નડિયાદ સંતરામ મંદિરમાં પોષી-બોર પૂનમની ભક્તિભાવપૂર્વક ઊજવણી

 

નડિયાદ: નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમ-બોર પૂનમથી ભાવિકજનો દ્વારા શ્રદ્વા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન જિલ્લા, રાજયમાંથી વિવિધ સ્થળોએથી શ્રદ્વાળુઓ સંતરામ મંદિરે આવ્યા હતા. જયાં નિયમપાલન સાથે સૌએ માનતાના બોરની ઉછામણી કરી હતી. નડિયાદ સંતરામ મંદિર તરફેના મોટાભાગના રસ્તાઓ પર બોર વેચતા ફેરિયાઓ જોવા મળ્યા હતા.

નડિયાદ સંતરામ મંદિરે પોષી પૂનમનું ઘણું મહત્વ રહેલું છે. ભાવિકજનોમાં શ્રદ્વા અનુસાર જન્મ બાદ જે બાળક બોલતું ન હોય અથવા બોલવામાં અચકાતું હોય તો બાળકના માતા-પિતા કે સ્વજન સંતરામ જ્યોતની બાધા રાખે છે. જેમાં મારૂ બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિસ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાંગણમાં પોતાની શક્તિ અને શ્રદ્ઘા પ્રમાણે બોર ઉછાળીશ. પોતાની માનતા પૂર્ણ થતા શ્રદ્વાળુઓ હરખભેર મંદિરે આવીને બોરની ઉછામણી કરે છે અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે. મંદિરના સંત પૂ. નિર્ગુણદાસજી મહારાજે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં એક ભક્ત સંતરામ મહારાજના શરણે આવ્યો હતો અને પોતાનું બાળક બોલતું ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહારાજના આશીર્વાદ મેળવતા આ બાળક ચમત્કારી રૂપે બોલતું થયું. તે સમયે ભક્તના ખેતરમાં બોર કર્યા હતા અને ભક્તે આ બોરને મંદિરમાં લાવી માનતારૂપે ઉછળ્યા હતા. બસ ત્યારથી આ પરંપરા મુજબ હજારો શ્રદ્ઘાળુઓ આ દિવસે અહીંયા પોતાનું બાળક બોલતું થાય તે શ્રદ્ઘા અને માનતાથી સંતરામ મહારાજના જ્યોતના દર્શન કરી માનતા પૂરી કરે છે. રાજ્યના અનેકવિધ શહેરો અને ગામડા તથા દેશના અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ઘાળુઓ આજે પોતાના બાળક માટે રાખેલી બાધા પુરી કરવા નડિયાદ સંતરામ મંદિરમાં આવ્યા હતા. શ્રધ્ધા અને ભક્તિ સાથે જય મહારાજના ગગનભેદી નારો ગૂંજયો હતો. 

 

ઉમરેઠ સંતરામ મંદિરનો 162મો પાટોત્સવ ઊજવાયો: દિવ્ય સાકરવર્ષા અને આરતી ઉતારવામાં આવી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભ આશીર્વાદ, બ્રહ્મલીન મહંત પ. પૂ. નારાયણદાસ મહારાજના શુભ આશીશ અને વર્તમાન મહંત પ. પૂ. રામદાસજી મહારાજની પ્રેરણાથી સંતરામ મંદિર ઉમરેઠનો 162મો દિવ્ય સાકર વર્ષા મહોત્સવ સંતરામ મહારાજના સૌ ભકતોએ જાળી દર્શન અને સાકર વર્ષાના દર્શન કરી ધન્ય બન્યા હતા. કોરોનાની મહામારીને ધ્યાનમા લઇ સરકારની ગાઈડ લાઈનને અનુસરી તકેદારીના પગલાં લઇ માશ્ક અને ડીસ્ટન્સીનું ચુસ્ત પણે પાલન કરાવામાં આવ્યું હતું. આ ધામિક પર્વ પ્રસંગે મહંત પ. પૂ. ગણેશદાસજી મહારાજ અને ભક્તોના સહીયારા પ્રયાસથી પાર પાડવામા આવ્યો હતો. દોઢસો માણસના સરકારના જમણવારના આદેશથી પ્રસાદી એવમ ભંડારાનો ભોજન સમારંભ બંધ રાખી સાવચેતીના પગલાં મંદિર તરફથી ભરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભકતો પધાર્યા હતા મહારાજના આદેશ પ્રમાણે સૌ ભકતો એ સંયમ જાળવી આ ધાર્મિક પ્રસંગ પાર પાડ્યો હતો. આ પ્રસંગે પૂ. ગણેશદાસજી મહારાજે સૌ ભકતોનો આભાર માની સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. (ગુજરાત ટાઈમ્સ સંકલન)