નડિયાદની કિડની હોસ્પિટલમાં ‘યુરોલોજિકલ સર્જરીમાં સમસ્યાઓ’ વિશે પરિસંવાદ

0
876

 

 

 

 

 

 

 

નડિયાદની કિડની હોસ્પિટલમાં યુરોલોજિકલ સર્જરીમાં આવતી સમસ્યાઓ વિશે પરિસંવાદમાં કિડની હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઈ, કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન-કિડની હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજીના ચેરમેનડો. રવીન્દ્ર સબનીસ, ઝોનલ યુરોલોજી એસોસિયેશનના પ્રેસિડન્ટ ડો. મકરંદ કોચીકર, વેસ્ટ ઝોનના સેક્રેટરી ડો. કંદર્પ પરીખ, કિડની હોસ્પિટલના યુરોલોજી વિભાગના વાઇસ ચેરમેન ડો. અરવિંદ ગણપુલે, ડો. અભિષેક સિંહ હાજર રહ્યા હતા. (ફોટોઃ અકબર મોમિન, નડિયાદ)

નડિયાદઃ નડિયાદની વિશ્વવિખ્યાત મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (કિડની હોસ્પિટલ)માં બે દિવસની યુરોલોજિકલ સર્જરીમાં આવતી સમસ્યાઓ વિશેનો પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદનું આયોજન કિડની હોસ્પિટલ દ્વારા વેસ્ટ ઝોન યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મધ્ય પ્રદેશ તેમ જ વેસ્ટ ઝોનનાં વિવિધ રાજ્યોના 160થી વધુ ડેલિગેટ્સ અને રશિયા, ઇજિપ્ત, નેપાળ, હૈતીથી પણ ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પરિસંવાદના આરંભમાં કિડની હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઈએ આમંત્રિત તબીબોનો પરિચય કરાવ્યો હતો. ડો. મહેશ દેસાઈએ આ પરિસંવાદનો ઉદ્દેશ સમજાવતાં જણાવ્યું હતું કે યુરોલોજિકલ સર્જરીમાં જુદા જુદા તબક્કે અનેકવિધ મુશ્કેલીઓનો ડોક્ટરોએ સામનો કરવો પડતો હોય છે. વિવિધ પ્રકારની સર્જરી દરમિયાન પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ બાબતે ઉપસ્થિત ડોક્ટરો પાસેથી માહિતી મળી રહે, માહિતીનું આદાનપ્રદાન થાય અને મોટાં શહેરો ઉપરાંત નાનાં શહેરોમાં પણ તે ડોક્ટરો સેવા આપી રહ્યા છે તેનો સીધો લાભ દર્દીઓને મળે તેવો હેતુ આ પરિસંવાદનો છે.
આ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન અને કિડની હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજીના ચેરમેન, નેશનલ યુરોલોજીના સેક્રેટરી ડો. રવીન્દ્ર સબનીસે જણાવ્યું હતું કે પરિસંવાદમાં વેસ્ટ ઝોનના 160થી વધુ ડોક્ટરોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને તેમને સર્જરીમાં પડતી વિવિધ મુશ્કેલીઓની માહિતી આપી હતી. આ તદ્દન નવા જ પ્રકારનો કન્સેપ્ટ છે.
ઝોનલ યુરોલોજી એસોસિયેશનના પ્રેસિડન્ટ ડો. મકરંદ કોચીકરે જણાવ્યું હતું કે કિડની, પ્રોસ્ટેટ વગેરે બાબતની સર્જરી દરમિયાન જે મુશ્કેલીઓ ડોક્ટરોને પડે છે તેનો હલ કેવી રીતે આવી શકે તેમ જ દર્દી પોતાના પર થતી સર્જરી વિશે પારદર્શી રીતે વાકેફ થાય તે માટે ડોક્ટરોએ શું કરવું તે બાબત આવરી લેવામાં આવી હતી.
વેસ્ટ ઝોનના સેક્રેટરી ડો. કંદર્પ પરીખે જણાવ્યું હતું કે તબીબો પણ માનવી જ છે અને સર્જરી દરમિયાન કોઈ પણ મુશ્કેલી આવે જ નહિ તે શક્ય નથી, પરંતુ તેના નિવારણ માટે, તેને નિવારવા લેવાતાં પગલાં વિશે ડોક્ટરો વધુ સુસજ્જ બને તેવા ઉમદા હેતુથી યોજાયેલો આ પરિસંવાદ આવકારદાયક છે.
આ પ્રસંગે કિડની હોસ્પિટલના યુરોલોજી વિભાગના વાઇસ ચેરમેન અને કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. અરવિંદ ગણપુલે, ડો. અભિષેક સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિસંવાદમાં થયેલા વિવિધ વિષયોની ચર્ચાથી ડેલિગેટ્સે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સમાજમાં તેનું અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો.