
)નડિયાદઃ નડિયાદના પનોતા પુત્ર અને પૂજ્ય આચાર્ય દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજસાહેબનો ચૈત્ર વદ દસમના રોજ 74મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઇપ્કો-પરિવારના મુખ્ય લાભાર્થે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતા દેવાંગભાઈ પટેલ (ઇપ્કોવાલા)એ આખા દિવસના તમામ કાર્યક્રમોનો લાભ લીધો, એમણે 1000-1200 ભક્તજનોને જમાડ્યા, એટલું જ નહિ, રૂ. 74,000નું દાન સંતરામ મંદિરને કર્યું. શહેરની સેવાભાવી 74 સંસ્થાઓને પ્રત્યેકને રૂ. 7400નું દાન પણ કર્યું.
રાજયશસૂરીશ્વરજી મહારાજસાહેબે જૈન દેરાસરમાં વિહરમાન ભગવાનના જન્મ કલ્યાણનું પૂજન કર્યું હતું. ત્યાર પછી મહારાજસાહેબની બેન્ડવાજા સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં નડિયાદ, બેન્ગલોર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ સહિત શહેરોના ગુરુભક્તો જોડાયા હતા. નડિયાદ જૈન સંઘના શૈલેશભાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અનિલભાઈ શાહે મહારાજ સાહેબનું જીવનઝરમરની વિસ્તૃત માહિતી આપી હતી. નડિયાદ ડાહીલક્ષ્મી પુસ્તકાલયમાં હસ્તપ્રત માટેનું કાર્ય અને સમજુલક્ષ્મીમાં કરાયેલા નવીનીકરણ બદલ સંસ્થાના પ્રમુખ હસીત મહેતાએ મહારાજસાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આશીર્વચન પાઠવતાં રાજયશ-સૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, બાળક જન્મે ત્યારે પેંડા વહેંચાય, પરંતુ બાળક પોતે તે ન ખાય, અને તે દૂધ પીવે છે. નડિયાદમાં 74 વર્ષ પહેલાં મારા શરીરનો જન્મ થયો હતો, પરંતુ મારો ખરો જન્મ 19 વર્ષની ઉંમરે જ્યારે મારા ગુરુ આચાર્ય વિક્રમસૂરિશ્વરજી મહારાજસાહેબે મને દીક્ષા આપી ત્યારે થયો હતો.