દોસ્તી દમદાર ભારત-અમેરિકા વચ્ચે ત્રણ મોટા કરાર

 

નવી દિલ્હીઃ ભારતની બે દિવસીય યાત્રાના પહેલા દિવસે અમદાવાદમાં ઐતિહાસિક આગતાસ્વાગતા બાદ રાજધાની દિલ્હી પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષી વાટાઘાટો યોજાઈ હતી, જેમાં અનેક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. આ બેઠકની ફળશ્રુતિરૂપે બંને દેશ વચ્ચે ઊર્જાક્ષેત્ર અને ત્રણ અબજ ડોલરના સંરક્ષણ સોદા સહિત કુલ ૩ સમજૂતીપત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

દ્વિપક્ષી મંત્રણા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યોજવામાં આવેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે ભારતના પ્રવાસે આવ્યા એનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે છેલ્લા આઠ માસમાં તેમની ટ્રમ્પ સાથે આ પાંચમી મુલાકાત છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માત્ર બે સરકારો જ નહિ, પણ બંને દેશના લોકો આધારિત છે. આ સંબંધને આટલા મુકામે લાવવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આજની ચર્ચામાં બંને વચ્ચે આ ભાગીદારીનાં મહત્ત્વપૂર્ણ પાસાંઓની ચર્ચા પણ થઈ હતી. 

તેમણે આગળ ઉમેર્યું હતું કે બંને દેશ વચ્ચે મોટા વ્યાપાર કરારની વાટાઘાટો પણ થશે. અત્યારે બંને દેશ વચ્ચે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કરાર કરવામાં આવ્યો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે તેમણે અને વડા પ્રધાન મોદીએ ઇસ્લામિક આતંકવાદના ખાત્માની પ્રતિજ્ઞા લીધી છે. પાકિસ્તાનને બે દિવસમાં બીજીવાર ચેતવણી આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં અમેરિકા પાકિસ્તાન સાથે પણ કામ કરી રહ્યું છે, જેથી એની ભૂમિ પર સક્રિય આતંકવાદીઓનો સામનો પણ કરી શકાય. ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરવા ઉત્સાહિત છે અને અત્યારે ભારત સાથે ત્રણ અબજ ડોલરના સંરક્ષણ સોદાને મંજૂરી આપી દેવામાં આવી છે. મંગળવારે તેમણે અપાચે અને એમએચ-૬૦ રોમિયો હેલિકોપ્ટર્સ સહિત અમેરિકી સૈન્ય ઉપકરણોના ત્રણ અબજ ડોલરના સોદા સાથે જ રક્ષા સહકારનો વિસ્તાર કર્યો છે. 

મોદીની જેમ જ ટ્રમ્પે પણ આવનારા સમયમાં વ્યાપાર કરારનો સંકેત આપતાં કહ્યું હતું કે બંને દેશના પ્રતિનિધિઓએ એક મોટી વ્યાપાર સમજૂતી માટે પણ પ્રગતિ સાધી છે. તેમણે આગળ આશાવાદ પણ પ્રગટ કર્યો હતો કે બંને દેશ આ અત્યંત મહત્ત્વનો સોદો કરી શકે છે. પોતે જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી ભારતમાં અમેરિકી નિકાસ ૬૦ ટકા વધી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી અમેરિકી ઊર્જાની નિકાસ પ૦૦ ટકા વધી છે. પોતાની આ ભારતયાત્રામાં તેમણે ફાઇવ-જી વાયરલેસ નેટવર્કની ચર્ચા પણ કરી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રમ્પે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમના ભવ્યાતિભવ્ય ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની વાત કરતાં કહ્યું હતું કે બે દિવસ અને ખાસ કરીને સ્ટેડિયમમાં યોજાયેલો કાર્યક્રમ તેમના માટે સન્માનની વાત છે. ત્યાં સવા લાખ લોકો ઉપસ્થિત હતા અને એ કદાચ વડા પ્રધાન મોદી માટે વધુ હતા. ટ્રમ્પે એના માટે વડા પ્રધાન મોદીનો આભાર પણ માન્યો હતો.