નડિયાદની કિડની હોસ્પિટલ યુરોલોજી-નેફ્રોલોજીમાં વૈશ્વિક સ્તરે ‘સેન્ટર ફોર એક્સેલન્સ’

0
1232


નડિયાદની વિશ્વવિખ્યાત મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલે તાજેતરમાં 40 વર્ષ પૂર્ણ કર્યાં. કિડની હોસ્પિટલ તરીકે જાણીતી આ હોસ્પિટલ નેફ્રો-યુરોલોજીના વૈશ્વિક ફલક પર ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બની ગઈ છે. કિડની હોસ્પિટલ દ્વારા 40 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલમાં એક યા બીજા પ્રકારે યોગદાન આપી હોસ્પિટલની 40 વર્ષની મજલમાં યથાશક્તિ પ્રદાન આપનારા દાતાઓ-સમર્થકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ન્યુરોલોજી-યુરોલોજીમાં સાયન્ટિફિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નડિયાદમાં વર્લ્ડ-ક્લાસ સુવિધાની રચના અને વિકાસની ભાતીગળ યાત્રાને રજૂ કરવામાં આવી હતી.

હોસ્પિટલના ચેરમેન રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ સ્થાપવામાં અને અદ્યતન બનાવવામાં જે દાતાઓએ સહકાર આપ્યો છે તેમનો આભારી છું. આ સિવાય હોસ્પિટલના મેેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઈ અને તેમની ટીમ તેમ જ હોસ્પિટલના તમામ કર્મચારીઓનું યોગદાન છે. હજી પણ 50 વર્ષ પૂરા કરી સુવર્ણજયંતીની ઉજવણી કરવી છે તે માટે અદ્યતન ટેક્નોલોજી, અદ્યતન સાધનો વિકસાવી આ હોસ્પિટલને દુનિયાની શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક હોસ્પિટલ બનાવવી છે. આ હોસ્પિટલ દર્દીઓને પોસાય તેવા દરે ચાર્જ કરીને સારવાર કરે છે. હોસ્પિટલના ઇતિહાસમાં અત્યાર સુધી એક પણ દર્દી નાણાંના અભાવે સારવાર લીધા વગર પાછો ગયો નથી એ હોસ્પિટલની આગવી શાખ છે.


