ધાંધલપુર વાવ

0
1754


રતબા વાવ
સ્થાન અને નામઃ રતાળા વાવ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપરા ગામે આવેલી છે. વાવ ગામની સહેજ બહારના ભાગમાં છે. વાવનું સ્થાનિક નામ રતાળા કે રતબા કે રાજબા વાવ છે. રામપરા ગામ વઢવાણથી સાયલા જવાના રસ્તા પર આવેલું છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ બાંધકામ સમયે અમદાવાદમાં મહંમદ બેગડા અને પરમારોની સત્તા ચાલતી હતી.
સ્થાપત્યઃ આ એવા પ્રકારની વાવ છે જેમાં પ્રવેશથી કૂવા સુધીનાં સીધાં જ પગથિયાં હોય. વળી આ વાવમાં સમગ્ર બાંધકામને ટેકો વચ્ચે આવતાં પેવેલિયન-પરસાળનાં ટાવર્સથી જ મળે છે. અન્ય કોઈ ટેકો હોતો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણી વાવોમાંની એક છે. અગાઉ જોયેલી માધાવાવ પણ નજીકમાં આવેલી છે.
વાવને 6 પેવેલિયન ટાવર્સ છે. વળી પ્રવેશની પરસાળને પણ ટાવર બાંધવામાં આવ્યું હતું, પરંતુ તે હાલમાં ખંડિત અવસ્થામાં છે. ઊતરવાનાં પગથિયાંની પહોળાઈ વચ્ચેની પરસાળ આવે ત્યારે સાંકડી થઈ જાય છે. પેવેલિયન ટાવર્સને જમીન બહાર ઘુમ્મટ જેવો આકાર આપવામાં આવ્યો છે. તેથી તમામ ટાવર્સને બહારથી જોતાં ખૂબ મોટું ભારેખમ બાંધકામ જેવું લાગે છે. પેવેલિયન ટાવર્સના આ બહારના ઘુમ્મટ ઉપર આડી લાઇનમાં ભૌમિતિક ડિઝાઇન બનાવવામાં આવેલી છે. વાવનું મુખ્ય આકર્ષણ તેના સૂતેલા વિષ્ણુ ભગવાનની શિલ્પકૃતિ છે. આ શિલ્પકૃતિના મથાળે નવગ્રહની લાઇન અંકિત કરવામાં આવી છે તે તેની વિશેષતા છે. અંદરના ગોખલામાં ઉપરની તરફ કમાન આકારની સુંદર કોતરણી કરવામાં આવી છે જે બાઈ હરિની વાવ, અમદાવાદને મળતી આવે છે. આ કોતરણી ક્યાંક ખંડિત છે તો કયાંક સચવાયેલી છે. કોતરણીમાં સાંકળ જેવું શિલ્પકામ કોતરવામાં આવેલું છે.
વાવના પ્રવેશની બન્ને બાજુના ગામમાં હાલમાં દેવી-દેવતાની મૂર્તિઓ મૂકી પૂજા કરવામાં આવે છે. એ રીતે લોકો આ વાવની મુલાકાત લેતા રહે છે. વાવ જૂની હોવાથી અને સંભાળ બિલકુલ નહિ હોવાથી વચ્ચેના મોભને ટેકાઓ આપવામાં આવ્યા છે. વાવને તાત્કાલિક સંભાળની તાતી જરૂરિયાત છે.


