નડિયાદમાં સંતરામ મહારાજના 187મા સમાધિ મહોત્સવ નિમિત્તે સાકરવર્ષા

 

 

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 187મો સમાધિ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્ય સાકરવર્ષા અને આરતીનો લહાવો માણ્યો હતો. (ફોટોઃ અકબર મોમિન)

 

નડિયાદઃ નડિયાદ સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 187મો સમાધિ મહોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં દિવ્ય સાકરવર્ષા તથા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંતરામ મહારાજની સમાધિનાં દર્શન કર્યાં હતાં. સાકરવર્ષાનો પ્રસાદ ઝીલી દિવ્ય આરતીનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ દિવ્ય મહોત્સવ પ્રસંગે શહેરમાં ત્રણ દિવસનો લોકમેળો યોજાયો હતો.

ઢળતી સંધ્યાએ મંદિર પરિસરમાં સાકરવર્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે છ કલાકે મહંત રામદાસજી મહારાજ સહિત શાખા મંદિરોના મહંતો અને સંતો સમાધિસ્થાનની સામે ઊભા કરાયેલા શ્વેત પ્લેટફોર્મ પર આવ્યા હતા. આ સમયે મંદિરની અગાસી અને પરિસરમાંથી ‘જય મહારાજ’ના ગગનભેદી નારાથી મંદિર ગુંજી ઊઠ્યું હતું. મહંત રામદાસજી મહારાજે દિવ્ય આરતી ઉતારી હતી. આરતી પછી ત્રણ વખત ઓમકાર કરવામાં આવ્યા હતા. સતત જય મહારાજના નારા સાથે રામદાસજી મહારાજે દિવ્ય સાકરવર્ષા કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંતરામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે સંતરામ સેવા પરંપરાના આદ્યસ્થાપક વિશ્વવંદનીય યોગીરાજ સંતરામ મહારાજના સમાધિસ્થળે શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા.