દેશનું અર્થતંત્ર પડકારનો સામનો કરી મજબૂત બન્યું છે: રાષ્ટ્રપતિ

 

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર કોવિડના રોગચાળા, આર્થિક મંદી સહિતના અનેક પડકારનો સામનો કરીને મજબૂત બન્યું છે. નવી શિક્ષણ નીતિ દેશની યુવા પેઢીના સર્વાંગી વિકાસમાં સહાય‚પ બનશે. ગરીબોને મફત અનાજ આપવાની યોજના વર્ષ ૨૦૨૩માં પણ ચાલુ રખાઈ છે. દેશમાં ડિજિટાઇઝેશન અને મહિલા સશક્તિકરણ પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અગાઉ ૧૩મા રાષ્ટ્રીય મતદાર દિન નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મતદારોની ભૂમિકા અને ચૂંટણી પ્રક્રિયા તથા લોકતાંત્રિક ગતિવિધિઓમાં મહિલાઓના પ્રદાનને બિરદાવ્યા હતા. દ્રૌપદી મુર્મૂએ ભાવિ ચૂંટણીઓમાં ૭૫ ટકા મતદાનની ચૂંટણીપંચની અપેક્ષાઓ વચ્ચે મતદાન દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની નાગરિકોને ભલામણ કરી હતી. દ્રૌપદી મુર્મૂએ ‘રાષ્ટ્ર સર્વોપરિ’ની ભાવના સાથે મતદાન કરવાનો નાગરિકોને અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ ચૂંટણીની પ્રક્રિયામાં મહિલાઓના સક્રિય સહભાગિતામાં વૃદ્ધિને દેશના લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા માટે મોટી સિદ્ધિ ‚પ ગણાવ્યો હતો. ઇતિહાસમાં પહેલી વખત સંસદના બન્ને ગૃહોમાં કુલ મહિલા સાંસદોની સંખ્યા ૧૧૫ના આંકડે પહોંચી છે. ગ્રામ પંચાયતોથી સંસદ સુધી મહિલાઓ નોંધપાત્ર પ્રમાણમાં પ્રદાન કરી રહી છે. તેમની સહભાગિતા અને સંખ્યા હજુ વધતી રહેવી જોઇએ. ચૂંટણી સંબંધી જનજાગૃતિ, ઇન્ફોટેકમાં ચૂંટણી સંબંધી સુવિધા અને સુધારા, ચૂંટણી વેળા વ્યવસ્થાપકીય કામગીરી અને ચૂંટણી વેળા સુરક્ષા જેવી વિવિધ કેટેગરીમાં રાજ્ય અને જિલ્લા સ્તરે ઉત્કૃષ્ટ કામગીરીના વર્ષ ૨૦૨૨ના રાષ્ટ્રીય પારિતોષિકો એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મતદાન અને ચૂંટણી પ્રક્રિયા બાબતે જનજાગૃતિ બાબતે ઉત્કૃટ કામગીરી બદલ સરકારી વિભાગો અને પ્રસારમાધ્યમોને પારિતોષિકો એનાયત કરવામાં આવશે. પારિતોષિક વિતરણ સમારંભમાં ગીત ‘મૈં ભારત હું, હમ ભારત કે મતદાતા હૈં’ રજૂ કરવામાં આવશે. એ ગીત ચૂંટણીપંચે સુભાષ ઘાઈ ફાઉન્ડેશનના સહયોગમાં રચ્યું છે.