દેશ સમક્ષ ૧૯૯૧ જેવું સંકટ, વડા પ્રધાન મોદી પર દબાણ ઉભું થયુંઃ રાહુલ ગાંધી

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ રાંધણ ગેસ તેમજ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે બુઘવારે જણાવ્યું કે ઈંધણની કિંમતોમાં જ્યારે પણ વધારો થાય છે ત્યારે આંતરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારો થતો હોવાનું જણાવાય છે. આ વાત તદ્દન ખોટી છે. અમારી સરકાર કેન્દ્રમાં હતી ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત ૧૦૫ ડોલર હતી અને અત્યારે ૭૧ ડોલર પ્રતિ બેરલ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશ સામે ૧૯૯૧ જેવું સંકટ ઉભું થઈ રહ્યું છે. આ અર્થવ્યવસ્થાની નહીં પરંતુ માળખાકીય સમસ્યા છે. નીતિઓમાં બદલાવ કર્યા વગર આ પરિસ્થિતિમાંથી બહાર નિકળી શકાશે નહીં.

રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે દેશના યુવાનોએ વિચારવાની જરૂર છે કે આ તમારા નાણાં છે અને તમારે કોના હાથમાં આ નાણા આપવા છે. તેમણે જણાવ્યું કે ૨૩ લાખ કરોડ રૂપિયાની રકમ કોના હાથોમાં જાય છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રત્યક્ષ હુમલો કરતા કહ્યું કે મોનેટાઈઝેશન પ્લાનથી ૬ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની વાત કરવામાં આવે છે. આવું કરવાથી મોદીના પ્રિય એવા પાંચથી છ મિત્રોના હાથમાં દેશની સંપત્તિ જતી રહેશે.

મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ વિરોધ નથી કરી રહ્યું તેને લઈને રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અભિવ્યક્તિને રોકવામાં આવે છે. તમે જાણો છો કે મીડિયાને બોલવાની મંજૂરી નથી. અમને સંસદમાં પણ રોકવામાં આવ્યા છે. આવું કરવાથી આક્રોશ વધશે અને તેનું રિએક્શન અત્યંત ગંભીર હશે. તેમણે જણાવ્યું કે, અમે લાખો લોકોને લઈને રસ્તા પર ઉતરી શકીએ છીએ, પરંતુ તેમાં બીજા જોખમો રહેલા છે એટલા માટે અમે આવું કરવાનું ટાળી રહ્યા છીએ. 

રાહુલ ગાંધીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વધારાના ટેક્સ પેટે ૨૩ લાખ કરોડની રકમ મળી છે. આ રકમ ક્યાં ખર્ચ થશે. કેન્દ્રમાં અમારી સરકાર હતી, જ્યારે આંતરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ૧૦૭ ડોલર પ્રતિ બેરલ હતા અને દેશમાં પેટ્રોલ લિટરદીઠ ૭૧ હતું. આજે ક્રૂડ ૭૧ ડોલર છે અને દેશમાં પેટ્રોલ રૂ. ૧૦૦ની સપાટીને પાર થયું છે.

વડા પ્રધાન મોદી નવા અભિગમની જરૂર હોવાની વાતો કરે છે. તેમણે વચન આપ્યું હતું કે તેઓ આવું કરશે. તેઓ ન્યુ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયાના વાતો કરે છે, પરંતુ આ તમામ વાતો પોકળ સાબિત થઈ છે તેમ રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું હતું. અર્થતંત્ર નિષ્ફળ બની રહ્યું છે. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સિતારમનને કંઈ સમજણ નથી પડતી તો અમે અમારા નિષ્ણાતોને મોકલી શકીએ છીએ. શેરબજારમાં ઉછાળો ફક્ત ૫૦ કંપનીઓની સ્થિતિ દર્શાવે છે અને દેશની અન્ય ૩૦૦-૫૦૦ કંપનીઓની સ્થિતિ ખરાબ છે. મધ્યમ કંપનીઓની સ્થિતિ ખરાબ છે અને તે જ દેશમાં રોજગાર વધારી શકે છે, પરંતુ મોદીજીના મગજમાં તેના માટે કોઈ સ્થાન નથી.