દેશવિદેશના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર સરોવર બંધ ખાતે આકાર લઈ રહેલી સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિરીક્ષણ મુલાકાત લીધી હતી. તેમણે પ્રતિમાના ઝડપથી થઈ રહેલા નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી. (બંને ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

રાજપીપળાઃ દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાના નિર્માણ થકી તેમની સ્મૃતિને સદા જીવંત રાખવાનો પ્રયાસ છે. દેશના કરોડો નાગરિકોના પ્રેરણાસ્રોત એવા અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ પ્રતિમારૂપે હંમેશ માટે જીવંત રહેશે, ઉપરાંત સરદારની વિશાળ પ્રતિમા દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર સરોવર બંધ ખાતે આકાર લઈ રહેલી સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિરીક્ષણ મુલાકાત સમયે જણાવ્યું હતું. તેમણે પ્રતિમાના ઝડપથી થઈ રહેલા નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 80 ટકા નિર્માણકાર્ય પૂરું થયું છે. કોંક્રીટની કામગીરી પછી બે તબક્કામાં ઝડપભેર પ્રતિમાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રતિમાના નિર્માણથી કેવડિયાસ્થિત સરદાર સરોવર દુનિયાના મહત્ત્વના પ્રવાસનધામરૂપે વિકાસ પામશે એમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સાધુ બેટમાં પ્રતિમાના નિર્માણની સાથોસાથ આકાર લઈ રહેલા સ્ટેચ્યુનું ત્રણ સ્તરનું પ્રદર્શન, મેમોરિયલ ગાર્ડન અને તથા સરદાર પટેલના જીવનકવન, રાષ્ટ્ર માટેના યોગદાન અને પ્રતિમાના નિર્માણના પ્રારંભથી અંત સુધીની તબક્કાવાર કામગીરી દર્શાવતા વિશાળ મ્યુઝિયમ-પ્રદર્શન વિશે જાણકારી આપીને વિશ્વસ્તરની આ સુવિધાઓ દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રતિમાના નિર્માણકાર્યમાં અત્યાર સુધી રૂ.2300 કરોડનો ખર્ચ થયો છે. આ પ્રતિમામાં 25 હજાર મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ કરાયો છે, જેમાં 18 હજાર મેટ્રિક ટન લોખંડના સળિયા અને 7 હજાર મેટ્રિક ટન લોખંડના સ્ટ્રક્ચરમાં ઉપયોગનો સમાવેશ થાય છે તેમ જ 90 હજાર મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનું અને આ પ્રતિમા સ્થળે દરરોજ 15 હજાર પ્રવાસીઓ મુલાકાત લેશે, તેવી વિગતો આપી હતી.
ભારતના પ્રવાસે આવતો દુનિયાનો કોઈ પણ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા વિના પરત નહિ જાય એવો દઢ વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશને એકસૂત્રમાં બાંધનાર અને એકતાના પ્રતીક એવા સરદાર પટેલની દુનિયાની સૌથી ઉત્તુંગ પ્રતિમા નવી પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે. આગામી 31મી ઓક્ટોબર, 2018ના રોજ સરદાર પટેલ જન્મજયંતીના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદારની વિરાટકાય પ્રતિમાનું લોકાર્પણ થાય તે દિશામાં આગળ વધી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ નર્મદા ડેમ સાઇટ ખાતે સાધુ ટેકરી પાસે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની થઈ રહેલી ઝડપી કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને આ પ્રોજેકટ સાથે જોડાયેલી અન્ય આનુષંગિક કામગીરી-પ્રવૃત્તિઓ સંદર્ભે પણ તેમણે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીએ પ્રતિમાના કન્સ્ટ્રક્શન સંદર્ભે એક વિશેષ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું, અને સમગ્રલક્ષી કામગીરીથી વાકેફ થયા હતા. નિગમના વરિષ્ઠ અધિકારીઓ અને ઇજનેરો સાથે પ્રતિમાના નિર્માણ કાર્ય અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને જરૂરી સૂચનો કર્યાં હતાં. મુખ્યમંત્રીએ પ્રતિમા નિર્માણના યાર્ડની પણ મુલાકાત લીધી હતી.