દૂર છતાં સાથોસાથ!

0
1181

(ગતાંકથી ચાલુ)
નર અને નારી જેવી બે ઘટના સર્જીને કિરતારે કમાલ કરી છે. બન્ને વચ્ચે ચુંબકીય આકર્ષણ સર્જીને એણે પૃથ્વીને જાણે જીવતી કરી છે. આવા પ્રબળ આકર્ષણ વિનાની દુનિયાની કલ્પના કરી તો જુઓ! તબિયત સારી હોય તોય તમને તમ્મર આવી જશે. પુરુષને સ્ત્રી વિના નહિ સોરવે અને વળી સ્ત્રીને પણ પુરુષ વિના જીવવાનું અકારું લાગે. બન્નેની ઝંખના એકબીજાને પામવાની અને પ્રેમ કરવાની! કુદરતની આવી યોજના છતાં આ પૃથ્વી પર દુઃખ ટકી શકે? જરૂર દાળમાં ક્યાંક કાળું હોવાનું!
મૈત્રી તો માનવીની ઝંખનાની ભીની ભીની કવિતા છે. એવી સહજ ઝંખનાનો ધરાર અનાદર કરવો અને પછી ચારિત્ર્યની મોટી મોટી વાતો કરવી એ આપણો ધાર્મિક રોગ છે. ભવિષ્યનાં અખબારોમાં આવી જાહેરખબર વાંચવા મળશેઃ
એક વૃદ્ધાને એકલતા સતાવે છે. પોતાના જીવનને ભર્યુંભર્યું બનાવવા માટે એને એક પુરુષમિત્રની જરૂર છે. ઉંમરનો કે જ્ઞાતિનો કોઈ આગ્રહ નથી, પરંતુ સંગીતમાં રસ હોય એવા સુશિક્ષિત પુરુષને પ્રથમ પસંદગી આપવામાં આવશે. પસંદગી પામનારો પુરુષ પોતાની અનુકૂળતા મુજબ એ સંસ્કારી વિધવાને કંપની આપે એવી અપેક્ષા છે. એવી કંપનીની ઝંખના હોય એવા પુરુષને જ પત્રવ્યવહાર કરવા અથવા ટેલિફોન કરવા વિનંતી છે.
અમદાવાદમાં એક સંસ્થા આવાં મિલન યોજાય એ માટે સુંદર પ્રયત્ન કરે છે. આવા પ્રયત્નને યજ્ઞનો દરજ્જો મળવો જોઈએ. નગરના જાહેર ભાગમાં આવાં વૃદ્ધ યુગલો નિરાંતે બેસી શકે એ માટે ખાસ બાંકડા હોવા જોઈએ. એકલતામાં શેકાતાં બે વૃદ્ધોને આવી કોઈક રીતે ભેગાં કરવાં એ પુણ્યનું કર્મ છે. આ વિચારનો પ્રચાર ગામડાંમાં પણ થવો જોઈએ. સિનિયર સિટિઝન્સની પીડા પણ સિનિયર હોય છે. એ લાંબું જીવે અને સુખપૂર્વક જીવે એ માટે એમને કોરી ખાતી એકલતા દૂર કરવી એ કેન્સર દૂર કરવા બરાબર છે. ક્યાંક ધરતીકંપ થાય ત્યારે રાહતકાર્ય શરૂ થઈ જાય છે. ક્યાંક મોટી રેલ આવે પછી રાહતકાર્ય શરૂ થઈ જાય છે. અંધજનો, મૂક-બધિરો કે રક્તપિત્ત જેવા દરદીઓ માટે સમાજ વાજબી ચિંતા સેવે છે. એકલતાની અસહ્ય પીડા ભોગવનારા આદમી પ્રત્યે કોઈ સહાનુભૂતિ બતાવે ખરું?
પાછલી ઉંમરે લગ્નબંધનથી જોડાવામાં અનેક સમસ્યા ઊભી થાય એવી શક્યતા રહે છે. બન્ને પક્ષે સંતાનો હોય તો એમના વારસાહકના પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે. વળી, મોટી ઉંમરે માનવીની એડજસ્ટ થવાની શક્તિ પણ ઓછી થતી હોય છે. એકલતા ટળે અને નવી માથાકૂટ સર્જાય એમ પણ બની શકે છે. વૃદ્ધ વ્યક્તિની ઝંખના કેવળ એકલતા ટાળવાની હોય છે, નવો સંસાર ઊભો કરવાની નથી હોતી. એને કંપની જોઈએ છે. જંજાળ નથી જોઈતી. એવી કંપની મળે એનો કોઈ સરળ ઉપાય ખરો?
