દેશમાં કોરોના વિસ્ફોટ, બે લાખ જેટલા નવા કેસ, ૨૪ કલાકમાં ૧૦૦૦થી વધુનાં મોત

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના આશરે બે લાખ જેટલા નવા કેસ સામે આવ્યા છે અને સતત બીજા દિવસે પણ ૧,૦૦૦થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો ૧૪ લાખ જેટલો થવા આવ્યો છે. 

વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧.૯૯ લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૧,૦૦૦થી વધારે લોકોના મૃત્યુ સાથે કોવિડથી મરનારા લોકોની કુલ સંખ્યા ૧,૭૩,૧૫૨ થઈ ગઈ છે. છેલ્લાં કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-૧૯ના દર્દીઓના સાજા થવાનો દર પણ ઘટી રહ્યો છે. 

સમગ્ર દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૯૯,૫૬૯ નવા કેસ સામે આવ્યા છે અને ૧,૦૩૭ દર્દીઓના મોત થયા છે. કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે દેશની રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-૧૯ના દૈનિક કેસમાંથી ૮૨ ટકાથી વધુ કેસ ૧૦ રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. 

બે મહિના પહેલાં જેટલા કુલ દર્દી સારવાર હેઠળ હતા, તેના કરતાં પણ વધારે દોઢ લાખથી વધુ નવા કેસ રવિવારે સામે આવતાં ભયભીત ભારતીય જનજીવન ભારે ચિંતામાં મુકાઇ ગયું છે. જો કે, મોટાભાગે માસ્ક નહીં પહેરવા, સામાજિક અંતર નહીં જાળવવાથી માંડીને ભીડ સર્જવા જેવી બેદરકારીઓના કારણે જ રવિવારે વિક્રમ સર્જક ૧,૫૨,૮૭૯ નવા કેસ નોંધાયા છે. ‘રસી ઉત્સવ’ના આરંભ વચ્ચે દેશમાં રવિવારે સક્રિય કેસો એટલે કે, સારવાર હેઠળ છે તેવા દર્દીઓનો આંક ૧૧ લાખને આંબી ગયો હતો. ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧.૩૩ કરોડને પાર કરી ૧,૩૩,૫૮,૮૦૫ પર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ ભયજનક બની છે. રાજ્યમાં રવિવારે ૬૩,૨૯૪ વિક્રમી કેસો સામે આવ્યા હતા, તો ૩૯૪ મોત થયાં હતાં. દેશમાં ૨૪ કલાકમાં  ૬૧,૪૫૬ નવા સક્રિય કેસોના ઉમેરા સાથે કુલ્લ સક્રિય કેસોની સંખ્યા વધીને વિક્રમી ૧૧,૦૮,૦૮૭ થઇ ગઇ છે. 

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ મળીને દેશના માત્ર પાંચ રાજ્યમાંથી ૭૦.૮૨ ટકા સક્રિય કેસો સામે આવ્યા હતા. એકલા મહારાષ્ટ્રમાં જ ૪૮.૫૭ ટકા સક્રિય કેસો નોંધાયા છે. દેશમાં વિક્રમી ઉછાળા સાથે સક્રિય કેસોનું પ્રમાણ ૮.૨૯ ટકા થઇ ગયું છે. બીજી તરફ ભારતના વિવિધ ભાગોમાં રવિવારે વધુ ૯૦,૫૮૪ દર્દી સંક્રમણના સકંજામાંથી મુકત થતાં સાજા થયેલા દર્દીઓનો આંક ૧.૨૦ કરોડને આંબી, ૧,૨૦,૮૧,૪૪૩ થઇ ગયો છે. માત્ર બે દિવસમાં ૧ લાખ ૬૮ હજારથી વધુ સંક્રમિતો સાજા થવા છતાં નવા કેસોની સંખ્યામાં દિવસોદિવસ વિક્રમસર્જક વધારાના પગલે રિકવરી રેટ ઘટીને ૯૦.૪૪ ટકા થઇ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨૫ કરોડ ૬૬ લાખથી વધુ ટેસ્ટ થઇ ચૂક્યા છે. 

 સંક્રમણના દૈનિક કેસોમાં ભારત પહેલા નંબરે

કોરોના વાઇરસની બીજી લહેરના કારણે સોમવારે દેશમાં એક દિવસમાં જોવા મળતા કોરોના ચેપના તમામ રેકોર્ડ બ્રેક થયા છે. છેલ્લા ૨૪ કલાકમા ૧.૬૯ લાખ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને ૯૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે આ માહિતી આપી છે. કોરોના વાઇરસના નવા કેસો અને ચેપને કારણે થતા મૃત્યુની સંખ્યાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. છેલ્લા પાંચ દિવસથી દેશમાં એક લાખથી વધુ નવા દર્દીઓ આવી રહ્યા છે. રવિવારે આ સંખ્યા ૧.૫૨ લાખને વટાવી ગઈ હતી.

દેશમાં નવા ચેપ લાગતાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ચેપના ૧,૬૮,૯૧૨ નવા કેસ નોંધાયા છે, જેનો અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ દેશમાં કુલ ચેપનો આંક વધીને ૧,૩૫,૨૭,૭૧૭ પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાથી ૯૦૪ લોકોનાં મોત થયાં છે. કોવિડથી મૃત્યુઆંક વધીને ૧,૭૦,૧૭૯ પર પહોંચી ગયો છે. છેલ્લા ૬ મહિનામાં એક જ દિવસમાં જીવ ગુમાવનારા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે. આ અગાઉ ગયા વર્ષે ૧૭ ઓક્ટોબરે સૌથી વધુ ૧,૦૩૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં કોરોના ચેપથી અત્યાર સુધી ૧,૩૫,૨૫,૩૭૯ લોકો પ્રભાવિત થયા છે. તેમાંથી ૧,૨૧,૫૩,૦૦૦ લોકો સાજા થયા છે. ૧,૭૦,૧૭૯ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

ભારત એકમાત્ર દેશ જેમાં ૧.૭૦ લાખ દૈનિક કેસ

વિશ્વભરમાં નવા કોરોના દર્દીઓ બનવાના કિસ્સામાં, ભારત અમેરિકા અને બ્રાઝિલને પાછળ રાખીને નંબર વન પર પહોંચ્યું છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ નંબરે,  ભારત બ્રાઝિલને પાછળ છોડી બીજા નંબર પર પહોંચી ગયું છે. સોમવારે, યુ.એસમાં ૪૭,૮૬૪ નવા દર્દીઓ હતા જયારે  ભારતમાં ૬૯,૯૧૪ અને બ્રાઝિલમાં ૩૭,૫૩૭ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં હાલમાં દોઢ લાખથી વધુ નવા કોરોના દર્દીઓ મળી રહ્યા છે.