દેશની સુરક્ષા મારા માટે મહત્ત્વપૂર્ણ છે, અમે તેના માટે તૈયાર છીએ: રાષ્ટ્રપતિ પુતિન

 

રશિયા: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન યુદ્ઘને એક વર્ષ પૂર્ણ થવાના થોડા સમય પહેલા જ દેશની સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનની યુક્રેનની મુલાકાત બાદ પોતાના ભાષણમાં પુતિને કહ્યું કે દેશની સુરક્ષા મારા માટે મહત્વપૂર્ણ છે અને અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમે ૨૦૧૪થી ડોનબાસ યુદ્ઘ લડી રહ્યાં છીએ. તેમણે કહ્યુું કે અમે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે તમામ શકય પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી નથી. પશ્ર્ચિમી દેશો યુક્રેનને મદદ કરી રહ્યાં છે. રશિયામાં નાટોનો હસ્તક્ષેપ વધી રહ્યો છે. અમે કોઇ રક્તપાત ઇચ્છતા નથી.

પુતિને રશિયન સંસદમાં કહ્યું કે યુદ્ઘ અમારા માટે છેલ્લો વિકલ્પ છે. અમેરિકાએ વિશ્ર્વમાં ઘણી જગ્યાએ હૂમલા કર્યા અને તેમાં ૯ લાખ લોકોના મોત થયા. અમેરિકાએ સમગ્ર વિશ્ર્વમાં સૈન્ય મથકો બનાવ્યા છે. અમારી લડાઇ પશ્ર્ચિમની તાકાત સામે છે. યુક્રેનના લોકો સાથે અમારે કોઇ લડાઇ નથી. કિવમાં સત્તા પશ્ર્ચિમી દેશોથી પ્રભાવિત છે. પુતિને એમ પણ કહ્યું કે પશ્ર્ચિમી દેશોએ આ યુદ્ઘ શ‚ કર્યુ છે. પશ્ર્ચિમી દેશો રશિયાની સરહદ નજીક લશ્કરી ટુકડીઓ તૈનાત કરી રહ્યાં છે. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યુું, હું પુનરાવર્તિત કરવા માંગુ છું કે તેઓએ યુદ્ઘ શ‚ કર્યુ અને અમને તેને રોકવા માટે દબાણ કરવામાં આવ્યું. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન કિવની ગુપ્ત મુલાકાત લીધી હતી.

પોતાના સંબોધનમાં રશિયન રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે યુક્રેનના લોકો તેમના પશ્ર્ચિમી આકાઓના બંધક બની ગયા છે. પશ્ર્ચિમી દેશોએ યુક્રેનની રાજનીતિ, અર્થતંત્ર અને સૈન્ય પર કબજો જમાવ્યો છે. પુતિને યુક્રેનની વર્તમાન સરકાર પર પોતાના દેશના હિતોનું ધ્યાન ન રાખવા અને વિદેશી શકિતઓના હિત માટે કામ કરવાનો આરોપ લગાવ્યો. પશ્ર્ચિમી દેશો જાણે છે કે તેઓ રશિયાને યુદ્ઘના મેદાનમાં હરાવી શકતા નથી. તેથી તેઓ માહિતી સાથે રશિયા પર આક્રમક હૂમલો કરી રહ્યાં છે. પશ્ર્ચિમી દેશો રશિયન મૂલ્યો અને રશિયાની યુવા પેઢીને નિશાન બનાવી રહ્યાં છે. રશિયા વિ‚દ્ઘ માહિતી, સૈન્ય તેમજ આર્થિક આક્રમણ કરવામાં આવ્યું. પરંતુ તેઓ તેમાં સફળ ન થયા. પુતિને ડોનેત્સ્ક અને લુહાન્સ્ક ક્ષેત્રના લોકોને પોતાના ભાઇ-બહેન ગણાવ્યા અને કહ્યું કે સાથે મળીને આપણે વધુ મજબૂત બનીશું. તેઓ એક સુરિક્ષત અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ બનાવવા માંગે છે જે પશ્ર્ચિમી દેશો પર નિર્ભર ન હોય. આ સિસ્ટમ રશિયાના લોકો પર જુલમ કરવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ તે તેમાં સફળ ન થયા. પુતિને દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમમાં રશિયન ‚બલનો હિસ્સો બમણો થઇ ગયો છે. દેશે વિક્રમી પાક ઉત્પાદન હાંસલ કર્યુ છે અને ૨૦૦૩ના અંત સુધીમાં અનાજની નિકાસ ૬૦ મિલિયન ટન સુધી વધારવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનની યુક્રેનની મુલાકાત બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કડક પગલાંની જાહેરાત કરી છે. તેમણે અમેરિકા સાથેની એકમાત્ર બાકી રહેલી પરમાણુ સંધિને પણ સ્થગિત કરી દીધી છે. આ સંધિ ‘ન્યુ સ્ટાર્ટ ન્યુકિલયર ટ્રીટી’ તરીકે જાણીતી હતી. પુતિને કહ્યું કે જો અમેરિકા પરમાણુ હથિયારનું પરીક્ષણ કરે છે તો રશિયા પણ આવું કરવા તૈયાર છે. વાસ્તવમાં આ પરમાણુ સંધિ પર બંને દેશો વચ્ચે ૨૦૧૦માં સહમતિ થઇ હતી. રશિયા-અમેરિકા વચ્ચે આ એકમાત્ર પરમાણુ સંધિ બાકી હતી. આને પણ હવે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ સંધિ બંને પક્ષોના વ્યૂહાત્મક પરમાણુ હથિયારોને મર્યાદિત કરવા માટે કરવામાં આવી હતી