દેશમાં કોરોનાના દર્દીઓ ૫૨,૫૩૫ને પાર, ૧૭૮૩એ જીવ ગુમાવ્યાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. કોરોનાના દર્દીઓનો ડબલિંગ રેટ ૧૩ દિવસથી ઘટીને ૧૧ દિવસ થયો છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. કોવિડ-૧૯ના કારણે અત્યાર સુધીમાં ૧૭૮૩ લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં ૫૨,૯૫૨ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૫,૨૬૭ લોકો સાજા થઈને ઘરે ગયા છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. 

આરોગ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં હાલ ૩૫,૯૦૨ કોરોનાના એક્ટિવ કેસ છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૬,૭૫૮ કેસ છે જ્યારે ૬૫૧ લોકોના મોત થયા છે. ૩૦૯૪ લોકો સાજા થઈને ઘરે ગયા છે. બીજા નંબરે ગુજરાત છે જ્યાં કોરોનાના ૬,૬૨૫ કેસ નોંધાયા છે. જ્યારે ૩૯૬ લોકોના મૃત્યુ થયા છે. ૧૫૦૦ લોકો સાજા થયા છે. દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ દિલ્હીમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ૫,૫૩૨ કેસ છે જ્યારે ૬૫ લોકોના મોત થયા છે. તામિલનાડુમાં ૪,૮૨૯ કેસ, રાજસ્થાનમાં ૩,૩૧૭ કોરોના પોઝિટિવ કેસ, પશ્ચિમ બંગાળમાં ૧,૪૫૬ કેસ, જ્યારે ૧૪૪ લોકોના મોત થયા છે. આંધ્ર પ્રદેશમાં ૧,૭૭૭ લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યાં છે અને ૩૬ લોકોના મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશમાં પણ કોરોનાનો હાહાકાર છે જ્યાં ૩,૧૩૮ કેસ નોંધાયા છે અને ૧૮૫ લોકોના મૃત્યુ થયા છે.