ધુળેટીઃ રંગો પહેરીને પતંગિયું થવાનો દિવસ

0
1003

કવિ અંકિત ત્રિવેદી સાચું જ કહે છે કે ધુળેટી એટલે જ રંગો પહેરીને પતંગિયું થવાનો દિવસ. ધુળેટી એટલે રંગો સાથે રહેવાનો દિવસ. ધુળેટી એટલે જેમની સાથે સ્નેહ અને લાગણીના દોરથી બંધાયા હોઈએ તેની સાથે રંગાઈ જવાનો દિવસ. ધુળેટી તો રંગો પહેરીને પરિધાન કરીને ફરવાનો દિવસ છે. આખું વર્ષ આપણે કાચિંડાની જેમ રંગો બદલીએ છીએ, પણ પતંગિયાની જેમ રંગોને પહેરી નથી શકતા. ધુળેટી એટલે જ પતંગિયાના રંગો પહેરીનો ફૂલ જેવા હળવા થઈ જવાનો દિવસ. ધુળેટી એટલે જ ચામડીનો રંગ રાખના રંગમાં ભળી જાય તે પહેલાં રંગોની રંગોળીથી શરીરને કાબરચીતરું કરવાનો દિવસ. ચામડીનાં ઓવારણાં રંગોથી લેવાના આ દિવસ પાસે જેટલો રંગોનો મહિમા છે એટલો જ ઉમંગનો અને ઉમંગથી ગમતી વ્યક્તિને સ્પર્શી લેવાનો મહિમા છે એટલે જ ધુળેટી છેડછાડનો દિવસ છે. ધુળેટી તો આપણી ચામડીને લડાવવાનાં લાડનો દિવસ! ધુળેટી એટલે જ જે વ્યક્તિને હાથ મિલાવીને હૂંફ આપતા હોઈએ છીએ, એ જ વ્યક્તિને રંગોથી સ્પર્શીને આત્મીયતાને ઓપ આપવાનો દિવસ!

એક ભક્તિગીતમાં પણ રંગનો સુંદર મહિમા વ્યક્ત થયો છે. રંગાઈ જાને રંગમાં… રંગવું – રંગાઈ જવું – આ શબ્દો જ પ્રસન્નકર અને આનંદકર છે. રંગ એટલે જ આનંદ. રંગમાં – ઉમંગમાં રહેવા માટે તો મેઘધનુષની નહિ, પરંતુ આપણી અંદર આકાશ ઉગાડવાની આવશ્યક્તા છે. જ્યાં ચાહવું સરળ છે, ત્યાં ચૂમવું પણ સહજ છે, તેમ જ્યાં રંગવું અનાયાસ છે, ત્યાં રંગાઈ જવું એ શ્વાસનો શિલાન્યાસ છે.

ધુળેટી રંગનો – ઉમંગનો તહેવાર હોવાથી જ આબાલવૃદ્ધ સૌને આ તહેવાર ખૂબ ગમે છે, કારણ કે આ દિવસે ગમતી વ્યક્તિને રંગવાની મજા આવે છે, જેના પર રંગ પડ્યો હોય એ વ્યક્તિની પ્રસન્નતા ખરેખર જોવા જેવી હોય છે. રંગો પોતે પણ જાણે જે તે વ્યક્તિની ચામડી ઉપર ગેલમાં આવી ગયા હોય તેમ લાગે છે. જ્યાં રંગને રંગાઈ જવાનું બહાનું કે દિવસ શોધવો નથી પડતો ત્યાં ધુળેટીનો દિવસ એક દિવસની લાલચ છોડીને રોજેરોજનો તહેવાર બની જતો હોય છે.
ધુળેટીમાં ભાતભાતના રંગો મળે છે, આ રંગોની ભાત પણ કેટલી સુંદર હોય છે! અમસ્તા પણ કોઈને રંગી નાખ્યા પછી ધરતી પર ઢોળાયેલા રંગો પરથી આંખો હટતી નથી, ત્યાંને ત્યાં જ ઠરેલી રહે છે, જે ધુળેટીના તહેવારનું મહત્ત્વ જ સૂચિત કરે છે.
ધુળેટીના દિવસે તો જે રંગમાં હોય તે વ્યક્તિઓ જ રંગવાનું અને રંગાઈ જવાનું પસંદ કરે છે. રંગ એ તો આપણા હૃદયમાં રહેલા પ્રેમ અને આનંદની અભિવ્યક્તિનું પ્રતીક છે, જે વ્યક્તિ રંગમાં હોય તે રંગાઈ જવાનું પસંદ કરે જ કરે, પછી તે સંતાન હોય, મિત્ર હોય, ભાભી હોય કે પ્રિય વ્યક્તિ હોય.

