ધૂળના ઢેફામાંથી તૈયાર થયેલા નૃત્ય કલાકાર એટલે ભરત બારિયા

નટરાજની આરાધના એટલે શિવની સાધના – ભરતનાટ્યમ એટલે ભાવ – રાગ અને તાલ – ભગવાનની પૂજા ભરતમુનિ મંદિરમાં કરતા હતા. ભારતની સંસ્કૃતિ દેવ-દેવીનું પૂજન દેવદાસી ભગવાનને રીઝવવા પૂરતું મર્યાદિત હતું. પછી તે ધીરે ધીરે બહાર આવ્યું. આજે દુનિયામાં ભરતનાટ્યમ ખ્યાતિ પામી ચૂક્યું છે. ભરતનાટ્યમને ગુજરાતનું ઘર બનાવનારાં દર્પણનાં મૃણાલિની સારાભાઈના શિષ્ય ભરત બારિયાએ ગુજરાતમાં એક અચ્છા નૃત્યકાર – કળાકાર તરીકે ઓળખ ઊભી કરી છે. તેમનો આખો પરિવાર નૃત્યકાર છે.
ભરત બારિયા સાથે તેમનાં દીકરા-દીકરીના આરંગેત્રમ દરમિયાન તથા બે બેઠકમાં જે વાતો થઈ તેના તારવેલા અંશ અત્રે પ્રસ્તુત છેઃ
તમે નૃત્યના ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા?
મારી માતા આદિવાસી. ટીમલી નૃત્ય તેની રગેરગમાં સમાયેલું હતું. આખી રાત લગ્ન, હોળી, દિવાળી કે અન્ય પ્રસંગોમાં મારી માતા ટીમલી નૃત્ય કરતી. ઢોલ-નગારાં અને ગામડાંને ગમતું નૃત્ય કરતી. હું મારી મા સાથે રહેતો અને તેમની સાથે બાળકની જેમ ભાગ લેતો.
અમદાવાદમાં તમારે કેવી રીતે આવવાનું થયું?
મને બાળપણથી જ નૃત્યનો શોખ હતો. મારા પિતાજીને તે નહોતું ગમતું. હાલોલમાં લકી સ્ટુડિયોમાં સિનેમાનું શૂટિંગ ચાલતું હોય ત્યારે શાળામાં જતાં હું મારું દફતર સંતાડી સ્ટુડિયોમાં છુપાઈને કલાકારોની કામગીરી નિહાળતો હતો. રીટા ભાદુડીનું શૂટિંગ મેં એક વખત જોયું ત્યારે તેના ખાલી પડેલા ટેપરેકોર્ડપર મેં નૃત્ય કર્યું જે રીટા ભાદુડીએ જોયું અને ખુશ થઈ ગઈ. તે દરમિયાન મલ્લિકા અને કિરણકુમારનું શૂટિંગ ચાલતું હતું. તેઓએ પણ મારા નાનકડા રોલ અને નૃત્યની શક્તિ પિછાણી અને અમદાવાદમાં તેમના ઘરે લઈ આવ્યાં.
દર્પણમાં કેવી રીતે જોડાયા?
દક્ષિણની સંસ્કૃતિ વચ્ચે હું એકલો ગુજરાતી હતો. મૃણાલિની અમ્મા મારું ખાવા-પીવાનું અને ઘરનાં કપડાંનું ધ્યાન રાખતાં. ધાબે સૂઈ જતો ત્યારે અમ્મા જ ધ્યાન રાખતા હતા. દર્પણમાં પરિવારની જેમ 35થી 40 વર્ષ મેં કામગીરી કરી અને રહ્યો. મારાં કપડાંનું ધ્યાન અમ્મા રાખતાં. સારાં કપડાંથી આપણે વધુ સારા દેખાઈએ છીએ તેવું કહી સારાં કપડાં પણ આપતાં.
તમારી મહત્ત્વાકાંક્ષા?
જીવનમાં ઘણા કલાકારો મારા થકી બહાર આવે. મારા વતનમાં નૃત્યશાળા સાથે સામાજિક પ્રવૃત્તિઓ કરવાની મારી ઇચ્છા છે. જૂના રીતરિવાજો અને કુરિવાજો બંધ કરાવવા છે.
તમારા જીવનની દુઃખદ ઘટના કહેશો?
મારા પરિવારમાં એકસાથે પિતાજી અને ભાઈના અકાળ અવસાનથી જવાબદારી આવી પડી અને મારે દર્પણ છોડવું પડ્યું. બાળકો નાનાં હતાં. સમગ્ર પરિવારની જવાબદારી મારા શિરે આવી પડી, જે પર્વતના ભાર સમાન હતું. તેની સામે ચલિત થયા વગર કામગીરી કરી.
સુખદ ઘટના વર્ણવતાં ભરત બારિયાએ જણાવ્યું કે, જીવનમાં ચઢાવ-ઉતાર તો આવ્યા કરે છે તેનાથી નાસીપાસ થયા વગર દીકરો અને દીકરી તૈયાર થઈ ગયાં છે. મારી નજર સામે ભાઈ-બહેનનું આરંગેત્રમ થયું તે એક યાદગાર સુખદ ઘટના બની. મિત્ર અને શિષ્ય અક્ષયનો ખૂબ જ સાથ મળવાથી બાળકો કાકા પાસે તૈયાર થઈ ગયાં.
