દેવું ચૂકવવા કેટલોક POKનો હિસ્સો ચીનને વેચશે પાકિસ્તાન?

 

ઇસ્લામાબાદઃ દેવાંમાં ડૂબેલા પાકિસ્તાનના માથે ચીનનું જંગી દેવું ચઢી ગયું છે. હવે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે દેવું ચૂકવવા માટે પાકિસ્તાન પોતાના કબજા હેઠળના કાશ્મીરનો કેટલોક હિસ્સો ચીનને સોંપી દેશે, એમ એક અખબારી અહેવાલમાં જણાવાયું છે. પાકિસ્તાન જો આમ કરશે  તો ભારત એનો વિરોધ કરશે, કારણ કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટને પીઓકેના કેટલાક હિસ્સામાં લાગુ કરવા અંગે ભારત પહેલાં પણ વિરોધ નોંધાવી ચૂક્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે ચીનના શિનજિયાંગ પ્રાંતને પાકિસ્તાનના ગ્વાદરપોર્ટ સુધી જોડવાની યોજના છે. ૬૦ અબજ ડોલરના આ પ્રોજેક્ટ માટે પાકિસ્તાન ચીન પાસેથી અત્યારસુધીમાં ૨૧.૭ અબજ ડોલર લોન લઈ ચૂક્યું છે, જેમાંથી ૧૫ અબજ ડોલરની લોન ચીનની સરકારે ને  બીજી રકમ ચીનની નાણાકીય સંસ્થાઓએ આપી છે. તબાહ થઈ ગયેલા પાકિસ્તાન પાસે ૧૦ અબજ ડોલરનો વિદેશી મુદ્રાભંડાર બચેલો છે. પ્રોજેક્ટ નિર્માણની કામગીરી ચીનની કંપનીઓ પાસે છે ને આ માટેનો સામાન પણ ચીનથી આવે છે. એના પર કામ કરનારા ચીનના જ નાગરિકો છે.