ધર્મપરિવર્તન કરેલ શખ્સે તીર-કામઠાથી આતંકવાદી હુમલો કર્યો

 

કોંગ્સબર્ગઃ નોર્વેના એક નાના શહેર કોંગ્સબર્ગમાં બુધવારે તીર કામઠા વડે લોકો પર હુમલા કરવામાં આવ્યા હતા જેમાં પાંચ જણા માર્યા ગયા હતા તથા અન્ય બેને ઇજા થઇ હતી. આ હુમલો ત્રાસવાદી હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સ્થાનિક સમય પ્રમાણે બુધવારે સાંજે આ હુમલો કરવામાં આવ્યો હતો. કોંગ્સબર્ગમાં અનેક સ્થળે એક શખ્સે લોકોને તીર માર્યા હતા. આમાંથી ઘણા લોકોને તેણે એક સુપર માર્કેટમાં ભોગ બનાવ્યા હતા. આ હુમલામાં પાંચ જણા માર્યા ગયા છે, જેમાં ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. હુમલો કરનાર એક ડેનિશ પુરુષ છે અને તે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યો છે.

પોલીસ માને છે કે આ શખ્સનું કટ્ટરવાદીકરણ કરવામાં આવ્યું છે. નોર્વેની ડોમેસ્ટિક સિક્યુરિટી એજન્સી પીએસટીએ જણાવ્યું હતું કે હાલમાં એવું જણાય છે કે આ ત્રાસવાદી હુમલો હતો. તપાસમાં વધુ વિગતો બહાર આવશે કે કયા હેતુસર આ હુમલો કરવામાં આવ્યો હતો એમ આ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું. આ શખ્સ અંગે અગાઉ પણ કટ્ટરવાદીકરણ કરવામાં આવ્યું હોવા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી જ હતી. પીએસટીએ જણાવ્યું હતું કે આ શખ્સ વિશે તે અગાઉથી જાણતી હતી.

પોલીસ વડા એ.બી. સેવેરૂડે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પોલીસ સ્થળ પર આવ્યા પછી જ આ શખ્સે લોકોને મારવાનું શરૂ કર્યું હતું. પકડાઇ ગયા પછી તેણે ઠંડકથી કબૂલ્યું હતું કે તેણે પાંચ લોકોને મારી નાખ્યા છે. હા, આ મેં કર્યું છે એમ તેણે કહ્યું હતું. આ હુમલા પછી લોકોમાં આઘાતની લાગણી ફેલાઇ હતી. નોર્વેમાં સામાન્ય રીતે આવા હુમલા થતા નથી અને ત્રાસવાદી હુમલાના ખતરાની બાબતે તેને મધ્યમ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.