ગુસ્સો આવે છે?
મારી સાથે કોઈ ચીટિંગ કરે તો ગુસ્સો જરૂર આવે. લોકો જુઠ્ઠાને સાથ આપે છે તેથી સંગીત સાંભળી નૃત્ય કરી મારો ગુસ્સો ઉતારું છું.
તમારા શોખનો વિષય?
મને ગાવાનો બહુ શોખ હતો, પણ નૃત્ય તરફ વળવાથી નૃત્ય સિવાય બીજા શોખ રહ્યા નથી. બોલીવુડ અભિનેત્રી રેખા અને શ્રીદેવી મારાં પસંદગીનાં કલાકારો છે. ખુશબૂ ગુજરાત કીમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી. તેમની શિસ્ત અને શાલીનતાપૂર્વકના વ્યવહારથી ઘણું શીખ્યો. અને નવા સંપર્કથી હજું શીખી જ રહ્યો છું.
અંધશ્રદ્ધા કે પૂર્વજન્મમાં માનો છો?
ના. હું કર્મના સિદ્ધાંતને માનું છું. અંધશ્રદ્ધા અને સમાજના કુરિવાજો, દૂષણોને ભૂંસી નાખવાં છે. પૂર્વજન્મમાં માનતો નથી. કર્મ અને સાચી વસ્તુ જ જીવનમાં આગળ લઈ જાય છે તે સિદ્ધાંતને અને ગાંધીવિચારને અનુસરું છું. કળા અને નૃત્ય દરિયા સમાન છે અને કલાકાર નવા કે ઊગતાને મદદ કરે તે ખૂબ જ જરૂરી છે. રાજકારણની જેમ ટાંટિયાખેંચ કલાક્ષેત્રમાં ન થવી જોઈએ તેમ હું ચોક્કસપણે માનું છું. બોલે કંઈક અને કરે કંઈક તેવા વિચારો બિલકુલ ગમતા નથી.
પરિવારની વાત કરશો?
મારો આખા પરિવાર કલાનો છે. અક્ષય પટેલ અમારા પરિવારનો જમાઈ છે. મારી ભત્રીજી સાથે પરણ્યો છે.
હું પંચમહાલ જિલ્લાના હાલોલ ગામનો વતની. ક્લાસિકલ નૃત્ય, જેવાં કે ભરતનાટ્યમ, કુચિપુડી, કથકલી, લોકનૃત્યમાં – કાશ્મીરથી કન્યાકુમારીનાં બધા જ નૃત્યો, માર્શલ આર્ટ્સ, દક્ષિણ કેરળનું કલરી પાઇટુ કન્ટેમ્પરરી નૃત્યો અને એક્ટિંગમાં પારંગત છું.
તમારાં બાળકોની વાત કરશો?
રવિતા બારિયા અને યક્ષ બારિયા બન્ને કલાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે અને અભ્યાસ કરી રહ્યાં છે. બન્નેએ તાજેતરમાં કલાની પદવી આરંગેત્રમ પૂર્ણ કરીને મેળવી છે. ડો. મલ્લિકાદીદી તેમની ગુરુમાતા છે.
સિનેમાની વાત કરશો?
ગુજરાતના આલબમના સુપરસ્ટારે – 2000 જેટલી સીડી આલબમમાં એક્ટિંગ અને નૃત્યો રજૂ કરી ચૂકેલા છે. ગુજરાતી ફિલ્મ, જેવી કે મહેર કરો મા મેલડી, સાસરિયે લીલાલહેર છે અને તારી માયા લાગી રે અને મારા ટોડલે બેઠો મોરમાં મુખ્ય અભિનેતાની ભૂમિકા કરી છે.
વિદેશીઓ સાથે કામગીરીની વાત કરશો?
ઇન્ટરનેશનલ ડિરેક્ટર સાથે, જેવા કે યુએસએના જોનાથન હોલેન્ડર, બેટી બર્નાર્ડ, માર્ગારેટ જેનીન, યુકેના જ્હોન માર્ટિન, ઓસ્ટ્રેલિયાના જીમ કેરી, કે જેમિસન, ઇટાલીનાં એલિઝાબેથ, એન્ટોનેલા, રિટા. પેરિસના કેરિન સપોર્ટા વગેરે સાથે કામ કરેલું છે. મ્યુઝિક ડિરેક્ટર ફઝલ કુરેશી, લુઈ બેક્સ, કનીકેશ્વરન, શિવમણિ, શિવરાત્રિ ફેસ્ટિવલ – કોટેશ્વર મહાદેવમાં મનહર ઉદાસ, અનુરાધા પૌડવાલ સાથે તેમનાં ગીતોની સાથે નૃત્યનો કાર્યક્રમમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં એક સ્ટેજ ઉપર 2000 બાળકો સાથે પરફોર્મન્સ આપ્યું છે.

લેખક ફ્રિલાન્સ પત્રકાર છે.