નડિયાદનાં અંજલિ ધરને ‘એક્સેલન્સ ફોર વીમેન ઇન મિડિયા’ એવોર્ડ પ્રદાન

નડિયાદઃ નડિયાદની ખાનગી શાળામાં આચાર્યા તરીકે ફરજ બજાવતાં શિક્ષણશાસ્ત્રી અંજલિ ધરે કર્ણાટકમાં બેન્ગલોરમાં 30મી જૂને કર્ણાટક વીમેન્સ એસોસિયેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વીમેન એચીવર્સ એવોર્ડ અંતર્ગત એક્સેલન્સ ફોર વીમેન ઇન મિડિયા 2018 એવોર્ડ પ્રાપ્ત કરીને નડિયાદ અને ચરોતરના ગૌરવમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ માટે કુલ 750 એન્ટ્રી આવી હતી, જેમાં આઠ અંતિમ ફાઇનલિસ્ટની પસંદગી થઈ હતી અને છેલ્લે એકમાત્ર વિજેતા તરીકે અંજલિ ધરને એવોર્ડ મળ્યો હતો.
નડિયાદની જાણીતી શાળામાં આચાર્યા ઉપરાંત બાળકો અને મહિલાઓના ઉદ્ધાર માટેની અંજલિ ધરની સમાજસેવી કામગીરી બદલ વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓને સન્માન-એવોર્ડ એનાયત કરાયાં છે.
13મી જુલાઈએ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં અંજલિ ધરને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સમ્માન એવોર્ડ એનાયત થયો હતો, જયારે 14મી જુલાઈએ દિલ્હીમાં અંજલિ ધરને આઉટસ્ટેન્ડિંગ મેન્ટર એવોર્ડ ફોર બેસ્ટ એજ્યુકેશનિસ્ટ એન્ડ મિડિયા પર્સનાલિટી એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ એવોર્ડ એનાયત થયો હતો.
અંજલિ ધરે જણાવ્યું હતું કે, તેઓની સોશિયલ કામગીરી માટે અત્યાર સુધીમાં વિવિધ એવોર્ડ મળ્યા છે. મહિલાઓ અને બાળકોને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે તેઓ સતત પ્રયાસ કરતાં રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે મૂળ દિલ્હીનાં રહેવાસી અંજલિ ધર એમફિલ સુધીના અભ્યાસ ઉપરાંત હિન્દુસ્તાન ટાઇમ્સ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પત્રકારત્વ ક્ષેત્રે પણ કામ કરી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓએ ઓલ ઇન્ડિયા રેડિયોમાં આર. જે (રેડિયો જોકી) તરીકે પણ કામ કર્યું છે.
બાળકો અને મહિલાઓ માટે કંઈક કરવાની ઇચ્છા ધરાવતાં અંજલિ ધરે આચાર્યની નોકરી મળતાં નડિયાદમાં સ્થાયી થયાં છે. નડિયાદમાં અંજલિ ધરે મહિલાઓ અને બાળકોને લગતી કામગીરી કરવાનું ચાલુ રાખ્યું છે. હરિયાળા ચરોતરમાં આવ્યા પછી તેઓ નેચરલ એન્વાયર્નમેન્ટ વિશે ઘણું કામ કરવાની મહેચ્છા ધરાવે છે. સોશિયલ મિડિયામાં ‘દિલ કી બાત’ નામથી બ્લોગ લખનાર અંજલિ ધરના બ્લોગમાં મહિલાલક્ષી અનેક બાબતો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.