દોઢ મહિના પછી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

 

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યારસુધી સારા પ્રમાણમાં વરસાદ થયો છે. બંને ઝોનનાં જળાશયોમાં પણ નવાં નીર આવ્યાં છે. જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસું બેસવાની સત્તાવાર આગાહી હતી, પણ એક રાઉન્ડ વરસાદ પડીને પછી ખેંચાયો તો છેક ૧૫ જુલાઈની આસપાસ અમીછાંટણા શરૂ થયાં હતાં. એમાં પણ છેલ્લા ૧૦ દિવસમાં તો ચોમાસાએ ગુજરાતને બરાબરનું ધમરોળ્યું છે અને બધી ખોટ સરભર કરી દીધી છે અને અત્યારસુધીમાં સીઝનનો ૩૪ ટકાવરસાદ પડી ગયો છે. રાજ્યમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યના ૧૮ તાલુકામાં અત્યારસુધીમાં માત્ર ૫૦ ટકાથી વધુ વરસાદ થયો છે, જ્યારે ૯ તાલુકા એવા છે, જેમાં ૯ ટકાથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૫૧ મિમી, કપરાડામાં ૪૨ મિમી, નવસારીના ખેરગામમાં ૩૦ મિમી, વાંસદામાં ૨૧ મિમી, સાબરકાંઠાના પોશીનામાં ૨૨ મિમી, તાપીના ડોલવણમાં ૨૧ મિમી, ડાંગના વઘઈમાં ૧૬ મિમી અને આહવામાં ૧૫ મિમી વરસાદ થયો છે, જ્યારે બાકીના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૩૪ ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ૩૦ જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે.