દેશમાં એક વર્ગની વસતી વધશે તો અરાજકતા ફેલાશે: યોગી આદીત્યનાથ

 

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશ્ર્વ વસતી દિવસ પર લખનઉમાં આયોજિત એક કાર્યક્રમમાં યુપીમાં વધતી જતી વસતી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વસતી નિયંત્રણ કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધે પણ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે વસતી અસંતુલન પેદા ન થાય. એવું ન થવું જોઈએ કે કોઈ એક વર્ગની વસતી વધવાની સ્પીડ અને તેની ટકાવારી વધારે હોય અને જે મૂળ નિવાસી છે તેમના માટે જાગૃતિ અભિયાન ચલાવી તેમની વસતી નિયંત્રિત કરી અસંતુલન પેદા કરવામાં આવે. યોગીએ કહ્યું કે ૧૦૦ કરોડની વસતી સુધી પહોંચવામાં લાખો વર્ષ લાગી ગયા પણ ૧૦૦થી ૫૦૦ કરોડ થવામાં ફક્ત ૧૮૩-૧૮૫ વર્ષ જ લાગ્યા. આ વર્ષના અંત સુધી વિશ્ર્વની વસતી ૮૦૦ કરોડ થવાની શક્યતા છે. ભારતમાં ૧૩૫-૧૪૦ કરોડની વસતી છે. યુપી સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે. અહીં હાલ ૨૪ કરોડની વસતી છે જે થોડાક જ સમયમાં ૨૫ કરોડને વટાવી જશે. આ ગતિ એક પડકાર છે. આપણે તેના પર નિયંત્રણ રાખવા પ્રયાસ કરવા પડશે. જે દેશોની વસતી વધુ હોય છે ત્યાં વસતી અસંતુલન ચિંતાનો વિષય છે કેમ કે રિલિજિયસ ડેમોગ્રાફી પર તેની અસર થાય છે. એક સમય બાદ ત્યાં અવ્યવસ્થા અને અરાજકતા પેદા થાય છે એટલા માટે વસતીને સ્થિર કરવાના પ્રયાસો સાથે જાતિ, ધર્મ, ક્ષેત્ર, ભાષાથી ઉપર ઊઠીને સમાજમાં સમાન રીતે જાગૃકતાના વ્યાપક કાર્યક્રમ સાથે જોડાવાની જરૂર છે.