દેવગૌડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કોરોના સંક્રમણ રોકવા સૂચન આપ્યા

 

બેંગલૂરુઃ ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી દેશમાં કોરોના મહામારીના સંક્રમણને રોકવાનાં સૂચનો આપ્યાં હતાં. 

એચ. ડી. દેવગૌડાએ પત્રમાં જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને રોકવા, જન જન સુધી વેક્સિન પહોંચાડવા અને લોકોના જાન બચાવવા તમારા પ્રતિનિધિત્વમાં એનડીએ સરકાર જે પહેલ કરી શકે તેને હું ટેકો આપું છું એમ તેમણે પત્રમાં જણાવ્યું હતું અને કેન્દ્ર સરકાર જો દેશના તમામ લોકોને મફત વેક્સિન આપવાનો નિર્ણય લેશે તો તે માનવીયતાનું એક મહાન કદમ ગણાશે, એવું તેમણે કહ્યું હતું.

તેમણે લોકોને વેક્સિન લેવા માટે ડેડલાઇન હોવી જોઇએ એમ સૂચન કર્યું હતું. દરેક સ્તર પર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના મતદારક્ષેત્રમાં રસીકરણ સુનિશ્ચિત કરવા માટે લક્ષ્યાંક આપવો જોઇએ. દેશની ગરીબ વસતીને ધ્યાનમાં રાખીને રસીની કિંમત રાખવી જોઇએ. જે ગરીબ લોકો વેક્સિન લેવા માટે આગળ આવી રહ્યા છે, તેમને ઓળખપત્ર રજૂ કરવામાંથી છૂટ આપવી જોઇએ. જે કોરોના યોદ્ધાએ તેમના જાન ગુમાવ્યા છે તેના પરિવારના એક જણને સરકારી નોકરી આપવી જોઇએ. સરકારી વિભાગમાં કામ કરતી ગર્ભવતી મહિલાને પગાર સાથેની ત્રણ મહિનાની રજા આપવી જોઇએ. આગામી છ મહિના સુધી દરેક સાર્વજનિક સમારંભો પર પ્રતિબંધ મૂકવો જોઇએ. ચૂંટણીમાં જીતની ઉજવણી પર પ્રતિબંધ મૂકવો જોઇએ, જેવાં વિવિધ સૂચનો તેમણે પત્રમાં કર્યાં હતાં.