ધારાસભ્ય તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મોહન રાઠવાને એવોર્ડ

 

ગાંધીનગરઃ દેશની સંસદીય પ્રણાલીમાં જન પ્રતિનિધિ તરીકે ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભામાં સન્માનવાની પરંપરા છે. ભારતીય સંસદના બંને ગૃહોમાં અત્યાર સુધી કુલ ૨૩ સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવેલા છે. ગુજરાત વિધાનસભાએ આ પ્રણાલીને અનુસરતા શ્રેષ્ઠ વિધાનસભ્યના એવોર્ડ આપવાની પ્રથા શરૂ કરી છે.

 ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સભ્યોને એવોર્ડ આપવાની યોજનાની તા. ૨૮/૨/૨૦ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. તદનુસાર રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ષ ૨૦૨૦ માટે અને વર્ષ ૨૦૧૯ માટે વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા સત્રના ચોથા દિવસે આ બે સભ્યશ્રીઓને વિધાન સભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ વિધાન ગૃહના સભ્યોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ વિધાયક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં આ નવિન પરંપરા શરૂ કરવા માટે વિધાનસભા અધ્યક્ષશ્રીને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે વિધાનસભા અને લોકસભા એ દેશની લોકશાહીના મૂલ્યોના જતન અને તેને સાચવવા સંવર્ધન માટેના સવોર્ચ કેન્દ્રો છે તેને લોકશાહીના મંદિર કહેવાયા છે ત્યારે એ મંદિરમાં બેસનારા સૌનું વર્તન, વિચાર અને વાણી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સક્રિયતા એવા હોય કે એ બધા માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બને.

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં શરૂ થયેલી આ પ્રણાલી આવનારા દિવસોમાં વધુ ઉજ્જવળ બનશે તેમજ પ્રજાના પ્રતિનિધિઓ માટે એક નવી પરિપાટી ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

મુખ્યમંત્રીએ પોતાના રાજ્યસભાના સભ્ય તરીકેના કાર્યકાળનું સ્મરણ કરતાં કહ્યું કે સારા સાંસદ કે વિધાયક બનવા માટે સારા શ્રોતા અને ગૃહમાં નિયમિત હાજરી, અવલોકન શક્તિ આવશ્યક છે. આવા સભ્ય જ્યારે કોઈ રજૂઆત કરે કે ચર્ચાને અંતે સહભાગી થાય ત્યારે સચોટતા અને બારીકાઇથી રજૂઆત કરતા હોય છે.

આ સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રીએ પ્રજાના સૌ પ્રતિનિધિઓ, ગૃહના સભ્યોને આ માર્ગે અનુસરવા અપીલ પણ કરી હતી. તેમણે આ બેસ્ટ પાર્લામેન્ટરિયન એવોર્ડ એ ગુજરાત વિધાનસભાનું અને ઉચ્ચ લોકશાહી મૂલ્યોનું ગૌરવ દેશભરમાં વધારશે એવી શ્રદ્ધા દર્શાવી હતી.