નકારાત્મક ઊર્જા નાશ કરવા સંગીત પીરસતા કચ્છી કલાકાર

 

જામનગરઃ કચ્છીઓ જ્યાં વસે ત્યાં એ ભૂમિને હંમેશાં વફાદાર રહેતા હોય છે, એવો જ કિસ્સો વર્તમાન કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિ અને લોકડાઉનના કારણે આમ આદમી અનેક તકલીફનો સામનો કરી રહ્યો છે ત્યારે પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર મૂળ ભુજના અને વર્ષોથી જામનગરને’ કર્મભૂમિ બનાવનારા રેલવે કર્મચારી સંગીત સાહિત્યના નામાંકિત કલાકાર લલિત રમણીકલાલ જોશીએ જામનગરમાં ગીત-સંગીત પીરસે છે. કલેક્ટર અને આરોગ્યતંત્રની મંજૂરીથી દરરોજ સાંજે લોકડાઉન દરમિયાન લોકોની નકારાત્મક ઊર્જાનો નાશ થાય અને તાળાબંધીમાં ઘરેબેઠા હકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર રવિશંકરનાં માર્ગદર્શનમાં નગરના જાણીતા ગીત-સંગીતના કલાકારો અને મા જામનગર ગ્રુપના સથવારે ટેમ્પો વાહનમાં સંગીતના વાજિંત્રો વગાડી અને ગીત ગાઈને મનોરંજન સાથે કોરોના વાઇરસને લગતી માહિતીથી અવગત કરી રહ્યા છે. 

ટેમ્પો લાઈવ ઓરકેસ્ટ્રામાં કચ્છી કલાકાર અને એન્કર, નાટય દિગ્દર્શક લલિત જોશીની સાથે અન્ય કલાકારો નિતેશ પુજાણી,’ નરેન્દ્ર દૂધરેજિયા, વિકલ્પ ઉપાધ્યાય, આસિત જોશી, દર્શન દવે અને મહેક શેઠ વાદ્ય અને ગીત રજૂ કરીને લોકોને મનોમંથનની સાથે મનોરંજન આપી રહ્યા છે. જેમાં જામનગરના કવિ આદિત્ય જામનગરી લિખિત પેરોડી-ગીત જીવનમાં તું કોરોના સે ડરના નહીં, લોકોનું મનોબળ મજૂબત કરી વિશેષ આવકાર પામી રહ્યું છે. લોકો પણ બાલ્કની અને અગાસી ઉપરથી સાથે જોડાઈ અને તંત્રની કોરોના વિરુદ્ધની લડાઈમાં દેશ સાથે છે તેની પ્રતીતિ કરાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છી કલાકાર લલિત જોશી જામનગર કચ્છી રાજગોર સમાજના પ્રમુખપદે સેવા બજાવી રહ્યા છે