ધાંધલપુર વાવ
સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ વાવના સંવર્ધનમાં સાયણ તાલુકાના ધાંધલપુર ગામે આવેલી વાવને ધાંધલપુર વાવ તરીકે ઓળખવામાં આવે છે. ધાંધલપુર ગામની પશ્ચિમ ભાગોળે આ વાવ આવેલી છે.
સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન ધાંધલપુર અણહિલવાડ રાજ્યનું એક આગવું નગર હતું. ધાંધલપુર એ આ સામ્રાજ્યનું ઉદ્ભવસ્થાન માનવામાં આવે છે.
વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ દિશામાં કરવામાં આવ્યું છે, જેમાં કૂવો પૂર્વ દિશામાં રહેલો છે, જ્યારે પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં રહેલું છે. પ્રવેશદ્વારની ઉત્તર બાજુએ હાલના સમયગાળામાં બંધાયેલું એક મંદિર રહેલું છે. વાવની દક્ષિણે ત્રણ મીટર ઊંચાઈની ધુંધમીનાથની મૂર્તિ મૂકવામાં આવેલી છે.
વાવને ત્રણ પેવેલિયન (કૂટ કે ઝરૂખા) ટાવર બાંધેલાં છે, જેમાંથી ત્રીજો માળ ઊંડો છે. જમીનની બહાર ટાવર્સનું બાંધકામ મોટા – વિશાળ બાંધકામ જેવું દેખાય છે. પેવેલિયન એ લંબચોરસ બાંધકામ છે જે ચાર ભીંતના થાંભલા અને બીજા વચ્ચે ચાર થાંભલા ઉપર ટેકવાયેલું છે. દરેક કૂટનો સૌથી ઉપરનો મંડપ ડોમ, જેવા કે પિરામિડ જેવો દેખાય છે. આ ડોમની અંદરની સપાટી ઉપર વિશાળ કમળ કોતરવામાં આવેલાં છે. વળી થાંભલાનાં બ્રેકેટ્સ, થાંભલા અને દીવાલના થાંભલાઓમાં કોતરણી જોવા મળે છે.
આ એક નંદ પ્રકારની વાવ છે. એટલે કે એક જ પ્રવેશ તેમ જ કૂવા સુધી ઊતરવાના પ્રવેશથી સીધાં જ પગથિયાં હોય છે. સમગ્ર બાંધકામને જમીન ઉપર આશરે બે ફૂટની પાળી બનાવવામાં આવેલી છે.
વાવ અને ધુંધમીનાથની મૂર્તિ એક જ પરિસરમાં છે. અહીં ખાસ જ્ઞાતિના લોકો બાધા ઉતારવા તેમ જ લગ્ન પછી છેડાછેડી છોડવા આવે છે. સમગ્ર વાવની દેખરેખ પુરાતત્ત્વ વિભાગ દ્વારા રાખવામાં આવે છે.
સુરેન્દ્રનગરથી દક્ષિણમાં 54 કિલોમીટર દૂર ધાંધલપુર ગામમાં રહેલી વાવ એક જોવાલાયક વાવ છે. આટલા વર્ષે (આશરે 500 વર્ષ) પછી પણ રક્ષિત રહેલી વાવ દર્શનીય સ્થળ છે.
ગંગા વાવ – વઢવાણ
નામ અને સ્થાનઃ સુરેન્દ્રનગર જિલ્લો વરસાદની અછતવાળો પ્રદેશ. ઘણો ખરો વિસ્તાર જમીનમાં પથ્થરો ધરાવે છે. પાણીની સતત ખેંચને કારણે શાસનકર્તાઓએ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે હેતુથી વાવનું નિર્માણ કર્યું છે. આ વાવ એ સમયના લોકોના સમગ્ર જીવન દરમિયાન, વિવિધ પ્રસંગોએ સાક્ષી રહી છે. વઢવાણમાં અગાઉ આપણે માધાવાવ વિશે જોયું. વઢવાણમાં જ પૂર્વ તરફના વિસ્તારમાં ઐતિહાસિક કિલ્લાની બહારના ભાગમાં એક વાવ રહેલી છે. જોકે આ વિસ્તાર તો હાલ શહેરી વિસ્તારમાં જ ગણાય છે. વાવની લગોલગ એક મંદિર રહેલું છે. આ વાવ ગંગાવાવ તરીકે ઓળખાય છે.
વાવ ઉપર કોતરેલી બાંધકામની તવારીખ સંવત 1225 બતાવે છે એટલે કે ઈ. સ. 1169 થાય છે. સ્થાપત્યકલા અને બાંધકામ – કોતરણી શૈલી વાવના બાંધકામના વર્ષની પુષ્ટિ કરે છે.
સ્થાપત્યઃ માધાવાવની સરખામણીમાં આ વાવ પ્રમાણમાં નાની છે તેમ જ સુશોભનની દષ્ટિએ બિલકુલ સાદી વાવ છે. ગંગા વાવની ત્રણ બાજુ મંડપ ટાવર છે. આ ટાવરનો ઉપરનો ભાગ પિરામિડ જેવું બાંધકામ ધરાવે છે, જેના તળિયે આડા સ્તરો બાંધેલા છે. વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં રહેલી છે, જેમાં કૂવો પૂર્વ દિશામાં છે, જ્યારે પ્રવેશ પશ્ચિમ દિશામાં છે. જે મંડપ બાંધેલા છે તે લંબચોરસ છત ધરાવતું માળખું છે, જે દીવાલમાં લાગેલા ચાર થાંભલા ઉપર બાંધવામાં આવેલું છે. આ લંબચોરસ છતની વચ્ચેના ભાગમાં પિરામિડ જેવું ટાવર બાંધકામ છે. સમગ્ર મંડપ છત ઉપર આ બાંધકામ નથી. આની સામે અગાઉ જોયેલી માધાવાવ અને રતાળા વાવમાં સમગ્ર મંડપની છત ઉપર બાંધકામ કરવામાં આવેલું છે. પ્રથમ મંડપની નીચે અને વાવમાં પ્રવેશતાં બાજુની બન્ને દીવાલોમાં સુંદર કોતરણીવાળા ગોખલા બનાવવામાં આવ્યા છે. ગોખલાની ઉપર કળશની કોતરણીની સાથે આજુબાજુ સુંદર કોતરણી કરવામાં આવેલી છે. બન્ને ગોખલા હાલ ખાલી છે, પરંતુ ફક્ત ત્રિશૂળનું ચિહ્ન સફેદ રંગથી દોરવામાં આવેલું છે, જે દુર્ગામાતાના પ્રત્ીાકરૂપે છે. એક ગોખમાં જય અંબેના લખાણ સાથે માટીના કોડિયાઓથી પૂજા કરવામાં આવે છે. આશરે 800 વર્ષ જૂની વાવ હજી પણ પ્રકૃતિનાં વિવિધ પરિવર્તનો સામે ટકેલી છે.
આ વાવ પણ સેન્ડસ્ટોનના જળકૃત ખડકોમાંથી બનાવવામાં આવેલી છે. પૂર્વ-પશ્ચિમ વાવ હોવાથી પ્રકાશ પૂરતા પ્રમાણમાં રહે છે અને વાવની અંદર બહારના વાતાવરણ કરતાં ગરમી પ્રમાણમાં ઓછી લાગે છે.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.