દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩.૧૫ લાખથી પણ વધારે કેસ

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની બેકાબૂ રફ્તાર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં છેલ્લા અનેક દિવસથી રેકોર્ડ સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩.૧૫ લાખથી વધારે વર્લ્ડ રેકોર્ડ સમાન નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત સતત બીજા દિવસે પણ મૃતકઆંક ઉંચો ગયો છે. 

તાજેતરના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૨,૧૦૦થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં દરરોજ ખૂબ જ ઝડપથી વધી રહેલો એક્ટિવ કેસનો આંકડો ખૂબ જ ચિંતાજનક છે. ભારતમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસની સરખામણીએ કોવિડ-૧૯ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

રાષ્ટ્રીય સ્તરે સાજા થવાનો દર ઘટીને ૮૫.૦૧ ટકા થઈ ગયો છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩,૧૫,૭૨૮ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧,૫૯,૨૪,૮૦૬ થઈ ગઈ છે.