ધર્મક્ષેત્રમાં કાર્બન ડાયોક્સાઇડ

0
778

(ગતાંકથી ચાલુ)
કોઈ પણ નાસ્તિક માણસને ‘અધાર્મિક’ ગણવાની ગુસ્તાખી કરવા જેવી નથી. એવા કરોડો મનુષ્યો દુનિયામાં જીવે છે, જેઓ ભગવાનમાં નથી માનતા, પરંતુ સત્ય, અહિંસા અને કરુણામાં માને છે. જૂઠાબોલો આસ્તિક વારંવાર મંદિરે કે મસ્જિદે કે દેવળે જાય તોય તેને ‘અધાર્મિક’ જાણવો. જે ગુરુ પોતાના મૂર્ખ ચેલાઓની અંધશ્રદ્ધા પર જ જીવી ખાય તેને ધર્મનો દુશ્મન ગણવો એ જ વિવેક ગણાય. ટીવીના પડદા પર નિર્મલબાબાને અંધશ્રદ્ધાના ટોપલેટોપલા ઠાલવતા જોવા એ એક દુઃખદ અનુભવ છે. એ જ રીતે ટીવીની એક ચેનલ પર શનિદેવની કૃપા સાથે જોડાયેલી બોગસ કથાઓ વહેતી થાય તે જોઈને ‘ધર્મની ગ્લાનિ’ એટલે શું તે સમજાઈ જાય છે. દુનિયાના પ્રત્યેક ધર્મમાં પેઠેલી બીમારી ક્યારે ટળશે? શિક્ષણનું પ્રમાણ વધે તેમ તેમ બીમારી ઘટશે એવી આશા પણ ઠગારી નીવડી છે. ઉચ્ચ શિક્ષણ પામેલા લોકો પણ અભણની માફક વર્તે છે. આપણા આ બચરવાળ દેશમાં ફળિયે ફળિયે તમને અભણ ડોક્ટર, અભણ એન્જિનિયર, અભણ નેતા અને અભણ પીએચ.ડી. મળી આવશે. દુઃખની વાત છે કે કેવળ બાહ્યાચારમાં ડૂબેલા એ લોકોને ‘ધાર્મિક’ ગણવામાં આવે છે. આવા ‘અભણ’ લોકો ક્યાંક આશ્રમ સ્થાપીને જામી ગયેલા કોઈ ગુરુ ઘંટાલનાં ચરણોમાં માથું નમાવીને હોંશે હોંશે લૂંટાય ત્યારે રડવું કે હસવું? હવે અંધશ્રદ્ધાને પણ ટીવીની મદદ મળતી થઈ છે.
તમારા ગામની જૂની લાઇબ્રેરીના જર્જરિત કબાટમાં તમને એક ધૂળ ખાતું પુસ્તક જરૂર મળી આવશે. એ પુસ્તકનું નામ છેઃ ‘પ્રાણપ્રતિષ્ઠા.’ વિક્રમ સંવત 1976ની માણેકઠારી પૂનમની રાતે ડાકોરમાં 40 હજાર યાત્રાળુઓ સમક્ષ ગાંધીજીએ જે ભાષણ કર્યું તે એ પુસ્તકમાં આખું છપાયું છે. એમાં ગાંધીજીએ સંત તુલસીદાસનું એક વિધાન ટાંક્યું હતુંઃ ‘અસંતથી દૂર ભાગો.’ એકવીસમી સદીમાં સીધી લીટીના માણસોએ એક વાત પાકી કરવી પડશે. તમને ખબર હોય કે અમુક માણસ જૂઠો છે, તો એ સામેથી આવતો દેખાય ત્યારે કાયર માણસની માફક કોઈ ગલીમાં વળી જજો. જ્યાં અસત્ય હોય ત્યાં ધર્મ નથી હોતો. નાસ્તિક અને આસ્તિકને જોડતો કોઈ સેતુ હોય તો તે છેઃ સત્યનો સેતુ. કહેવાતો આસ્તિક માણસ આપોઆપ ધાર્મિક નથી બની જતો. માણસ સાધુ હોય કે સેવક હોય, પરંતુ જો એ જૂઠો હોય તો એની સાધુતા અને એનું સેવકત્વ બેકાર ગણાય. દુકાનની માફક આશ્રમ પણ ક્યારેક ઘરાકીથી શોભે છે. ઘરાકી બડી ‘છેતરનાક’ બાબત છે. મુદ્દે વાત જૂઠા માણસથી એકાદ કિલોમીટર છેટા રહેવાની છે. એ બદમાશ પોતાના શબ્દો તમારા મોંમાં મૂકીને તમને લાગમાં લઈ શકે છે. માણસને માપવાનો એકમાત્ર માપદંડ એ કેટલો સત્યપ્રેમી છે, તે જ હોઈ શકે. સત્ય સેક્યુલર છે અને તેથી નિતાંત માનવતાવાદી છે. ઢાલની બીજી બાજુ પણ હોય છે. કેટલાક આશ્રમોમાં મનુષ્યને શુચિતા, શાંતિ, શીતળતા અને જીવનદર્શન પ્રાપ્ત થાય છે. સૂકા ભેગું લીલું બળે તે પણ ખોટનો ધંધો છે. કરવું શું? આપણને પ્રાપ્ત થયેલો સહજ વિવેક જ પણ ખોટનો ધંધો છે. કરવું શું? આપણને પ્રાપ્ત થયેલો સહજ વિવેક જ આપણને બચાવી શકે. અંધશ્રદ્ધા પણ અવિવેકનો જ એક પ્રકાર છે. અંધશ્રદ્ધાને કારણે લોકો કોઈ નિર્મલબાબાને ભગવાનને સ્થાને બેસાડીને પૂજે છે. આવી પૂજા એ જ મહાઅવિવેક છે. ભારતમાં આવા સિન્થેટિક ભગવાનો ઓછા નથી. કોઈ મનુષ્યને ભગવાન ગણીને પૂજવો એ પણ નિમ્ન કક્ષાની નાસ્તિકતા ગણાવી જોઈએ. આ બાબતે ઇસ્લામમાં તૌહીદ (એકેશ્વરનિષ્ઠા) પર જે ભાર મુકાય છે તે સર્વથા વાજબી જણાય છે. ચિંતાનો વિષય એટલો જ કે જ્યાં જ્યાં નજર કરો ત્યાં ‘અંધશ્રદ્ધા મેન્યુફેક્ચરિંગ કંપની અનલિમિટેડ’ની સંખ્યા વધી રહી છે. પરિશુદ્ધ આસ્તિકતા અને પરિશુદ્ધ નાસ્તિકતા જેવી સુંદર બાબતોમાં પ્રદૂષણ પેસી ગયું છે. શ્રદ્ધા પવિત્ર છે, પણ શ્રદ્ધામાં પેઠેલું પ્રદૂષણ પવિત્ર ન હોઈ શકે. ગંગા પવિત્ર ખરી, પરંતુ એમાં પેઠેલું પ્રદૂષણ અપવિત્ર! એ પ્રદૂષણને અપવિત્ર ગણવું એ જ ખરી ધાર્મિકતા છે. શ્રદ્ધા એ જ આપણો પ્રાણવાયુ!
