દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહી આવે?

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ અંગે દેશને સતત રાહત મળી રહી છે. દૈનિક સામે આવતા કેસોમાં સતત ઘટાડાથી દેશની કોરોના સામે જંગ જીતવાની સંભાવનાઓ વધી છે તો ત્રીજી લહેરની શક્યતા પણ સતત ઘટી રહી છે. મંગળવારે જારી આંકડાઓમાં નવા કેસ ૧૦ હજારની પણ નીચે જઈ માત્ર ૮૮૬૫ સામે આવ્યા હતા જે ૨૮૭ દિવસનો સૌથી ઓછો આંક છે. જો કે, દૈનિક મૃત્યુઆંક સોમવારની તુલનાએ વધીને ૧૯૭ થયો હતો. 

૧૧૯૭૧ લોકો કોરોનાથી સાજા થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા દૈનિક આંકડાઓ અનુસાર વીતેલા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૮૮૬૫ મામલા સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં મહામારીથી સંક્રમિતોનો કુલ આંકડો ૩,૪૪,૫૬,૦૦૦ થયો હતો. આ પૈકી ૪,૬૩,૮૫૨નાં મોત થયાં છે. અત્યાર સુધીમાં ૩,૩૮,૬૧,૦૦૦ લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને ૧.૫ લાખથી ઓછી થઈ છે અને ૧,૩૦,૭૯૩ લોકો હજુ પણ કોરોનાથી સંક્રમિત છે અને તેમની સારવાર ચાલી રહી છે.