દેશમાં નવા ૫૨૫૦૯ કેસો, ૮૫૭નાં મોત, મૃત્યુઆંક ૪૦ હજાર વટાવવાની તૈયારીમાં

 

નવી દિલ્હીઃ હવે તો દેશનાં લોકો પણ કહેતા થઈ ગયા કે હવે તો કોરોનાએ હદ કરી, કારણ કે દેશમાં કોરોનાનો સંકટ એવી રીતે આવી પડ્યો છે કે દેશમાં દરરોજ એવરેજ ૫૦ હજાર કેસો નોંધાઈ રહ્યા છે. ગત ૨૪ કલાકમાં નોંધાયેલા આંકડાની વાત કરીએ તો દેશમાં ૫૨,૫૦૯ કોરોનાના નવા કેસો સામે આવ્યા છે જેની સાથે દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના કેસોનો આંકડો ૧૯ લાખને પાર થઈ ચૂક્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ ૧૨,૮૨,૨૧૫ કોરોનાનો ભોગ બનેલ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

ગત ૨૪ કલાકમાં આવેલ કેસોની સરખામણી ૫૧,૭૦૬ કોરોના દર્દીઓ રિકવર થયા હતા જે સકારાત્મક સમાચાર છે. ગત ૨૪ કલાકમાં ૮૫૭ લોકોનું કોરોના કારણે મોત નિપજ્યું છે અને સાથે જ દેશમાં કુલ મૃત્યુઆંક ૩૯,૭૯૫ નોંધાયો છે જે ગુરુવારે જાહેર થનાર આંકડામાં ૪૦ હજારને પાર થઈ ચૂકી હશે. દેશમાં કુલ ૫,૮૬ ,૨૪૪ એક્ટિવ કેસો છે.

મંગળવારે નોંધાયેલ કેસોને મામલે આંધ્રપ્રદેશે મહારાષ્ટ્રને પાછળ છોડ્યો છે. બુધવારનાં આંકડા મુજબ આંધ્રપ્રદેશમાં કુલ ૯,૭૪૭ કેસો નોંધાયા હતા, મહારાષ્ટ્રમાં ૭,૭૬૦, કર્ણાટકમાં ૬,૨૫૯, તમિલનાડુમાં ૫,૦૬૩, ઉત્તર પ્રદેશમાં ૨,૯૪૮, પશ્ચિમ બંગાળમાં ૨,૭૫૨, તેલંગાણામાં ૨,૦૧૨, ગુજરાતમાં ૧,૦૧૪, બિહારમાં ૨,૪૬૦, આસામમાં ૨,૮૮૬, રાજસ્થાનમાં ૧,૭૦૪, ઓડિસામાં ૧,૩૮૪, કેરેલામાં ૧,૦૮૩ અને મધ્ય પ્રદેશમાં ૭૯૭ નવા કેસો નોંધાયા હતા.

મોતનાં આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં રેકોર્ડ ૩૦૦ મોત થયા છે. રાજ્યમાં એક દિવસમાં કોરોનાથી થનાર આ મોતનો આંકડો ડરાવનારો છે. તમિલનાડુની વાત કરીએ તો બે દિવસથી સતત ૧૦૦ ઉપર મોત નોંધાઈ રહ્યા છે. કર્ણાટકામાં ૧૧૦ મોત, દિલ્હીમાં ૧૨, ઉત્તર પ્રદેશમાં ૩૯, પશ્ચિમ બંગાળમાં ૫૪, તેલંગાણામાં ૧૩, ગુજરાતમાં ૨૫, બિહારમાં ૧૭, રાજસ્થાનમાં ૧૭, જમ્મુ-કશ્મીરમાં ૧૦ અને પંજાબમાં ૨૦ મોત નોંધાયા છે.

દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત પાંચ રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર કોરોનાનું એપી સેન્ટ્રર બની ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં કુલ ૪,૫૭,૯૫૬ કેસો અત્યાર સુધી નોંધાયા છે અને કુલ ૧૬,૧૪૨ લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં ૨,૬૮,૨૮૫ કેસો નોંધાયા છે અને ૪,૩૪૯ લોકોનાં મોત થયા છે. આંધ્રપ્રદેશમાં ૧,૭૬,૩૩૩ કેસો સાથે ૧,૬૦૪ દર્દીઓનાં મોત, કર્ણાટકમાં ૧,૪૫,૮૩૦ કેસો સાથે ૨,૭૦૪નાં મોત, દિલ્હીમાં ૧,૩૯,૧૫૬ કેસો સાથે ૧,૮૧૭નાં મોત નોંધાયા છે. દેશમાં મૃત્યુનો સૌથી વધુ રેશિયો ગુજરાતમાં ૩.૮ અને મહારાષ્ટ્રમાં ૩.૫ છે