‘ધૂમકેતુ નવલિકા પુરસ્કાર’ દ્વારા અમદાવાદમાં ત્રણ વાર્તાકારો સન્માનિત


‘ગૂર્જર’ પરિવાર અને ‘ધૂમકેતુ’ પરિવારના સંયુક્ત ઉપક્રમે ત્રણ વાર્તાકારોને અમદાવાદમાં 21મી એપ્રિલે ‘ધૂમકેતુ નવલિકા પુરસ્કાર’ એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. સાહિત્યકાર રઘુવીર ચૌધરીના અધ્યક્ષપદે અને વીનેશ અંતાણીના અતિથિવિશેષપદે આયોજિત આ સમારોહમાં પ્રભુદાસ પટેલને ‘વન્યરાગ’ વાર્તાસંગ્રહ માટે, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટને ‘કંઈ પણ બની શકે’ વાર્તાસંગ્રહ માટે અને દીવાન ઠાકોરને ‘ફરકડી’ વાર્તાસંગ્રહ માટે ધૂમકેતુ નવલિકા પુરસ્કાર એનાયત કરાયા હતા.
અમદાવાદઃ ‘ગૂર્જર’ પરિવાર અને ‘ધૂમકેતુ’ પરિવારના સંયુક્ત ઉપક્રમે ત્રણ વાર્તાકારોને અમદાવાદમાં 21મી એપ્રિલે ‘ધૂમકેતુ નવલિકા પુરસ્કાર’ એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. સાહિત્યકાર રઘુવીર ચૌધરીના અધ્યક્ષપદે અને વીનેશ અંતાણીના અતિથિવિશેષપદે આયોજિત આ સમારોહમાં પ્રભુદાસ પટેલને ‘વન્યરાગ’ વાર્તાસંગ્રહ માટે, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટને ‘કંઈ પણ બની શકે’ વાર્તાસંગ્રહ માટે અને દીવાન ઠાકોરને ‘ફરકડી’ વાર્તાસંગ્રહ માટે ધૂમકેતુ નવલિકા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ધૂમકેતુ નવલિકા પુરસ્કાર વર્ષ 1990થી એનાયત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 26 વાર્તાકારોને આ પુરસ્કાર એનાયત થયો હતો, હવે આ ત્રણ વાર્તાકારો સહિત કુલ ઓગણત્રીસ વાર્તાકારોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સમારોહમાં ત્રણેય વાર્તાકારોનો પરિચય અનુક્રમે કનુ ખડદિયા, કિરીટ દૂધાત અને રાજેન્દ્ર પટેલે આપ્યો હતો. પુરસ્કાર સ્વીકાર્યા પછા ત્રણેય વાર્તાકારોએ પ્રસન્નતાસભર પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે ગુર્જર પરિવાર વતી મનુભાઈ શાહે મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમને અંતે ધૂમકેતુ પરિવાર તરફથી કલ્યાણીબહેન પટેલે આભારદર્શન કર્યું. વર્ષ દરમિયાન વિવિધ પ્રકાશકો તરફથી પ્રગટ થતા વાર્તાસંગ્રહો પૈકી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ પસંદ કરવામાં આ વખતે કિરીટ દૂધાત અને રમેશ દવેએ સેવાઓ આપી હતી. મજાની વાત એ હતી કે આ વર્ષે જે ત્રણ વાર્તાકારો પુરસ્કૃત થયા તે ત્રણેય વાર્તાકારોની પશ્ચાદ્ ભૂમિકા અલગ અલગ હતી. પ્રભુદાસ પટેલ આદિવાસી વિસ્તારને ધ્યાનમાં રાખીને અથવા આદિવાસી માનવીની સંવેદનાઓને વ્યક્ત કરતી વાર્તાઓ લખે છે, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ નગરજીવનની સંવેદનાઓને કલાત્મક ઘાટ આપે છે, સાથે સાથે પોતાની દરેક વાર્તાને પોતાનાં જ ચિત્રો – રેખાંકનોથી સજાવે પણ છે અને એ દ્વારા પોતાની મૌલિક પ્રતિભા પ્રગટાવે છે; તો દીવાન ઠાકોર મધ્યમ વર્ગીય માનવીની જીવનશૈલીને પોતાની વાર્તાઓમાં ગૂંથે છે. વાચકોને એ જાણીને ખૂબ આનંદ થશે કે ગુજરાતી સાહિત્ય પ્રકાશકોમાં લગભગ એક સદીની ગૌરવવંતી પરંપરા ધરાવતી પ્રકાશન સંસ્થા ગુર્જર ગ્રામ કાર્યાલય અને ધૂમકેતુની સાહિત્ય-સર્જનયાત્રા સતત સમાંતરે ચાલતી રહી છે. ધૂમકેતુનું પ્રથમ વાર્તાસંગ્રહનું પુસ્તક ‘તણખામંડળ’ ગુર્જર દ્વારા પ્રગટ થયેલું હતું અને પ્રકાશક તરીકે ગુર્જરનું પણ એ પ્રથમ જ પુસ્તક હતું. ધૂમકેતુ, જયભિખ્ખુ, ગુણવંતરાય આચાર્ય, મનુભાઈ જોધાણી જેવા સાહિત્યસર્જકો ગૂર્જર પ્રકાશનના પ્રિન્ટિંગ પ્રેસ શારદા મુદ્રણાલયમાં નિયમિત મળતા, સાહિત્યિક ચર્ચાઓનો ડાયરો જમાવતા. તે ડાયરો ‘ચા-ઘર’ તરીકે ઓળખાતો હતો.