નડિયાદમાં 1500 વર્ષ પુરાણા સોલંકી યુગના ગણપતિ મંદિરનો મહિમા


નડિયાદ મોદી સાંથ વિસ્તારના ગણપતિ મહોલ્લામાં આવેલું પૌરાણિક આશાપુરા ગણપતિ મંદિર 1500 વર્ષ પહેલાં સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહનાં માતા મીનળદેવીના સમયે બનાવાયું હતુ. તે સમયે મુગલોએ ભારત પર આક્રમણ કરતાં તેમના હુમલાથી બચવા માટે મિનારાની પ્રતીતિ ધરાવતાં મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સોલંકી રાજમાં દુંદાળા દેવનું નાનકડું, પણ આકર્ષક મંદિર અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું, જે આજે 1500 વર્ષના લાંબા ગાળા પછી પણ અતુલ્ય મહિમા ધરાવે છે. લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં દર્શન કરવા આવે છે. આખા ગુજરાતમાં આ એકમાત્ર ગણપતિ મંદિર ઐતિહાસિક હોવાની ચર્ચાઓ પણ ચાલે છે. આ મંદિરે દરેક ભક્તજનની તમામ આશા પૂરી થતી હોવાના કારણે મંદિરનું નામ આશાપુરી ગણપતિ રાખવામાં આવ્યું છે.
મંદિરમાં ગણપતિદાદાને ગોળ અને ઘઉં પ્રિય હોવાથી ભક્તજનો ઘઉંના સાથિયા કરતા હોય છે. જ્યારે ગોળ અને નારિયેળનો પ્રસાદ મંદિરમાં ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે. જે મહિનામાં મંગળવારે ચોથ આવે છે તેનું પણ અહીં વિશેષ મહત્ત્વ છે.
ભક્તજનો આશાપુરી ગણપતિને સિંદૂર ચઢાવવાની માનતા રાખે છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં દેવતાઓને ચંદન અને દેવીઓને કંકુ ચઢાવવાની પ્રથા હોય છે, જ્યારે એકમાત્ર હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે. ત્યારે આખા ગુજરાતમાં ગણપતિને સિંદૂર ચઢાવાતું હોય તેવાં જૂજ મંદિરોમાંનું એક આ નડિયાદમાં આવેલા આશાપુરી ગણપતિના દેવને પણ સિંદૂર ચઢાવવામાં આવે છે.
અહીં ભક્તજનો આશાપુરી ગણપતિને સિંદૂર ચઢાવવાની માનતા રાખતા હોય છે. તેમાંય ચોથના દિવસે અને મંગળાચોથના દિવસે, ખાસ કરીને ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થતાં સિંદૂર ચઢાવતા હોય છે, જ્યારે આ મંદિરમાં 5, 11 અને 21 શ્રીફળ ચઢાવવાની પણ માનતા માનવામાં આવતી હોય છે તેમ જ શ્રીફળ રમતાં મૂકવાની પણ અનોખી પરંપરા છે.