

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે દૂરદર્શનને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમારી કેન્દ્ર સરકારે પાંચ વરસના સમયગાળામાં એટલું કામ કર્યું છે કે મને વિશ્વાસ છે કે ભારતની જનતા અમને ફરીથી ચૂંટીને સરકાર બનાવવાની તક અવશ્ય આપશે. પાંચ વરસથી હું સંપૂર્ણ સમર્પણ, નિષ્ઠા અને પરિશ્રમથી દેશ માટે કાર્ય કરી રહ્યો છું. હું છેલ્લા 18 વરસોથી લોકોની ગાળો સાંભળી રહ્યો છું. ડિકશનરીમાં ભાગ્યે જ કોઈ એવો અપશબ્દ હશે કે જે મારા માટે ઉપયોગમાં ના લેવાયો હોય. રાજકીય પક્ષોએ મને દરેક પ્રકારની ગાળો આપી છે. પરંતું મેં મારું સંતુલન ગુમાવ્યું નથી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રાફેલ યુધ્ધ વિમાનોના સોદા બાબત મારા પર અનેક લોકો જાતજાતના આરોપ મૂકી રહ્યા છે, કશા પુરાવાઓ કે તથ્યો ઉપલબ્ધ ન હોવા છતાં મનો ચોર કહેવામાં આવી રહ્યો. 55 વરસોથી દેશ પર એક પરિવારનું – એક વંશનું શાસન ચાલી રહ્યું હતું. મારી સરકારે 55 મહિના શાસન કર્યું તો મને જવાબદાર ગણીને અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે, તો શું 55 વરસ શાસન કરનારાઓનો કોઈ દોષ જ નથી ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવાદ , ભારતના સૈન્યની ગરિમા ને ગૌરવ , ખેડૂતોની સમસ્યાઓ તેમજ આમ પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવા માટે ભાજપ કેટલો ઉત્સાહી અને પ્રતિબધ્ધ છે તેની વાત કરી હતી.
ભાજપ ફરીથી સત્તા પર આવશે અને ભારતના 125 કરોડ લોકોના જીવનને સુખ-શાંતિથી સમૃધ્ધ કરવા માટે – સબકા સાથ, સબકા વિકાસ અને રાષ્ટ્રવાદને સ્થાપિત કરવાનું કાર્ય કરતો જ રહેશે.