫ વર્ષનું ગુજરાત કેવું હશે તે નક્કી કરવા માટેની છે. પાણી, વીજળી સહિતના તમામ વિકાસના મુદ્દે અમે સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ અને આવનારા સો વર્ષ સુધી ગુજરાતે પાછું વળીને જોવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા કરવા માગીએ છીએ. 

મોદીએ વેરાવળ, અમરેલી, ધોરાજી અને બોટાદમાં ચૂંટણીસભાઓને સંબોધી હતી. ચૂંટણીસભા પહેલા તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે વેરાવળમાં લોકોને દરેક બૂથ પર ભાજપને જીતાડવાની અપીલ કરી હતી. મોદીએ ધોરાજીની સભા સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું નામ લીધા વિના ટીકા કરી હતી. મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા કરી રહેલા ગાંધી અને નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલા મેધા પાટકરનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે ત્યારે મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના એક નેતા એક મહિલા સાથે પદયાત્રા કરતા જોવા મળ્યા હતા, જેમણે ગુજરાતમાં નર્મદાનું પાણી આવતા રોક્યું હતું. નહેરૂએ નર્મદા ડેમનો પાયો નાખ્યો હતો અને નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું એટલે કે આ પ્રોજેક્ટને લોકો સુધી પહોંચાડ્યો હતો. નર્મદા કેનાલને લીધે ખેડૂતો વેરાણ વિસ્તારમાં પણ ત્રણ પાક લણતા થઈ ગયા.

ગીર-સોમનાથના વેરાવળમાં તેમણે લોકોને તમામ બૂથ પર ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. તેમણે લોકોને જણાવ્યું હતું કે આ વખતે હું ધ્યાન રાખી રહ્યો છું કે તમામ પોલિંગ બૂથ પર ભાજપનો વિજય થાય. તેમણે હળવા મૂડમાં કહ્યું હતું કે નરેન્દ્રના બધા રેકોર્ડ આ વખતે ભૂપેન્દ્ર તોડે અને તેના માટે નરેન્દ્ર કામ કરે એવો મારો સંકલ્પ છે. ભૂતકાળમાં પાણી, દુષ્કાળ જેવી અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમતા ગુજરાતને તેમાંથી બહાર લાવી પ્રગતિના પંથે લઈ જવા માટે ભાજપ સરકારે અઢી દાયકા સુધી અથાગ પ્રયત્નો સાથે કામ કરી સમૃદ્ધ ગુજરાત બનાવ્યું છે. 

બોટાદમાં મોદીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ચાર સભાઓ દરમિયાન મને જનતાએ જણાવી દીધું છે કે વિપક્ષના ડબ્બા ડૂલ થઈ જશે અને ભાજપ જ જંગી બહુમતીથી જીતશે. ભાજપ અને ગુજરાતનો સંબંધ અતૂટ છે. ગુજરાતમાં પરિવારવાદ અને તે બાદ જ્ઞાતિ-ધર્મ અને સરકારના કૌભાંડો ચૂંટણીનાં મુદ્દા બનતાં હતાં, પરંતુ ભાજપના આવ્યા બાદ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાનું શરૂ થયું તેમ મોદીએ જણાવ્યું હતું. બોટાદ સહિત ભાવનગર, ધંધુકા, વલ્લભીપુર વગેરે વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ રહેશે, તેમ જણાવ્યું હતું.