દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ૮૦૦ કરોડના કૌભાંડમાં ધરપકડ

 

મહેસાણા: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની દૂધસાગરના પ્રમુખપદ દરમિયાન થયેલી નાણાંકીય ગેરરીતિઓના કેસમાં ગાંધીનગરમાં આવેલા પંચશીલ ફાર્મ હાઉસ પરથી અડધી રાત્રે ધરપકડ કરી હતી. તેમના અંગત સીએ શૈલેષ પરીખને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દૂધસાગર ડેરીમાં થયેલા નાણાંકીય કૌભાંડ અંગે મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરોમાં બંને સામે ફરિયાદ નોંધાઇ હતી. હવે ટૂંક સમયમાં પોલીસ વિપુલ ચૌધરી અને તેમના પીએને એસીબીને સોંપી દીધો છે. આ ઘટનાથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના વિરોધ કરી રહી છે. તો બીજી તરફ એસીબી વિપુલ ચૌધરીની કડક પૂછપરછ કરી આક્ષેપ આધીન પુરાવા એકત્રિત કરી રહી છે. આ અંગે એસીબીના જોઇન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે વિપુલ ચૌધરીનો કાર્યકાળ ૨૦૦૫ થી ૨૦૧૬ સુધીનો રડ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ ૮૦૦ કરોડથી વધુના કૌભાંડ કર્યા છે.

સરકારની ગાઇડલાઇન અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને ગેરરીતિ આચરી હતી. ૪૮૫ કરોડના બાંધકામ કરાવ્યા હતા, જે બાંધકામ માટે પણ એસઓપીનું પણ ઉલ્લંઘન કર્યુ હતું. તેમણે ડેપ્યુટી સેક્રેટરી વિ‚દ્ઘ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો. વિપુલ ચૌધરીએ પોતાના દૂધ સંઘના શાસનકાળ દરમિયાન કરેલા ભ્રષ્ટાચારની રકમને સેટ કરવા માટે અલગ અલગ ૨૫ કરતા વધુ બોગસ કંપની બનાવી હોવાની માહિતી એસીબી તરફથી પ્રાપ્ત થઇ રહી છે. આ બોગસ કંપની બનાવવા માટે બોગસ ડોકયુમેન્ટનો ઉપયોગ કર્યો હોવાની જાણકારી મળી રહી છે. વિપુલ ચૌધરીએ બનાવેલી બોગસ કંપનીના બોગસ એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. આ બોગસ એકાઉન્ટ ખોલવા માટે તેમણે બોગસ દસ્તાવેજોનો પણ ઉપયોગ કર્યો હતો. બોગસ એકાઉન્ટ ખૂલ્યા બાદ ભ્રષ્ટાચારની તમામ રકમ આ જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાની વિગત એસીબી મારફતે પ્રાપ્ત થઇ રહી છે. 

એસીબીના અધિકારીઓનું માનીએ તો, અલગ અલગ પાંચથી વધુ કૌભાંડ આચર્યુ હોવાનો વિપુલ ચૌધરી પર આરોપ લાગ્યો છે ત્યારે તમામ આરોપો આધીન તપાસ કરવામાં આવી રહી છે. સંભવત આ કૌભાંડની રકમ ૮૦૦ કરોડ કરતાં વધારો થાય તેમ છે. સહકાર વિભાગને સ્વતંત્ર અધિકારીની તપાસના પ્રાથમિક અહેવાલને આધારે ફોજદારી કિસ્સો હોવાનું જણાતાં સહકાર વિભાગના સંયુકત રજીસ્ટ્રાક પ્રતીક ઉપાધ્યાયે મહેસાણા એસીબીના પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે.