નડિયાદમાં સંતરામ મંદિરના તબીબી સેવાયજ્ઞનાં 60 વર્ષની ઉજવણી


પ્રસિદ્ધ સંતરામ મંદિર નડિયાદના તબીબી સેવાયજ્ઞનાં 60 વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા સમારોહમાં સંતરામ તબીબી સેવાનાં 60 વર્ષની ઉજવણી પ્રસંગે પુસ્તકનું લોકાર્પણ કરી રહેલા મહાનુભાવો ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, સંતરામ મંદિર નડિયાદના સંત નિર્ગુણદાસજી મહારાજ, સંતરામ ડેરીના સત્યદાસજી મહારાજ, નામદાસજી મહારાજ, કરમસદ સંતરામ મંદિરના મહંત મોરારીદાસજી મહારાજ, સંતરામ ભક્ત-ઉદ્યોગપતિ-દાતા દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા) અને સી. જે. પટેલ કંપનીના શૈલેશ પટેલ. (ફોટોઃ અકબર મોમિન)

નડિયાદઃ જનસેવા એ જ પ્રભુસેવા એવા માનવતાના મંદિરનું બિરુદ મેળવનાર સંતરામ મંદિર નડિયાદમાં 60 વર્ષ પૂર્વે સદ્વિચાર સમિતિ નડિયાદ દ્વારા દરદી રાહત કેન્દ્રના નામથી દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ, અગ્નિહોત્રી શુકદેવપ્રસાદજી, ડો. રસિકભાઈની ઉપસ્થિતિમાં નાનકડી રૂમમાં રાહતદરના દવાખાના સ્વરૂપે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે સંતરામ નેત્ર ચિકિત્સાલય, સંતરામ સોનોગ્રાફી વિભાગ, સીટીસ્કેન વિભાગ, એક્સ-રે વિભાગ, દવાખાનું, દાંતનો વિભાગ જેવા અનેક વિભાગોમાં વટવૃક્ષસમાન બની ગયું છે. સુખસાગર, પ્રાતઃસ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતિના શુભાશીર્વાદ સાથે વર્તમાન મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં સેવાકીય પ્રવૃત્તિ વેગવંતી બની રહી છે.
મેડિકલ સોસાયટીને 60 વર્ષ પૂર્ણ થતા નડિયાદમાં યોજાયેલા સમારોહનું દીપપ્રાગટ્ય સંતરામ મંદિર ઉમરેઠના મહંત ગણેશદાસજી મહારાજ, નડિયાદ સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, કરમસદ સંતરામ મંદિરના મહંત મોરારીદાસજી મહારાજ, શિવરામદાસજી મહારાજ, ગુરુચરણદાસજી મહારાજ, પરમદાસજી મહારાજ, નામદાસજી મહારાજ, સંતરામ ભક્ત-ઉદ્યોગપતિ-દાતા દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા), સી. જી. પટેલ કંપનીના શૈલેશભાઈ પટેલ સહિત મહાનુભાવોએ કર્યું હતું. મહંત રામદાસજી મહારાજ. સંતરામ મંદિર દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય મોખરે રહેનાર દાતા દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાળા)ને ઉદાર સખાવત બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સી. જે. પટેલ કંપનીવાળા શૈલેશભાઈ પટેલ, સુધાબહેન ગાંધી, ડો. ઘનશ્યામભાઈ ચૌહાણ, ડોક્યુમેન્ટરી બનાવનાર જનક અધિકારી, જલ્પાબહેન ઠાકરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ફોટોગ્રાફમાં સહયોગી પ્રેસ ફોટોગ્રાફર મનહર ચોકસીની દીકરી સિપ્પાબહેન ચોકસીનું ચિકિત્સા વ્યવસ્થાપક કેયૂરભાઈ શુક્લે સન્માન કર્યું હતું. નડિયાદ નેત્ર ચિકિત્સાલયના વ્યવસ્થાપક કેયૂરભાઈ શુક્લે જણાવ્યું હતું કે 10મી ઓગસ્ટ, 1958માં સંતરામ મંદિર દ્વારા સદ્વિચાર સમિતિ, સંતરામ નેત્ર ચિકિત્સાલય અને ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી હતી. આજે સંસ્થા 60 વર્ષ પૂર્ણ કરી વટવૃક્ષ બની છે, જેને વર્તમાન મહંત રામદાસજી મહારાજ વેગ આપી રહ્યા છે. હોસ્પિટલમાં 16 ડોક્ટરો અને 92 કર્મચારીઓ સેવા કરી રહ્યા છે. નિષ્ણાત ડોક્ટરો દ્વારા 1100થી વધુ ઓપીડીની તપાસ કરાઈ રહી છે. માનવસેવાના ભેખધારી સંતરામ મંદિરને શત શત વંદન, જેઓની પ્રેરણા અને આશીર્વાદથી 45 લાખ કરતા વધારે દરદીનું નિદાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here