દેશમાં સળંગ ત્રીજા દિવસે કોરોના પોઝિટિવિટી રેટ ઘટીને ૧૦ ટકા નીચે

 

નવી દિલ્હીઃ દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસો ઘટીને ૨,૧૧,૨૯૮ નોંધાતા અત્યાર સુધીમાં કુલ કેસનો આંક ૨,૭૩,૬૯,૦૯૩ થયો હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. બીજીતરફ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા પણ વધતા રિકવરી રેટ ૯૦ ટકાને પાર થયો છે. કોરોનાથી એક દિવસમાં ૩,૮૪૭ દર્દીના મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૩,૧૫,૨૩૫ થયો હતો.

બુધવારે ૨૧,૫૭,૮૫૭ કોરોના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૩,૬૯,૬૯,૩૫૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૯.૭૯ ટકા નોંધાયો હતો. સળંગ ત્રીજા દિવસે દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ઓછો રહ્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. આ ઉપરાંત સાપ્તાહિક સંક્રમણ દર ઘટીને ૧૦.૯૩ ટકા થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ દેશમાં સક્રિય કેસો ૨૪,૧૯,૯૦૭ થયો છે જે કુલ કેસ લોડના ૮.૮૪ ટકા છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૦.૦૧ ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૨,૪૬,૩૩,૯૫૧ દર્દીઓ સ્વસ્થ થયા હતા. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટતા મૃત્યુદર ૧.૧૫ ટકા થયો હતો.

દેશમાં ૨૪ કલાકમાં ૩,૮૪૭ દર્દીના મોત થયા હતા જે પૈકી મહારાષ્ટ્રમાં ૯૯૨, કર્ણાટકમાં ૫૩૦, તમિલનાડુમાં ૪૭૫, ઉત્તર પ્રદેશમાં ૧૯૩, પંજાબમાં ૧૮૫, પશ્ચિમ બંગાળમાં ૧૫૩, કેરળમાં ૧૫૧, દિલ્હીમાં ૧૩૦, રાજસ્થાનમાં ૧૦૭ અને હરિયાણામાં ૧૦૬ મૃત્યુનો સમાવેશ થાય છે.

એક દિવસમાં ૧૮,૮૫,૮૦૫ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૨૦,૨૬,૯૫,૯૭૪ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.