શિક્ષણની એક પરિષદમાં ભાગ લેવા માટે વર્ષો પહેલાં એમ્સ્ટરડેમ જવાનું થયેલું. એ પરિષદમાં એમ્સ્ટરડેમના જ એક શિક્ષણકાર મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા હતા. પરિષદના દિવસોમાં એક દિવસ સ્ટીમરમાં બેસીને કોઈ ટાપુ પર સહેલગાહે જવાનો કાર્યક્રમ હતો. લગભગ આખી દુનિયામાંથી શિક્ષણક્ષેત્રના નિષ્ણાતો આવ્યા હતા. પેલા શિક્ષણકાર મિત્ર સાથે મારે થોડીક અંગત વાતચીત થઈ ત્યારે એક નવી વાત જાણવા મળી. વાંચો.
પોતાનાં 40 વર્ષના સુખી લગ્નજીવન બાદ એમની પ્રિય પત્ની ગુજરી ગઈ. એકલતા ટાળવા માટે એ શિક્ષણકારે એક વિધવા કે ત્યક્તા સાથે મૈત્રી બાંધી. આવી રીતે પાછલી ઉંમરે કે નાની ઉંમરે મનગમતી અને છતાં બંધનરહિત મૈત્રી બાંધવાની પ્રથાને નેધરલેન્ડના લોકો લેટ (એલએટી) કહે છે. ‘લેટ’ એટલે લિવિંગ અપાર્ટ ટુગેધર. ગુજરાતીમાં કહેવું હોય તો કહી શકાય ‘દૂર છતાં સાથોસાથ.’ બન્ને જુદાં રહે છે, પરંતુ શનિ-રવિની રજામાં એકબીજાંની સાથે રહે છે. લાંબી રજા પડે ત્યારે બન્ને મિત્રો પ્રવાસે નીકળી પડે છે. હોટેલમાં રહેવામાં ત્યાં પતિ કે પત્ની એવું નોંધાવવું પડતું નથી. હોટેલમાં કે પરિષદમાં એને બદલે અંગ્રેજી શબ્દ સ્પાઉઝ લખાવવાનો રિવાજ છે. ‘સ્પાઉઝ’ એટલે પાર્ટનર અથવા મિત્ર. એ શબ્દ લિંગમુક્ત (જેન્ડર-ફ્રી) છે તેથી સાથે સૂવા-બેસવા-રહેવામાં કોઈ કાયદાકીય મુશ્કેલી સર્જાતી નથી. સ્પાઉઝ સજાતીય પણ હોઈ શકે અને વિજાતીય પણ હોઈ શકે. પેલાં બન્ને મિત્રો સુખેથી પાછલાં વર્ષો માણી રહ્યાં છે. આ ન્ખ્વ્ પ્રથામાં નથી વસિયતનામાના ઝઘડા કે નથી કોઈ કરારનું બંધન. મેં એ શિક્ષણકારને પ્રશ્ન પૂછ્યોઃ ‘તમારા આવા વણલખ્યા સંબંધમાં કોઈ નડતર છે ખરું?’ એમનો જવાબ હતોઃ ‘ચર્ચમાં સાથે જઈએ ત્યારે રૂઢિચુસ્ત મિત્રો અને સ્વજનો મોં મચકોડે ખરા, પણ હવે અમે ચર્ચમાં નથી જતાં.’
કલિયુગ એટલે મૈત્રીયુગ. સ્ત્રીઓનું શોષણ ન અટકે ત્યાં સુધી મૈત્રીયુગ નહિ જામે. સંસ્કૃતમાં શિલ્પના સૌંદર્ય માટે એક અનોખો શબ્દ છેઃ ક્રિયામાધુર્ય’. જ્યાં મધુરતા હોય ત્યાં મધુરાધિપતિ કૃષ્ણ હોવાના. મૈત્રી એટલે મધુરતાનું શિલ્પ! ન્ખ્વ્ એટલે માધુર્યની મિજબાની! નીતિન વડગામના શબ્દો સાંભળો…
વણબોલાવ્યે આવીને વરસાવે અનરાધાર,
કોઈ અચાનક આંગણમાં આવી રંગોળી પૂરે.
અકળવિકળ આંખ્યું એની ઝાંખી કરવા ઝૂરે.
સુગંધભીના શ્વાસોનો છે એ સાચો આધાર.
આવે અપરંપાર!

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.