નટરાણી નવાં રૂપરંગમાંઃ શીતળતાનો અનુભવ કરાવશે એમ્ફિથિયેટરનું અનોખું આર્કિટક્ટ

સાબરમતી રિવરફ્રન્ટને કારણે અમદાવાદની વચ્ચેથી વહેતી નદીને અનોખું રૂપ મળ્યું છે અને બન્ને કાંઠા જીવંત થઈ ઊઠ્યા છે, પણ નટરાણી તરીકે જાણીતી અને નદીના કાંઠે જ આવેલી અમદાવાદના કલાજગતની ઓળખસમી જગ્યાના ધ્વનિ અને તંરગો સાથે આ ગુંજારવ તાલ મેળવી શકે તેમ નહોતા. રિવરફ્રન્ટમાં બન્ને તરફ રસ્તો પણ બન્યો છે અને વાહનવ્યવહાર પણ વધ્યો છે. રસ્તો બનાવવા માટે નટરાણી થિયેટરના સ્ટેજનો ઘણો હિસ્સો કપાણમાં ગયો હતો. અનેક નાટ્યરંગ જોઈ ચૂકેલા થિયેટરને હવે નવું સ્વરૂપ આપવું જરૂરી બન્યું હતું.
હવે નવાં રૂપરંગ સાથે નટરાણીનું એમ્ફિથિયેટર તૈયાર થઈ ગયું છે અને 21મી સપ્ટેમ્બરથી નવા કાર્યક્રમો સાથે તે ફરીથી ધમધમતું થઈ જવાનું છે. ફરી એક વાર ચાહકો નટરાણીએ પહોંચશે ત્યારે માત્ર નવું પરફોર્મન્સ નહિ, પણ નવું આર્કિટેક્ચર પણ જોશે. એક એવું આર્કિટેક્ચર જેને કલાસ્વરૂપે અહીં સાકાર કરવામાં આવ્યું છે.
જમીન કપાણમાં ગઈ અને હવે પાછળનો નદીકિનારો જે સામાન્ય રીતે સૂમસામ રહેતો હતો ત્યાં હવે ટ્રાફિક પણ ધમધમતો થયો હતો. થિયેટરમાં શબ્દની સાથે સૂનકારનું પણ એટલું જ મહત્ત્વ છે અને તેથી નવેસરથી તખતો તૈયાર કરતી વખતે તક મળી તેનો ઉપયોગ કરીને નટરાણીને નવોન્મેષ સાથે, નવા અભિગમ સાથે તૈયાર કરવાનું નક્કી કરાયું હતું.
સૌપ્રથમ તો નદી તરફ એવી દીવાલ બનાવવી જરૂરી હતી જે પાછળના કોલાહલને રોકે અને ફરી એક વાર નટરાણીના પટાંગણમાં જે પ્રશાંતિનો અનુભવ થતો હતો તેની પુનઃ અનુભૂતિ કરાવે. સાથે જ નવા થિયેટરમાં કેટલીક આધુનિક સુવિધાઓ ઉમેરવાનું નક્કી થયું હતું. વધારે બેઠક સંખ્યા, વિકલાંગો પણ સરળતાથી આવાગમન કરી શકે તથા અમદાવાદની ગરમીમાં પણ બેઠક પર ઠંડક રહે તેવી ડિઝાઇન તૈયાર કરાઈ છે. જોકે તે સાથે જ નટરાણીની અસલ અદા ભુલાઈ ન જાય તે માટે મૂળ આકૃતિ અને સંચરનાને પણ જાળવી રાખવામાં આવી છે.
એમ્ફિથિયેટર ફરીથી તૈયાર કરવામાં જૂનું માળખું તોડી પડાયું, તેની ઈંટો અને ચૂનાનો પણ ઉપયોગ કરી લેવાયો છે. તેમાંથી જ નવી સુરખી ઈંટો તૈયાર કરાઈ અને ચૂનો પણ તૈયાર કરાયો અને તેનો ઉપયોગ પાયામાં કરવામાં આવ્યો. નવરચનામાં જૂની વસ્તુઓને રિસાઇકલ કરવાના સિદ્ધાંતનો અહીં વ્યવહારમાં ઉપયોગ થયો છે.
અમદાવાદના ઇન્ડિગો આર્કિટેક્ટ્સનાં ઉદય અને મૌસમી અંધારેએ નવી ડિઝાઇન તૈયાર કરતી વખતે થિયેટરના પરફોરમન્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સસ્પેન્ડેડ કેટવોક તૈયાર કર્યો છે, જેના કારણે અત્યાધુનિક પદ્ધતિની લાઇટિંગ એરેન્જમેન્ટ વધારે સુગમ બની છે અને સ્ટેજના ઉપયોગમાં વધારે ફ્લેક્સિબિલિટી મળી છે. સ્ટેજના ઓપન એન્ડેડ કન્સેપ્ટના કારણે વિવિધ પ્રકારના પરફોરમન્સ માટે ડિરેક્ટરને પૂરતી મોકળાશ મળી રહેશે.
એમ્ફિથિયેટરની બેઠક ક્ષમતા વધારીને 385ની કરવામાં આવી છે. પીવાના પાણીની તથા પબ્લિક ટોઇલેટની સુવિધા પણ વધુ સુગમ બની છે. આ જ સંકુલમાં આવેલી દર્પણ સંસ્થા તથા નદીકિનારા તરફ તૈયાર કરાયેલી નવી મૃણાલિની સારાભાઈ ગેલેરી વચ્ચેનો સંપર્ક સેતુ પણ વધારે સુગમ બન્યો છે અને તેને કારણે વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સાયુજ્ય સધાશે.
