દેશ લૂંટનારાને છોડશું નહીં : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકાર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને સહન કરશે નહીં. દેશને લૂંટનારા અને ગરીબોને લૂંટનારાઓ ગમે તેટલા શક્તિશાળી હોય તેઓને છોડવામાં નહીં આવે. 

વડા પ્રધાને ગુજરાતના કેવડિયામાં આયોજિત કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી) અને સીબીઆઈના સંયુક્ત સંમેલનને સંબોધન કરતા કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર નાનો હોય કે મોટો તે કોઈનો તો હક ઝૂંટવે છે. ભ્રષ્ટાચાર દેશના સામાન્ય નાગરિકને તેમના અધિકારોથી વંચિત કરે છે. રાષ્ટ્રની પ્રગતિમાં અડચણ ઉભી કરે છે અને એક રાષ્ટ્રના રૂપમાં સામૂહિક શક્તિને પણ પ્રભાવિત કરે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ સરકારોમાં ભ્રષ્ટાચારને લઈને નરમાશ વર્તવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે રીતે સરકારો અને વ્યવસ્થા ચાલી છે તેમાં પ્રશાસનિક અને રાજનીતિક બંનો ઈચ્છાશક્તિની કમી હતી. આજે ભ્રષ્ટાચાર ઉપર પ્રહાર કરવાની રાજનીતિક ઈચ્છાશક્તિ છે અને પ્રશાસનિક સ્તરે પણ સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. 

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે દેશને વિશ્વાસ આવ્યો છે કે દેશને દગો દેનારા, ગરીબોને લૂંટનારા કેટલા પણ શક્તિશાળી હોય, દુનિયાના કોઈપણ ખૂણે હોય તેઓને છોડવામાં આવતા નથી. છેલ્લાં ૬-૭ વર્ષના નિરંતર પ્રયાસોથી દેશમાં એ વિશ્વાસ કાયમ કરવામાં સફળતા મળી છે અને તેનાથી ભ્રષ્ટાચારને રોકવો સંભવ બન્યો છે. 

છેલ્લા છ-સાત વર્ષમાં તેમની સરકાર લોકોમાં વિશ્વાસ જગાડવામાં સફળ થઈ છે કે દેશમાં ભ્રષ્ટાચારને રોકવો શક્ય છે અને વચેટિયાની સંડોવણી વગર સરકારની વિવિધ યોજનાઓનો લાભ યોગ્ય લોકોને મળી શકે છે એવું તેમણે કહ્યું હતું.  ભ્રષ્ટાચાર લોકોનો અધિકાર છીનવી લે છે અને દેશની પ્રગતિમાં બાધ છે એવું કહીને તેમણે દેશમાંથી ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે જાતને સમર્પિત કરવાનું સીબીઆઈ અને સીવીસીના અધિકારીઓને જણાવ્યું હતું. વડા પ્રધાને નાગરિકોને યાદ અપાવ્યું હતું કે સરકારે બનાવેલા કાયદાનું અમલીકરણ કરવું એ તેમની જવાબદારી છે.