હોસ્પિટલના ચીફ યુરોલોજિસ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે હોસ્પિટલને વૈશ્વિક સ્તરની બનાવવા માટે અનેકવિધ દાતાઓનો સાથસહકાર પ્રાપ્ત થયો છે. તેમના વગર અમે કશું કરી શક્યા ન હોત. અગાઉ માત્ર વેલ્લોર અને ચંડીગઢમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ થતી હતી ત્યારે અમે વેસ્ટર્ન ઇન્ડિયામાં સૌપ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. ઇંગ્લેન્ડમાં તાલીમ પામેલા ડો. વીરેન્દ્રભાઈ દેસાઈને હું સૌપ્રથમ વાર 1976માં મળવા ગયો ત્યારે તેમણે મને કહ્યું કે, ‘મારું સપનનું છે કે કિડનીના રોગોની સારવાર માટે નડિયાદમાં ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ, તેમણે મને સંસ્થામાં જોડાવવાનું આમંત્રણ આપ્યું. મારી માતાની ઇચ્છા હતી કે હું મારા વતનમાં ફરજ અદા કરું. આથી હું કિડની ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયો. અમારી એક જ ઇચ્છા હતી કે અમે અમારા દર્દીને સારી અને શ્રેષ્ઠ સારવાર આપી શકીએ. અમારો એક જ ઉદ્દેશ હતો કે ‘દરેક નાગરિક વિશ્વની શ્રેષ્ઠ સારવારને પાત્ર છે.’ આ હોસ્પિટલને વિશ્વકક્ષાની હોસ્પિટલોમાં સ્થાન મેળવવા માટે નામ કમાવાનું છે. વીરેન્દ્રભાઈએ કહ્યું હતું કે હોસ્પિટલને હજી ઘણું કરવાનું છે. આજે વીરેન્દ્રભાઈ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનાં પત્ની ભારતીબહેન આપણી વચ્ચે છે.
ભારતીબહેન દેસાઈને મંચ પર આમંત્રણ આપીને રોહિતભાઈ પટેલના હસ્તે સન્માનપત્ર-સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. ડો. મહેશ દેસાઈએ જયરામદાસ મૂળજીભાઈ પટેલ, ઓચ્છવલાલ પરીખ અને પ્રહ્લાદભાઈ પટેલને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે આ હોસ્પિટલના નિર્માણમાં તેમનું અથાગ યોગદાન છે. હોસ્પિટલનું ઉદ્ઘાટન 1978માં ભારતના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીના હસ્તે થયું હતું. ડો. મહેશ દેસાઈએ કહ્યું કે હોસ્પિટલમાં નેફ્રોલોજી-યુરોલોજી માટે પોસ્ટડોક્ટલ ટ્રેનિંગ અને રિસર્ચ પણ ચાલે છે. આજે 125થી વધારે એલમની ભારત અને વિદેશમાં કાર્યરત છે.
ડો. મહેશ દેસાઈ અને ડો. મોહન રાજાપુરકરની ટીમના અથાગ પ્રયાસોથી આજે કિડની હોસ્પિટલ વિશ્વમાં સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે પ્રખ્યાત છે.
એક અંદાજ મુજબ હાલ દેશમાં પાંચ લાખ દર્દીઓને જીવનભર ડાયાલિસિસની અને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. દર વર્ષે સાત હજાર લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે અને 30 હજાર દર્દીઓ ડાયાલિસિસ કરાવી શકે છે. વેળાસર નિદાન, વધુ ડાયાલિસિસની સુવિધા, કેડેવર ડોનેશન, પરવડે તેવી કિફાયતી સારવાર, કુશળ તબીબો તાતી જરૂરિયાત છે. આ માટે હોસ્પિટલમાં ટેક્નોલોજી અપગ્રેડેશન, અદ્યતન સાધનોની જરૂર છે. હોસ્પિટલમાં વાઘબકરી ગ્રુપના પીયૂષભાઈ તેમ જ અનિલભાઈ બકેરી, અચલ બકેરી હંમેશાં યોગદાન માટે તૈયાર હોય છે.
આ પ્રસંગે યુરોલોજી અને નેફ્રોલોજીના ક્ષેત્રમાં માંધાતા ગણાતા ડો. આર્થર સ્મિથ (જ્યુસ હોસ્પિટલ, લોન્ગ આઇલેન્ડ, ન્યુ યોર્ક, યુએસએ), ડો. ગ્લેન પ્રિમિન્ગર (નોર્થ કેરોલીના, યુએસએ), પ્રો. ચિન્નાસામી (મદ્રાસ મેડિકલ, કોલેજ), ડો. વેણુગોપાલ (મણિપાલ હોસ્પિટલ), ડો. અજય કુમાર (પટના), લેફ્ટેનન્ટ જનરલ ડો. પ્રોબીર રોય ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ હોસ્પિટલ સાથે વર્ષોથી સંકળાયેલા છે.
હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. એ. કે. રસ્તોગી, ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજીના ચેરમેન ડો. રવીન્દ્ર સબનીસ, ડિપાર્ટમેન્ટ ઓફ નેફ્રોલોજીના ચેરમેન ડો. શિશિર ગંગે હોસ્પિટલનાં ભાવિ આયોજનો વિશે માહિતી આપી હતી.
ડો. આર્થર સ્મિથ અને ડો. ગ્લેન પ્રિમિન્ગરે જણાવ્યું હતું કે કિડની હોસ્પિટલ બહુ જ ઓછી વર્લ્ડ ક્લાસ હોસ્પિટલોમાંની એક હોસ્પિટલ છે, જેમાં બન્ને યુરોલોજિકલ અને પીસીએનએલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. ગુજરાતની સામાન્ય પ્રજા નસીબદાર છે કે નડિયાદ જેવા નાના શહેરમાં કિડનીના રોગો-સ્ટોન-પ્રોસ્ટેટ-બ્લેડરના રોગની સારવાર માટે સ્ટેટ ઓફ ધ આર્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી ઉપલબ્ધ છે. તાજેતરમાં બે અમેરિકી ડોક્ટરો ડો. આર્થર સ્મિથ અને ડો. ગ્લેન કિડની હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા, તેઓ કિડની હોસ્પિટલની સમાજસેવા, અત્યાધુનિક સારવાર-અદ્યતન સાધનોથી પ્રભાવિત થયેલા છે. તેઓ 2011થી કિડની હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને અવારનવાર હોસ્પિટલમાં આવે છે. પ્રો. ગ્લેન નિષ્ણાત યુરોલોજિસ્ટ છે અને તેઓ અહીં યુરોલોજિસ્ટને માર્ગદર્શન આપે છે.
હોસ્પિટલના ચેરમેન રોહિતભાઈ પટેલે સંસ્થા સાથે વર્ષોથી સંકળાયેલા સ્ટાફના સભ્યોનું સન્માન કર્યું હતું. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં કિફાયતી દરે વર્લ્ડ-કલાસ ટ્રીટમેન્ટ મળે છે.
ડો. મહેશ દેસાઈએ કહ્યું કે છેલ્લાં સાત વર્ષમાં હોસ્પિટલમાં 1070 રોબોટિક સર્જરી થઈ છે. 56,709 યુરોલોજિકલ સર્જરી, 3000 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 30,000થી વધુ સ્ટોન ઓપરેશન, 3405 લેપ્રોસ્કોપિક સર્જરી, 5926 ટ્રાન્સયુરેથ્રલ સર્જરી, 3037 યુરોલોજિકલ કેન્સર સર્જરી, 2071 યુરોલોજિકલ બેનીન સર્જરી, 3146 પીડિયાટ્રીક યુરોલોજી એન્જિયોગ્રાફી, 404 એન્જિયોપ્લાસ્ટી, 3550 એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી, 3,24,432 ડાયાલિસિસ પ્રોસિજર કરવામાં આવી છે. 337 રિસર્ચ પેપર પ્રકાશિત થયા છે. 100થી વધુ રિસર્ચ પેપરને એવોર્ડ મળ્યા છે. 125 રેસિડન્ટ ડોક્ટરોને હોસ્પિટલમાં તાલીમ અપાઈ છે.
ડો. મહેશ દેસાઈએ કહ્યું કે કિડની હોસ્પિટલ ભારતની પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં કિડનીના રોગોની તમામ એન્ગલથી સારવાર કરાય છે. અહીં એન્ડોસ્કોપિક, લેપ્રોસ્કોપિક, વિવિધ રોબોટિક સર્જરી કરાય છે. આ પ્રસંગે ડો. મહેશભાઈ અને તેમનાં પત્ની ડો. નલિનીબહેન તરફથી હોસ્પિટલને લાઇબ્રેરી અને બ્લડ બેન્કની ભેટ આપવામાં આવી હતી. દાતાઓનું સન્માન કરતી ‘પસાયદાન’ ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.