છેલ્લાં ત્રણ વર્ષથી દર્પણના કલાકારો અને ટેક્નિશિયન યાદવન ચંદ્રન અને મલ્લિકા સારાભાઈની આગેવાનીમાં નટરાણીના નવજીવનની પરિકલ્પા માટે સતત સ્થપતિઓ સાથે સંવાદ કરતાં રહ્યાં હતાં. નવા આર્કિટેક્ટની બે બાબતો તરફ ધ્યાન ખેંચે એવી છે. એક છે આંતરિક અને એક છે બાહ્ય. સ્ટેજમાં નરી આંખે ના દેખાય તેવી આંતરિક રચના એવી કરાઈ છે જેનો અનુભવ એમ્ફિથિયેટરનાં પગથિયાં પર બેસતાં જ થઈ જશે. ગરમીથી બચવા માટે અને એકસમાન શીતળતાનો અનુભવ થાય તે માટે ગ્રીનરૂમ્સ અને બીજી સર્વિસ માટેના એરિયા પગથિયાંની નીચેના ભાગમાં બનાવાયા છે. બાંધકામમાં ચૂનાનો ઉપયોગ કરાયો છે, જેથી ગરમી ઓછી થાય અને બાંધકામ ટકાઉ બને. થર્મલ ડ્રેઇનિંગ સ્ટ્રક્ચરના સિદ્ધાંત પર બંધાયેલી સમગ્ર ઇમારતમાં એવી વ્યવસ્થા છે કે વરસાદના પાણીનો સંગ્રહ થાય. એક લાખ લિટર પાણીનો સંગ્રહ સ્ટેજ નીચે બનાવયેલી રેઇનવોટર હાર્વેસ્ટિંગ ટેન્કમાં થશે. બાદમાં આ જ પાણીનો ઉપયોગ પગથિયાંને ઠંડાં રાખવા માટે કરાશે એવી અદ્ભુત વ્યવસ્થા કરાઈ છે. આ પાણી પગથિયાંઓ નીચેના સ્લેબમાંથી વહેતું રહે, જેથી તે ગરમ થાય જ નહિ. એટલું જ નહિ, પગથિયાંની નીચેથી જ હવા આવે તેવી વ્યવસ્થા થઈ છે, જેના કારણે ત્યાં બેઠેલી વ્યક્તિને અનોખો આહ્લાદક અનુભવ થશે. ઇન્ડ્યૂસ્ડ વેન્ટિલેશનની આ વ્યવસ્થાને કારણે દરેક મોસમમાં એકધારું તાપમાન જાળવી શકાશે. કુદરતી સંચરના સાથેનું આવું આ થિયેટર માત્ર ભારતમાં જ નહિ, કદાચ સમગ્ર એશિયામાં પ્રથમ હશે.
બીજી ધ્યાન ખેંચતી નવરચના નદીકિનારા તરફની દીવાલના રૂપમાં થઈ છે. નટરાણી 1994થી 2015 સુધી સતત અમદાવાદની કલાપ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. નદીકાંઠાની આ બહુ જાણીતી જગ્યા હતી, પણ હવે રિવરફ્રન્ટ તરફથી પણ નટરાણીની આગવી ઓળખ થાય તેવી બાહ્ય રચના એટલે દીવાલ. કિલ્લાની દીવાલ હોય તેવી રીતે છ ફૂટ જાડી દીવાલની ડિઝાઇન તૈયાર કરી છે અભિક્રમ આર્કિટેક્ટ્સનાં પારુલ ઝવેરી અને નિમિષ પટેલે.
અહમદશાહના અમદાવાદનું સ્થાપત્ય અને મૂળ દર્પણ માટે કેનવિન્ડેને તૈયાર કરેલી શૈલીનો સંગમ આ દીવાલમાં થયો છે. રિવરફ્રન્ટ તરફ ધ્વનિ તરંગોને રિફ્્લેક્ટ કરે તેવી ધાતુઓની સ્ટ્રિપ લગાવાઈ છે, જેથી અંદરની તરફ ઘોંઘાટ આવે નહિ.
આ ડિઝાઇનથી થિયેટરમાં જરૂરી શાંતિ મળી છે, સાથોસાથ રિવરફ્રન્ટ પર ફરવા આવતા લોકો માટે નટરાણીની ઓળખ પણ બની છે અને સેલ્ફી લેવા માટેનું ફેવરિટ પ્લેસ પણ બન્યું છે. 2015 સુધી સતત 22 વર્ષ ધમધમતું રહેલું નટરાણી કેન્દ્ર રિવરફ્રન્ટની કામગીરીને કારણે બંધ કરવું પડ્યું હતુ, પરંતુ હવે તેનાં નવાં રૂપરંગ સાથે સજ્જ થયું છે અને 21મી સપ્ટેમ્બરથી નવા જ કાર્યક્રમો સાથે તે ફરીથી અનોખા આર્કિટેક્ટ સાથે અનોખો અનુભવ કલારસિકોને કરાવવા માટે પરદો ખોલી રહ્યું છે. હમમ… આ ઓપન થિયેટર છે એટલે પરદો તો નહિ, પણ અનુભૂતિનું આકાશ ખૂલી રહ્યું છે એમ કહી શકાય.