ધુળેટી એટલે જ આપણા અંગેઅંગમાં રહેલા આનંદને અભિવ્યક્ત કરવાનું પર્વ! મુઠ્ઠીમાં રંગ લઈને પ્રિય વ્યક્તિને રંગ છાંટવાની મજા જ કંઈ ઓર હોય છે, તો પિચકારી દ્વારા રંગનાં છાંટણાં કરવાની મજા પણ નિરાળી હોય છે. બાળકોને મોટા ભાગે પિચકારી દ્વારા રંગથી જે તે વ્યક્તિને રંગીન બનાવવાનું વધુ ગમે છે, જ્યારે યુવા પેઢી મુઠ્ઠીમાં મનગમતા રંગ લઈને મનગમતી વ્યક્તિને મનગમતા રંગથી રંગવાનું વધુ ગમે છે. પિચકારી પણ કેવી અદ્ભુત શોધ છે, આનંદને ભરીને રાખતી વ્યક્તિને છાલકથી છલકાઈ જવાનું આમંત્રણ આપતી જાણે સ્વીકૃત જોગવાઈ છે. ખરેખર રંગાઈ ગયા પછી કોઈ પણ માણસ ઉદાસ કે હતાશ ડોકાય જ નહિ, પણ રંગીન સંગીન અને ઉમંગી લાગે. એ જ આ તહેવારની અગત્ય છે.
આમ ધુળેટી એટલે જીવનને જીવંત રાખવાનું પર્વ. જીવંત રહેવું હોય તો આનંદ લેવો પડે. એટલું જ નહિ, આનંદ આપવો પડે. ધુળેટીમાં રંગના માધ્યમથી રંગ છાંટનારને જેટલો આનંદ મળે છે એટલો જ આનંદ રંગાઈ જનારને પણ મળે છે, આમ ધુળેટીનો તહેવાર સૌને રંગીલા બનાવે છે.

ધુળેટી તો રંગોનો આભાર માનવાનો દિવસ છે. આંખોને રંગો દેખાડીને થકવી નાખવાનો દિવસ છે. રંગોનો જાદુ હજીયે એવો ને એવો જ છે, એટલું જ નહિ, અકબંધ છે, પછી તે મોરપિચ્છ હોય કે પતંગિયું હોય કે મેઘધનુષ હોય! રંગોને ગમતા થઈએ અને રંગો આપણી ચામડી પર થોડોક સમય રહેવા આવે ત્યારે આપણે આપણી ઓળખ ભૂંસી નાખીએ, એનાથી મોટી બીજી કઈ વાત હોઈ શકે?

ધુળેટી એટલે જ મનમાં રહેલી કાળાશને દૂર કરવાનો દિવસ! ધુળેટી એટલે જ ગમતાનો ગુલાલ કરવાનો તહેવાર. તો આવો, ધુળેટીના પર્વે મનમાં રહેલા પ્રેમભાવને નિર્મૂળ કરી સાચકલા પ્રેમની અભિવ્યક્તિ રંગ દ્વારા કરી જીવનને પણ રંગીન અને સંગીન બનાવીએ, એ જ આ પર્વની સાર્થકતા છે.

લેખક કેળવણીકાર છે.