આપણે સૌ જાણીએ છીએ ‘જનસેવા એ પ્રભુસેવા’! પરંતુ જાણવું, સમજવું, અમલમાં મૂકી જનસેવા કરીને પ્રભુસેવાનો આનંદ મેળવી લેવો, પરમકૃપાળુ પરમાત્માનો રાજીપો મેળવી લેવો, માનવજીવનને સફળ બનાવી દેવું, માણસમાત્રમાં પરમાત્માનાં દર્શન કરવાં, સેવાભાવના આચરણમાં મૂકવી, દાસનુદાસ બની જનસેવા કરી લેવી, એ સહજ નથી! એ માટે તનમાં બેઠેલા આત્મા પરમાત્મા જાગે અને મનોવૃત્તિ સાચા અર્થમાં કામે લાગે ત્યારે જ તે શક્ય બને છે. બીજાને સુખ, સંતોષ અને શાંતિ પમાડવા માટે પોતાનું જીવન ઘસી નાખનારને આપણે જાણ્યા છે, કદાચ જોયા પણ છે, અરે શક્ય છે કે અનુભવ્યા પણ હોય, છતાં તેમના જીવનમાંથી પ્રેરણા લઈ જનસેવાના માર્ગે જીવન સમર્પિત કરી દેનારા કેટલા? જો આ કાર્ય આટલું બધું કઠિન હોય તો તે માર્ગે વિચરણ કરનાર માનવરૂપી દેવાત્મા કેવળ વંદનીય યા પૂજનીય જ નહિ, અનુકરણીય છે, એ સમજવું અલબત્ત, અઘરું છે.
સાક્ષરભૂમિ નડિયાદ – પ્રાતઃસ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનાં પાવન ચરણોથી પવિત્ર બનેલી ભૂમિમાં ‘જનસેવા એ જ પ્રભુસેવા’ મંત્રને ચરિતાર્થ કરતા, માનવસેવાની મહેક પ્રસરાવતા નડિયાદ પશ્ચિમમાં વૈશાલી સિનેમા વિસ્તારમાં પાણીની ટાંકી સામે આવેલા ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ના મનુભાઈ શાસ્ત્રીએ માનવસેવાની મહેક પ્રસરાવી છે.
જય માનવસેવા ટ્રસ્ટ દ્વારા સમાજસેવાનો યજ્ઞ શરૂ કર્ર્યો છે, જેમાં નિરાધાર, અસહાય વૃદ્ધો માટે ટિફિન તેમ જ પાર્સલ સેવા નિઃશુલ્ક આપી રહ્યા છે. ઉનાળાની કાળજાળ ગરમીમાં બળબળતા બપોરે નડિયાદ શહેરના અનેક વિસ્તારોમાં મિનરલ વોટર જગની વ્યવસ્થા કરી ઠંડું પાણી અપાઈ રહ્યું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને બ્લેન્કેટ (ધાબળા) અને વસ્ત્રદાનની સેવા સાથે સાથે બાળકોને વિદ્યાદાન, મેડિકલ શિબિરો કરી બીમાર વ્યક્તિઓની સેવા, બ્લડ ડોનેશન કેમ્પ કરી જરૂરિયાતમંદોને સહાય, પદયાત્રીઓ માટે સેવા કેમ્પ તેમ જ સંસ્થા દ્વારા સામાજિક કાર્યો પણ કરવામાં આવી રહ્યાં છે.
આપણાં શાસ્ત્રોમાં અન્નદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે, કારણ કે અન્ન વડે માનવ તનતૃપ્તિ અનુભવે છે. અહીં તો નિત્ય નિરાધાર વૃદ્ધો, અસહાય વૃદ્ધોને ત્યાં પહોંચી તેમને ભોજનનું ટિફિન આપવું અને તેમને પાર્સલ બનાવી ભોજનકિટ આપવી એ કેવું? અહીં તો જાણે કૂવા સામા પગલે ચાલીને તરસ્યાને પાણી પીવડાવે છે! આટલું જ જાણ્યા પછી આપણાં તન, મનમાં કેવી ભાવના જાગે છે?
હાલમાં જ જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગિયાર નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં. જય માનવસેવા પરિવારના સભ્યો સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા જ રહે છે. ધન્ય છે સંચાલક મનુભાઈ શાસ્ત્રી, જેઓ વૃદ્ધ-વડીલોનું સેવાકાર્ય કરી રહ્યા છે.
આ મોંઘવારીના જમાનામાં પણ નાના-મોટા શુભ-અશુભ પ્રસંગે, ધર્મસ્થાનો વગેરેમાં ઉત્સવ ભોજન વગેરે થતા રહેતા હોય છે, જ્યાં તૈયાર કરેલા રસો ઘણી વાર વધી પડે છે. રાંધેલી રસોઈ લાંબો સમય રાખી શકાય નહિ, જેથી ઘણી વાર તેનો શું નિકાલ કરવો તે મૂંઝવણનો પ્રશ્ન બને છે, જ્યારે આવી રાંધેલી રસોઈ વધે તો એ વધેલી રસોઈ ભૂખ્યાના પેટમાં જાય તો? આ સંસ્થાના આપેલા મોબાઇલ નંબર 99740 25914 ઉપર જાણ કરતાં, સંસ્થાના સ્વયંસેવકો રૂબરૂ આવી આ વધેલી રસોઈ લઈ જાય છે, તેની યોગ્ય જાળવણી કરીને તાત્કાલિક તેનો યથાયોગ્ય ઉપયોગ કરે છે, અર્થાત્ તે રસોઈ ભૂખ્યાના પેટમાં પહોંચાડે છે.
આ રીતે સંસ્થા ‘અન્ન બચાવો અભિયાન’ ચલાવે છે. આવી અનુપમ સેવા કરનાર ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ, નડિયાદને મનમાં જડી દઈ, જ્યાં અન્નનો બગાડ થતો હોય, ત્યાં સલાહ-સૂચન આપી અન્ન બગાડ બચાવવા સહાયરૂપ બની શકાય છે, જેમાં કોઈ જ ખર્ચ નથી. આપણી જીભ વડે અપાયેલું એકે સૂચન અનેક જઠરાગ્નિને ઠારી શકે છે. તો શું આવું વાણીસેવા સૂચન કાર્ય કરવા આપણે તત્પર થઈશું? જેમાં કોઈ જ ખર્ચ નથી. આપણી જીભ વડે અપાયેલું એકેએક સૂચન અનેક જઠરાગ્નિને ઠારી શકે છે.
લેખક ફિલાન્સ પત્રકાર છે.