પર્યાવરણમાં પ્રદૂષણનું મુખ્ય કારણ કાર્બન ડાયોક્સાઇડ છે. કાર્બન ડાયોક્સાઇડ કરતાંય વધારે ખતરનાક વાયુ કાર્બન મોનોક્સાઇડ છે. પૃથ્વી પર રાતદિવસ ધમધમતાં કરોડો કારખાનાંનાં ભૂંગળાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનો ઉત્સર્ગ કરતાં જ રહે છે. વિજ્ઞાનીઓ એવું વિચારે છે કે વધી પડેલા કાર્બન ડાયોક્સાઇડને મહાસાગરને તળિયે ધરબી દેવાનું શક્ય હોય તોય હિતાવહ નથી. ધર્મક્ષેત્રમાં જે અંધશ્રદ્ધા પેઠી છે એ આખરે શું છે? અંધશ્રદ્ધા એ ધર્મમાં પેઠેલો કાર્બન ડાયોક્સાઇડ છે અને શ્રદ્ધા પ્રાણવાયુ છે. બસ, આટલી સમજ પ્રસરી જાય, તો સત્યના પાયા પર નભનારા સમાજનું નિર્માણ થઈ શકે. જૂઠું બોલવાનું સહજ હોય એવો સમાજ કદી રામરાજ્યનું સમણું ન સેવી શકે. લોકો વાતે વાતે જૂઠું બોલતાં અચકાતા નથી. ભ્રષ્ટાચારની ચોટલી સદાય અસત્યના હાથમાં હોય છે. કોઈ નિશાળમાં ‘સત્યં વદ ધર્મ ચર’ – જેવું ઉપનિષદીય વાક્ય અભ્યાસક્રમમાં નથી. નઈ તાલીમની નિશાળોમાં બધો ભાર રેંટિયા પર છે, સત્યપાલન પર નથી. કેટલાંક માતા-પિતા પોતાનાં સંતાનોને જૂઠું બોલીને સફળ થવાની તાલીમ આપતાં હોય છે. વેપારીનો દીકરો એના સગા બાપ પાસેથી શીખે છે કે જૂઠું બોલ્યા વિના વેપાર ન થાય. ધર્મક્ષેત્રમાં અને કર્મક્ષેત્રમાં પ્રસરી ગયેલા કાર્બન ડાયોક્સાઇડનો સર્વત્ર સ્વીકાર છે. લોકોને વાતે વાતે બોલાતું અસત્ય ખલેલ નથી પહોંચાડતું. એવી ખલેલ ધીરે ધીરે ઘટતી જાય અને છેવટે નષ્ટ થઈ જાય એ અશક્ય નથી. માનવતાનું મૃત્યુ જૂઠની ખલેલ નષ્ટ થાય પછી રોકડું!
મંદિરની મંદિરતા, મસ્જિદની મસ્જિદતા અને દેવળની દેવળતા જાળવી રાખવા માટે મનુષ્યને કેન્દ્રમાં રાખવો રહ્યો. જે મંદિર પર અસ્પૃશ્યતાની છાયા પડે તે મંદિર પોતાનું મંદિરપણું ગુમાવી બેસે છે. પાકિસ્તાનમાં નમાજ પઢી રહેલા ભક્તો પર ઇસ્લામી આતંકવાદીઓએ ગોળીઓની વર્ષા કરી અને મસ્જિદમાં લોહીનું ખાબોચિયું સર્જાયેલું. એ મસ્જિદ તે ક્ષણે ‘મસ્જિદ’ મટી ગઈ એમ કહી શકાય. ગોવાના એક પાદરી બાળકો સાથેની સેક્સના કૌભાંડમાં જેલની સજા પામ્યા ત્યારે દેવળની દેવળતા નષ્ટ થઈ. લગભગ આ જ તર્ક આશ્રમની આશ્રમતાને લાગુ પડે છે. શુચિતા એ જ આશ્રમનું સર્વસ્વ છે. જ્યાં સત્ય ને સાધનશુદ્ધિ જળવાય ત્યાં ગાંધીજી કદી નહિ થોભે. મંદિર, મસ્જિદ, ચર્ચ, દેરાસર કે ગુરુદ્વારામાં પેસી ગયેલા કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવાની હઠ અત્યંત પવિત્ર છે, કારણ કે એમાં પરિશુદ્ધ આસ્તિકતાનો જયજયકાર છે. પરિશુદ્ધ નાસ્તિકતા પણ આદરણીય છે. નાસ્તિકતા અને અસત્યને બાર ગાઉનું છેટું! સ્તાલિનની નાસ્તિકતા માનવવિરોધી હતી તેથી લાખો માણસોની કતલ થતી રહી. પશ્ચિમ બંગાળના અંધશ્રદ્ધાળુ સામ્યવાદીઓ હજી દીવાલ પર સ્તાલિનની છબી આદરપૂર્વક લટકાવે છે. શ્રદ્ધા આપણો પ્રાણવાયુ છે. આપણી ભીતર પડેલા કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા મથવું એ જ સાધના છે. અપ્રદૂષિત શ્રદ્ધા ઉપાસનીય છે. (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.